સગીરાને ધમકી આપી ભગાડી જઇ દુષ્કર્મ આચર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાઇને પતાવી દેવાની ધમકી આપતાં બહેન વશ થઇ

નડિયાદઃ નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક સગીરાને નજીકમાં જ રહેતો યુવક ધમકી આપીને ભગાડી ગયા બાદ, તળાવ નજીક લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચરી ફરાર થઇ જતાં આ મામલે સગીરાની માતાએ પશ્ચિમ પોલીસ મથકે નરાધમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 
 
નડીયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક પરિવારની 13 વર્ષિય સગીરાને અલ્પેશ હસમુખભાઇ તળપદા નામના યુવકે રાત્રિના 1 વાગે ફોન કરીને ઘરની બહાર બોલાવી હતી. અલ્પેશનો ફોન આવતાં સગીરા બહાર જતાં, અલ્પેશે તેને તેની સાથે ભાગી જવા દબાણ કર્યું હતું. જોકે સગીરા વશ ન થતાં અને તેણે અલ્પેશ સાથે ભાગી જવાની ના પાડતાં ઉશ્કેરાયેલા અલ્પેશે સગીરાને ધમકી આપી હતી અને જો તેની સાથે ભાગી નહીં જાય તો સગીરાના ભાઇને પતાવી દેવાની ધમકી આપી હતી.
 
ભાઇનો જીવ જોખમમાં ન મૂકાય તે માટે સગીરા અલ્પેશને વશ થઇ ગઇ હતી અને તેની સાથે ગઇ હતી. અલ્પેશ સગીરાને નડિયાદથી સીધો કમળા નજીક આવેલ શેંગ તલાવડી પાસે લઇ ગયો હતો અને ત્યાં તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું.  સગીરાને તેની બેનપણીના ઘર પાસે મૂકીને અલ્પેશ ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતાં તેમણે અંતે આ મામલે પશ્ચિમ પોલીસ મથકે અલ્પેશ તળપદા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા મામલની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 
 

આરોપી અલ્પેશની ધરપકડ કરાઈ
ફરિયાદના આધારે તપાસ કરી, આરોપીની અટક કરવામાં આવી છે. હાલમાં આરોપીની પૂછપરછ કરી રહ્યા છીએ. આરોપી અપરણિત છે. - એમ.વી.સગર, ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર, નડિયાદ પશ્ચિમ પોલીસ મથક

અન્ય સમાચારો પણ છે...