નડિયાદ: ખેડા જિલ્લા પંચાયત હસ્તક નડિયાદ શહેર સહિત 10 તાલુકા મથકોમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓની સંખ્યા 1621 જેટલી જ છે. જ્યારે જિલ્લાની આ પ્રાથમિક શાળાઓમાં અક્ષરજ્ઞાનનો એકડો 2.69 લાખ વિદ્યાર્થીઓ ઘૂંટી રહ્યાં છે. આ પોણા ત્રણ લાખ જેટલાં વિદ્યાર્થીઓને સાક્ષરતાના પાઠ ભણાવવા માટે માત્ર 7292 શિક્ષકો જ હોવાથી છાશવારે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પુર્ણ થતો જ ન હોવાની પણ ફરિયાદો ઉઠતી રહે છે. જેને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ નારાજગી પ્રવર્તિ રહી છે. સૌથી વધુ 293 શાળા કપડવંજ તાલુકામાં અને સૌથી ઓછી 58 શાળા વસો તાલુકામાં કાર્યરત છે.
સાક્ષ્રરતા દર વધારવા માટે સરકાર દ્વારા એક પછી એક યોજનાઓને અમલમાં મૂકીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ તરફ આકર્ષાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાનું વડું મથક જે સાક્ષર નગરી તરીકેની ઓળખ ધરાવે છે તે જિલ્લામાં પણ મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાની સ્થિતી જોવા મળી રહી છે. ખેડા જિલ્લાની મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાથી તેમજ વયમર્યાદાના કારણે શિક્ષકો નિવૃત્ત થતાં હોવા છતાં નવા શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. પરિણામે શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પણ તેની માઠી અરસ પડી રહી છે. આ બાબતે સરકારના શિક્ષણ વિભાગના બાબુઓ દ્વારા જરૂરી તપાસ કરી જે શાળામાં શિક્ષકોની અછત હોય ત્યાં નવી ભરતીના શિક્ષકોની સત્વરે ફાળવણી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. હાલમાં જ્યાં 2.69 વિદ્યાર્થીઓ જિલ્લામાં છે તેની સામે માત્રને માત્ર 7292 શિક્ષકો જ ફરજ બજાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.