તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતાન ન થતાં પતિએ મિત્રનો સહારો લીધો, પત્ની તાબે ન થતાં બંનેએ દુષ્કર્મ આચર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ: કઠલાલમાં રહેતા શખ્સે તેના મિત્ર સાથે મળી પત્ની પર સામૂહિક દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ હતી. આ શખ્સના પ્રથમ લગ્નમાં સંતાન ન થતાં તેણે બીજા લગ્ન કર્યાં હતાં અને બીજીવારની પત્નીને પણ ગર્ભ ન રહેતા તેણે મિત્રનો સહારો લીધો હતો. બીજી પત્નીને બળજબરીપૂર્વક, ધાકધમકી આપી હતી. જોકે, પરિણિતા તાબે ન થતાં અંતે મિત્ર સાથે મળીને તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ દુષ્કર્મના પગલે ગર્ભ રહ્યા બાદ પતિએ જ પત્નીને તરછોડી દેતાં મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. જેમાં પરિણીતાએ પતિ અને તેના મિત્ર સામે ફરિયાદ આપતાં પોલીસે સામૂહિક દુષ્કર્મના ગુનાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

2019માં એક વિધવા સાથ લગ્ન કર્યા હતા
કપડવંજના રતનપુરમાં રહેતા અને ગાંધીનગર ખાતે ખાનગી સિક્યોરિટીમાં ફરજ બજાવતાં ભગવાનભાઇ કલાજી પરમારના પ્રથમ લગ્ન 2005માં થયાં હતાં. જોકે, લગ્નના લાંબા સમય બાદ પણ સંતાન ન થતાં તેમણે મે, 2019માં એક વિધવા સાથે લગ્ન કર્યાં હતાં. ભગવાનભાઇએ ફુલ-હાર કરીને બીજા લગ્ન કર્યા હતા. જોકે, પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા વગર જ બીજા લગ્ન કર્યા હતાં. પહેલી પત્નીથી સંતાન ન થયું હોવાના કારણે ભગવાનભાઈએ પહેલાથી જ આ બાબતે તેના મિત્ર રવીન્દ્ર ઝાલા (રહે. કાલેતર, તા. કઠલાલ)ને પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા સાધી લીધો હતો. જોકે, બીજી પત્નીએ આ વાતે વાંધો ઉઠાવ્યો હતો.

અંતે કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી
શરૂઆતના તબક્કે તકરાર બાદ ભગવાનભાઇએ પત્ની ઉપર દબાણ લાવવાનું શરૂ કર્યું હતું, જોકે તેમ છતાં પરિણિતા તાબે ન થતાં અંતે તેની સાથે મારઝૂડ કરીને બળજબરીપૂર્વક ભગવાનભાઇ તેની હાજરીમાં જ મિત્ર રવીન્દ્ર સાથે પત્નીને શારીરીક સંબંધ બાંધવા મજબુર કરતો હતો. પતિ પોતાના મિત્ર સાથે મળીને અવારનવાર બળજબરી અને મારઝૂડ કરીને બળાત્કાર કરતાં હોવાથી અંતે શારીરીક રીતે કંટાળેલી પરિણીતાએ કઠલાલ પોલીસ મથકે પતિ ભગવાનભાઇ પરમાર અને તેના મિત્ર રવીન્દ્ર ઝાલા વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીની અટક કરી તપાસ હાથ ધરી છે.

બંને આરોપીની ધરપકડ કરાઇ
પરિણીતાની ફરિયાદના આધારે હાલમાં બંને આરોપીની અટક કરવામાં આવી છે અને તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પરિણીતાને મેડિકલ રિપોર્ટ માટે પણ મોકલી આપવામાં આવી છે.  ડી.સી.રાઓલ, પોલીસ સબ ઇન્સપેક્ટર, કઠલાલ પોલીસ મથક

પરિવારને સઘળી હકીકત જણાવી
પતિ અને તેના મિત્ર દ્વારા ભોગ બનેલી પરિણિતા માટે સામૂહિક બળાત્કારની સ્થિતી સામે લડવાની તાકાત ન રહેતાં અંતે તેણે સઘળી હકીકત પરિવારજનોને જણાવી હતી. પરિવારજનો દ્વારા અંતે પરિણીતાને હિંમત આપતાં તેણે ફરિયાદ નોંધાવી હતી.

ભોગ બનેલી પરણિતાને 2 માસનો ગર્ભ હતો
સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી પરિણિતા ગર્ભવતી બનતાં પત્નીને સાચવવાની જગ્યાએ પતિએ અત્યાચાર ચાલુ જ રાખ્યો અને બાદમાં તેને તરછોડી દીધી હતી. જેથી બે માસનો ગર્ભ ધરાવતી પરિણીતાએ અંતે બાળકની સુરક્ષાને લઇને લડત આપવાનો નિર્ધાર કર્યો હતો.