બિન સચિવાલય પરીક્ષા / આંદોલનકારીઓમાં ભાગલા, કહેવાતા નેતાઓએ પ્રદર્શન સમેટવા કહ્યું પણ પરીક્ષાર્થીઓના એક જૂથે કહ્યું, ‘પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે’

SITની રચના પછી પણ આંદોલનકારી ઘરે જવા તૈયાર નથી
SITની રચના પછી પણ આંદોલનકારી ઘરે જવા તૈયાર નથી
આજે આંદોલનકારીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે
આજે આંદોલનકારીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે

  • કોઇપણ સંજોગોમાં બિન સચિવાલયની પરીક્ષાનું પરિણામ જાહેર નહીં થાયઃ યુવરાજ સિંહ
  • પરીક્ષાર્થીઓની પાંચ માગ સ્વીકારી, SITની રચના કરાશેઃકલેક્ટર
  • બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે પરીક્ષાર્થીઓનું ઉગ્ર આંદોલન
  • અમારી લડાઈ ચાલુ રાખીશું, ગેરરીતિ થાય એમાં અમારો શું વાંક?: ઉમેદવારો

Divyabhaskar.com

Dec 06, 2019, 03:05 AM IST

ગાંધીનગરઃ ગાંધીનગર ઘ-4 સ્વર્ણિમ સંકુલ સામે બુધવારે સવારથી બેઠેલા 800થી વધુ ઉમેદવારોએ ગુરુવારની રાત પણ અહીં જ વીતાવી હતી. જોકે ગુરુવારે આંદોલનનો ચહેરો ગણાતા યુવરાજસિંહ, જયરાજસિંહ જાડેજા સહિતના નેતાઓ ગાંધીનગર કલેક્ટરને 3 વખત મળ્યા હતા. આ પછી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સીટની રચના કરી હતી. જોકે પ્રદર્શનકારી પૈકીના એક એક જૂથે કહ્યું કે, આંદોલનનો એક માત્ર હેતુ પરીક્ષા રદ કરવાનો છે અને આ માગણી પર અમે વિદ્યાર્થીઓ કાયમ છીએ. આ અંગેનો કોઈ પણ નિર્ણય કોઈ નેતા નહીં પરંતુ અમે વિદ્યાર્થીઓ જ લઈશું. અમારું પ્રદર્શન હજુ પણ ચાલુ છે. સરકારને અમારી વિદ્યાર્થીઓની અપીલ છે કે, સંઘર્ષમાં ઉતરવાનું બંધ કરે અને અમને ન્યાય આપે. આ આંદોલનમાં ગુજરાતના હજુ પણ વધુ ને વધુ વિદ્યાર્થીઓ જોડાય તેવી પણ અપીલ છે.
વાલીઓનો પણ વિરોધ, કહે છે- આટલી બધી સીટ રચાઈ, છેલ્લે તો મીંડુ
પરીક્ષાર્થીઓના સમર્થનમાં હવે તો તેમના વાલીઓ પણ ઉતરી આવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના પાલ્યોના સમર્થનમાં પહોંચી ગયા છે. મોટાભાગના વાલીઓનું એવું જ કહેવું છે કે, અત્યારસુધી આટ-આટલા કૌભાંડો થયા, ઘટનાઓ બની અને તેની તપાસ માટે સીટ રચાઈ છે, પણ કશું ઉકળ્યું નથી. આવી કોઈ સીટમાં અમને ભરોસો નથી. અમારી તો એક જ માગ છે કે કોઈ પણ ભોગે સરકાર આ પરીક્ષાને રદ કરે. આમ થશે પછી જ અમે અહીંથી ઘરે જઈશું.
પરીક્ષાર્થીઓના પ્રતિનિધિ-સરકાર વચ્ચે ત્રીજી બેઠક, આંદોલનકારીઓ હજી પણ મક્કમ
અગાઉ આંદોલનકારીઓ સાથે ગાંધીનગર કલેક્ટર અને આઇજી દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તેડું આવતા પરીક્ષાર્થીઓના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી અને મુખ્ય સચીવને મળવા માટે સચિવાલય પહોંચ્યા હતા. જોકે મુખ્ય અગ્રસચિવ સાથેની મુલાકાત બાદ પણ આંદોલન અંગેની મડાગાંઠ યથાવત છે. પરીક્ષાર્થીઓના પ્રતિનિધિ અને સરકાર વચ્ચે ત્રીજી વખત બેઠક યોજાવા જઇ રહી છે. મુખ્યમંત્રી બંગલે પ્રતિનિધિમંડળ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે SITની રચનાને લઇને ચર્ચા થવા જઇ રહી છે. બીજી તરફ આંદોલનકારીઓ હજી પણ પોતાની વાત પર મક્કમ છે.
SITની રચનાની લેખિતમાં જાહેરાત થશે તો આંદોલન સમેટીશું: યુવરાજસિંહ
જિલ્લા કલેક્ટર અને રેન્જ આઇજીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ પરીક્ષાર્થીઓના પ્રતિનિધિમંડળને સીએમઓ બોલાવવામાં આવ્યા હતા. જ્યાં સીએમના મુખ્ય અગ્રસચિવ સાથે પ્રતિનિધિમંડળની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ યુવરાજસિંહે આંદોલન સમેટવાના સંકેત આપતા જણાવ્યું હતું. કે શરતો પ્રમાણે SITની રચના કરવામાં આવશે અને SITની રચના અંગે લેખિતમાં જાહેરાત કરવામાં આવશે તો અમે હાલ પુરતુ આંદોલન સમેટી લઇશું. SITની ટીમ સાથે અમારું સંકલન રહેશે અને અમારી પાસેના પુરાવાઓ પર નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.
ગેરરીતિની ઉંડાણપુર્વક તપાસ કરવા SITની રચના કરવાની કલેક્ટરે ખાતરી આપી
આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ કલેક્ટરે પરીક્ષાર્થીઓના બે પ્રતિનિધિ યુવરાજ સિંહ અને હાર્દિક પ્રજાપતિ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કલેક્ટરે પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવેલી પાંચ માગને સ્વીકારી છે અને ગેરરીતિની ઉંડાણપુર્વક તપાસ કરવા SITની રચના કરવાની કલેક્ટરે ખાતરી આપી પરંતુ પરીક્ષાર્થીઓએ SITની રચનાને લોલીપોપ ગણાવી અને પરીક્ષા રદ કરવાની માગણી પર અડગ રહેતા બેઠક સમેટાઈ ગઇ હતી, જોકે કલેક્ટરે આ મામલે સરકાર સાથે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપતા હાલ પુરતો ઉમેદવારોના પ્રતિનીધિઓએ સંતોષ વ્યક્ત કર્યો છે, પરંતુ આંદોલનકારીઓ હજુ પણ ગાંધીનગરનો રસ્તો છોડવા તૈયાર નથી. જ્યાં સુધી સરકાર પરીક્ષા રદ કરવાની ખાતરી અથવા જાહેરાત નહીં કરે ત્યાં સુધી આંદોલનકારીઓ ગાંધીનગર નહીં છોડે. બીજીતરફ આજે પત્રકારો સાથે વાતચીત કરતા ગૃહમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે સરકાર સંવેદનશીલ છે, ઉમેદવારોને ઠંડીમાં રહેવું પડ્યું તેનું દુઃખ છે. સરકારની લાગણી ઉમેદવારો સાથે છે. પરીક્ષાર્થીઓનું સૂચન સ્વીકારવા સરકાર લગભગ તૈયાર છે.

