મહુધા / બેંક ઓફ બરોડાના કેશિયર સાથે હોમગાર્ડના જવાને મારામારી કરી, સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો

મહુધાની બેંક ઓફ બરોડા (ઇન્સેટમાં ઇલ્યાસની તસવીર)
મહુધાની બેંક ઓફ બરોડા (ઇન્સેટમાં ઇલ્યાસની તસવીર)

Divyabhaskar.com

Jan 22, 2020, 07:28 PM IST

મહુધાઃ મહુધા બેંક ઓફ બરોડામાં કેશિયર રણજીતકુમાર ઝા જમવા જતા બાજુના કર્મીના કાઉન્ટર પર પોતાનું કામ કરાવવાનું જણાવતા સ્થાનિક હોમગાર્ડના જવાન ઇલ્યાસ હુસેન ઉસ્માનમીયા મલેક દ્વારા પોલીસ દ્વારા મૂકવામાં આવેલા બે મહિલા જીઆરડીની હાજરીમાં જ કેશિયરને બીભત્સ ગાળો બોલી ત્રણ-ચાર લાફા મારતા સમગ્ર મામલો મહુધા પોલીસ મથકે પહોચ્યો હતો.

કેશિયરને કામ પૂરું કરી જમવા જવા કહેતા મામલો બીચક્યો
મહુધા બેંક ઓફ બરોડામાં ચાલુ બેંક દરમ્યાન બેંકની અંદર જ સામાન્ય મામલે મહુધાના સ્થાનિક હોમગાર્ડ દ્વારા બીભત્સ ગાળો બોલી ત્રણ-ચાર લાફા ચોઢી દેતા બેંકમાં ભારે હોબાળો મચ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મહુધા બેંક ઓફ બરોડામાં કેશિયર કાઉન્ટર પર બેસતા રણજીતકુમાર ઝા બપોરના દોઢ વાગ્યાની આસપાસ પોતાના કાઉન્ટરની કામગીરી બાજુના કાઉન્ટર પર સોંપી બેંકની અન્ય ચેમ્બરમાં પોતાનું ટીફીન લઇને જમવા જતા હતા. જે સમય દરમિયાન હોમગાર્ડ જવાન ઇલ્યાસ મલેક પોતાના કામ અર્થે તેઓના કાઉન્ટર પર લાઇનમાં ઉભો હતો. જેથી તેણે કેશિયરને પોતાનું કામ પૂરું કરી જમવા જવાનું કહ્યું. જેના જવાબ કેશિયરે ઇલ્યાસને જણાવ્યુ કે, ‘બાજુના કાઉન્ટર પર તમારું જે પણ કામ હોય તે આપી દો, તમારું કામ પૂર્ણ થઇ જશે.’

ગાર્ડે સ્થાનિક અસામાજિક તત્વોને બોલાવી ધમકી આપી
ઇલ્યાસ અચાનક ઉશ્કેરાઇ કેશિયરને બીભત્સ ગાળો બોલી અને અચાનક ઉશ્કેરાઇ જઇ બેંકમાં શાંતિ જળવાય તે માટે કાયમી રાખવામાં આવેલ બે મહિલા જીઆરડીની હાજરીમાં જ ત્રણથી ચાર લાફા ચોઢી દીધા હતા. આમ અચાનક બનેલી ઘટનાથી બેંકમાં આવેલા અન્ય ગ્રાહકોએ ઇલ્યાસ દ્વારા વધુ માર મારવામાં આવે તે પહેલા કેશિયરને બચાવી લેવાયા હતા. તેમજ ઇલ્યાસ સ્થાનિક હોવાથી કેશિયર અને મેનેજરને દમદાટી આપવા અન્ય સ્થાનિક અસામાજિક તત્વો પણ બેંકમાં પહોચી ગયા હતા, પરંતુ પોતાના કર્મી પર થયેલા હુમલા અંગે સભાનતા દાખવી બેંક મેનેજર અને કેશિયર મહુધા પોલીસ મથકે પહોચી ગયા હતા. આમ જીઆરડીની હાજરીમાં જ હોમગાર્ડ દ્વારા બેંક કર્મી પર થયેલા હુમલાથી સામાન્ય પ્રજાની સુરક્ષા અંગે નગરમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.

(તસવીર અને અહેવાલઃ ગૌરવ ગજ્જર, મહુધા)

X
મહુધાની બેંક ઓફ બરોડા (ઇન્સેટમાં ઇલ્યાસની તસવીર)મહુધાની બેંક ઓફ બરોડા (ઇન્સેટમાં ઇલ્યાસની તસવીર)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી