મોલીમાં પ્રેમિકાને પ્રેમીના ખભે બેસાડી ગામ ભ્રમણ કરાવાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લામાં પ્રેમીપંખીડાંઓને તાલિબાની સજા
  • મહિલાના પતિએ બંનેને પકડી લાવી સજા કરી હતી

દાહોદ: દાહોદાના સંજેલી તાલુકાના મોલી ગામમાં રહેતાં પરીણિત પ્રેમીપંખીડાં ગત દિવાળી સમયે ભાગી ગયા હતાં. યુવકને બે દીકરા અને યુવતિને ત્રણ દીકરી હતી ત્યારે આ બંને પાંચેય બાળકોને પણ પોતાની સાથે લઇ ગયા હતાં. શોધખોળ છતાં બંનેનો કોઇ જ પત્તો મળતો ન હતો. આ બંને મળી આવતાં  ગામલોકોએ પ્રેમિકાને પ્રેમીના ખભે બેસાડી ગામમાં ફેરવ્યાં હતાં.

પ્રેમી પંખીડાનો કોઇ જ પત્તો ન મળ્યો
જોકે, થોડા દિવસ પહેલાં યુવતિના પતિને ભાળ મળી જતાં બંનેને પકડીને મોલી લાવવામાં આવ્યા હતાં. 11મી તારીખના રોજ યુવતિના પતિએ ગામના લોકોને ભેગા કરીને તેને પ્રેમીના ખભે બેસાડીને આખા ગામમાં ફેરવી હતી. ખભે બેસાડીને ફરવતી વખતે યુવતિની છેડતી પણ કરવામાં આવી હતી સાથે બંનેને માર પણ મારવામાં આવ્યો હતો. આ વિડિયો 16મી તારીખે સોમવારના રોજ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ મોલી ગામમાં ધસી ગઇ હતી પરંતુ પ્રેમી પંખીડાનો કોઇ જ પત્તો મળ્યો ન હતો.  

સપ્તાહ બાદ વીડિયો ફરતો થતાં તપાસના આદેશ 
દાહોદ એસ.પી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, સપ્તાહ પહેલાનો વિડિયો છે. આ વિડિયોની ખરાઇ કરવા માટે તપાસ સોંપી છે. જેથી ઝાલોદ ડીવાયએસપી અને પીએસઆઇ ગામમાં જઇને તેની ખરાઇ કરી રહ્યા છે. જે ગુનેગારો હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં 26 જુન 2019ના રોજ પણ એક પ્રેમિકાને તેના પ્રેમીના ખભે બેસાડીને ફરવવાના પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...