મુખ્યમંત્રીના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવા કલેક્ટર અને એસપી પહોંચ્યા
પરીક્ષાર્થીઓની SITની રચના સહિતની પાંચ માગો અંગે જિલ્લા કલેક્ટર અને એસપી મુખ્યમંત્રીના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવા પહોંચ્યા છે. કોંગ્રેસ દ્વારા આંદોલનકારીઓને સમર્થન આપવામાં આવ્યું છે. યુવા નેતા હાર્દિક પટેલ અને અમિત ચાવડા પરીક્ષાર્થીઓને મળવા પહોંચ્યા હતા.
SITમાં કોઇપણ રાજકીય વ્યક્તિ નહીં હોયઃ યુવરાજ સિંહ
જિલ્લા કલેક્ટર સાથેની બેઠક બાદ યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, નક્કર પુરાવાઓ ઉપર તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છેકે આ મામલે SITની રચના કરવામાં આવશે. જોકે SITમાં કોઇપણ રાજકીય વ્યક્તિ નહીં હોય અને તેમાં IPS, IAS કક્ષાના અધિકારીઓ અને એક આંદોલનકારીને રાખવામાં આવશે. જ્યાં સુધી અમારી માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અસિત વોરાએ નિવેદન આપ્યું હતું કે તેઓ કોઇપણ સંજોગોમાં પરીક્ષાનું પરિણામ જાહેર કરશે તો જણાવી દઇએ કે SITની રચના કરવામાં આવ્યા બાદ પરીક્ષાનું પરિણામ કોઇપણ સંજોગોમાં જાહેર કરવામાં નહીં આવે. આ સાથે જ ભાવનગરની ઘટના અંગે પણ પગલા લેવામાં આવશે.

