રામસિંહની ગુલાંટ, અમૂલની ચૂંટણી લડીશ જ રાજકીય પ્રવૃતિ ભારણ નહિં સામાજિક સેવા છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમુલની ચૂંટણીના પગલે રામસિંહ ભાજપથી ખસી કોંગ્રેસ તરફ ખસ્યાની ચર્ચા
  • રાજકારણ છોડવાનું કહી રામસિંહે કોથળામાં પાંચ શેરી રાખી ભાજપને ફટકારી

નડિયાદ: ચરોતરમાં સહકારી ક્ષેત્રે મોટું માથું ગણાતાં ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમારે રાજકીય નિવૃત્તિના અણસાર આપતાં રાજકીય વમળો સર્જાયાં છે. જોકે, હજુ ચર્ચાનો અંત આવે તે પહેલા રામસિંહે પોતાનું જ નિવેદન ફેરવી તોળતાં હોય તેમ અમૂલની ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમના આ વલણને રાજકીય નિરીક્ષકો અલગ રીતે મુલવી રહ્યાં છે. અમુલની ચૂંટણી જીતવા રામસિંહ ધીરે ધીરે કોંગ્રેસ તરફ ખસી રહ્યાં હોય તેવું ચર્ચાઇ રહ્યું છે. 
અમૂલની ચૂંટણી આગામી મહિનામાં યોજાઇ રહી છે. કોંગ્રેસમાં રહી અમુલમાં દોઢ દાયકાથી એક હથ્થુ શાસન કરતાં રામસિંહ આ વખતની ચૂંટણીમાં ભાજપમાં છે.  રામસિંહ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓએ ગળતેશ્વરના અંગાડી ગામે જાહેર પ્રવચનમાં રાજકારણક્ષેત્રે સન્યાસ લેવાની વાત કરતાં રાજકારણના શાંત પાણીમાં હલચલ મચી ગઈ છે. જોકે, અમૂલની ચૂંટણી ટાણે તેમણે કરેલા આ નિવેદનથી તેઓ ચૂંટણી લડશે કે કેમ ? તે પ્રશ્ન ઉભો થયો હતો. પરંતુ તેઓએ અમુલની ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કરતાં તેઓના સન્યાસની વાત રાજકીય રીતે મહત્વની બની ગઇ છે. તેઓએ સન્યાંસની વાત કરી અમુલની ચૂંટણી લડવા કોંગ્રેસનો સહારો લે તેવી શક્યતા પ્રબળ બની છે. 

12 લાખ પશુપાલકોનો પરિવાર ધરાવતો વ્યક્તિ ક્યારેય નિવૃત્ત ન થઇ શકે ? 
ખેડૂતો અને પશુપાલકોના હિતાર્થે અમૂલ ડેરી અને ફેડરેશનના કામ અર્થે સહકારી ક્ષેત્રમાં સતત પ્રવાસ અને બે મોટી સહકારી સંસ્થાના કામકાજમાં સમય પસાર થઈ જાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જે બાબતે કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતની સ્થિતિ વધુ મજબૂત બને અને કેન્દ્રની ખેડૂતલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ અમૂલ ડેરી અને ફેડરેશન મારફત તે શુદ્ધ ઉત્પાદન ગ્રાહક સુધી વ્યાજબી દરે પહોંચે તે બાબતને લઈ આગામી વર્ષોમાં મહત્તમ સમય આપવા ઈચ્છું છું. અમૂલ ડેરીને આગામી વર્ષોમાં દસ હજાર કરોડના ટર્નઓવર ઉપર પહોંચાડવાની મારી મહત્વકાંક્ષા છે. આગામી મહિનાઓમાં અમૂલની ચૂંટણીમાં મારી ઉમેદવારી હશે. હું વિધાનસભાના ચૂંટણીના લક્ષી ઉમેદવાર તરીકેના રાજકારણથી નિવૃત્તિની ઇચ્છા ધરાવું છું. રાજકીય પ્રવૃત્તિએ ભારણ નથી એ સામાજિક સેવા જ છે. 12 લાખ ખેડૂત પશુપાલકોનો પરિવાર ધરાવતો વ્યક્તિ ક્યારેય નિવૃત ન થઈ શકે. -  રામસિંહ પરમાર, ચેરમેન, ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન.

ભાજપમાં જોડાયા બાદ તેઓ વિધાનસભામાં હાર્યા હતાં
રામસિંહ પરમાર સિત્તેરના દાયકાથી રાજકારણમાં જોડાયાં છે. તેઓએ કોંગ્રેસ પહેલા પણ તેઓ જનતા દળમાં હતાં. કોંગ્રેસમાં જોડાણ બાદ તેઓએ ઠાસરામાં ધારાસભ્ય તરીકે દબદબો હતો. તેવી જ રીતે અમુલમાં 2007ના વર્ષમાં ચેરમેન બન્યા બાદ તેમનો પ્રભાવ વધ્યો હતો. જોકે, 2017માં ભાજપમાં જોડાયા બાદ તેઓ વિધાનસભાની ચૂંટણી હાર્યા હતાં. 

રાજકારણમાં પુત્ર યોગેન્દ્રસિંહને આગળ કરે તેવી શક્યતાં 
ચરોતરમાં રાજકીય રીતે મોટું માથું ગણાતાં રામસિંહ પરમાર રાજકીય રીતે સન્યાસ લે તો પણ તેઓ સહકારી ક્ષેત્રે સક્રિય રહેશે. તેવી જાહેરાત કરી છે. બીજી તરફ રાજકારણમાં હવે તેઓ તેમના પુત્ર યોગેન્દ્રસિંહને આગળ કરે તેવી શક્યતા છે. 2017માં જ કોંગ્રેસના નટવરસિંહ ઠાકોરે તેમના પુત્ર ઇન્દ્રજીતસિંહને ધારાસભ્ય બનાવ્યાં, તેમ રામસિંહ આગામી ચૂંટણમાં યોગેન્દ્રસિંહને આગળ કરી શકે છે.