વહેલી સવારે પણ વિદ્યાર્થીઓના ગાંધીનગરના રસ્તાઓ પર સૂત્રોચ્ચાર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરંતુ રાજ્યના અનેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચોરી થઇ હોવાના આક્ષેપ સાથે બુધવારે ઉમેદવારોએ ગાંધીનગરના કર્મયોગી ભવનમાં સવારથી આંદોલન શરૂ કર્યું હતું. રાજ્યભરમાંથી આવેલા 5 હજાર જેટલા ઉમેદવારો રાત પડી ગઈ હોવા છતાં હટવા તૈયાર નથી. તેમજ ઠંડી અને પવન વચ્ચે રોડ પર રાત વિતાવી હતી. માત્ર એટલું જ નહીં, ધાબળા પણ મંગાવ્યા હતા. જો કે આ ધાબળા પણ ખુટી પડ્યા હતા. તેમાના કેટલાક આંદોલનકારીઓએ યુવતીઓને ધાબળા આપ્યા હતા. આમ છતાં આંદોલનકારીઓ હિંમત હાર્યા વિના લડત લડી રહ્યા છે. વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. સવારે એક સંસ્થા અને સ્થાનિક લોકો દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો, ત્યારે ભૂખ્યા વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં નાસ્તો કર્યો હતો.

હું તમારી સાથે છું, લડતમાં ભાગીદાર છું: શંકરસિંહ વાઘેલા
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે આંદોલન કરી રહેલા બિન સચિવાલયની પરીક્ષાના ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, હું આંદોલનકારીઓની સાથે છું અને તેમની લડતમાં ભાગીદાર છું. આંદોલનકારીઓએ રજૂઆત કરી હતી કે અમે પુરાવા રજૂ કર્યા છતાં પણ સરકાર અમારી વાત સાંભળતી નથી. જેના જવાબમાં તેમણે કહ્યું કે, સરકારે આંદોલનકારીઓની વાતને સાંભળવી જોઇએ. આજે હું ગર્વનરને ફોન કરીશ અને રજૂઆત કરીશ કે જો થઇ શકે તો આ પરીક્ષાને રદ કરવામાં આવે.

અન્યાય સામે લડવાની પ્રતિજ્ઞા લીધી

મોડી રાત્રે એક ઉમેદવારે આંદોલનકારીઓને પ્રતિજ્ઞા લેવડાવતા કહ્યું કે, અન્યાય સામે લડવાની પ્રતિજ્ઞા લઈશું તૈયાર?જવાબ મળ્યો તૈયાર, હવે સહન નહીં કરીએ તૈયાર? જવાબ આવ્યો તૈયાર. આંદોલનકારીઓ મોડી રાત્રે રસ્તા અને બાંકડા પર ઉંઘી ગયા હતા. આમ હવે આંદોલન આજથી વધુ ઉગ્ર બને એવી શક્યતા છે.

કલેક્ટર, ડીએસપી અને રેન્જ આઈજી સહિતના અધિકારીઓ હાજર

આંદોલનને પગલે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્યા, ડીએસપી મયુર ચાવડા અને રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા સહિતના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે.

પરીક્ષા રદ નહીં ત્યાં સુધી હટીશું નહીં: ઉમેદવારો

આંદોલનકારીઓએ પરીક્ષા રદ કરવાની માંગ કરી કહ્યું કે જ્યાં સુધી પરીક્ષા રદ નહીં કરે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં પરંતુ સરકારે પરીક્ષા રદ કરવાની ના પાડી છે. તેમજ આંદોલનના પડઘા અન્ય જિલ્લાઓમાં પડે એવી શક્યતા છે.

આંદોલન વધુ ઉગ્ર બની શકે, 15 હજાર બેરોજગારો ઉમટવાની શક્યતા

જો આ મામલે સરકાર કોઈ નક્કર નિર્ણય નહીં લે તો આ આંદોલન વધુ ઉગ્ર બને એવા એંધાણ છે. હાલ આંદોલનકારીઓ દ્વારા વધુ ઉમેદવારોને બોલાવવામાં આવી રહ્યા છે અને ગુરૂવારે 15 હજાર જેટલા યુવા બેરોજગારો આંદોલનમાં જોડાઈ એવી શક્યતા છે.

આંદોલનકારીઓએ અસિત વોરાના નામના છાજીયા લીધા
આંદોલનકારીઓએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના નામના છાજીયા લીધા હતા. તેમજ સરકારને સવાલ કર્યો કે, ગેરરીતિ થાય એમાં અમારો શું વાંક? આ ઉપરાંત હાલ બેરોજગાર એવા આ યુવાઓની જમવા અને ઠંડીમાં ઓઢવાની વ્યવસ્થા આસપાસ રહેતા ઉમેદવારોએ કરી હતી.

ગાંધીનગરના પાટણમાં પડઘા

ગાંધીનગરના પડઘા પાટણમાં પણ જોવા મળી રહ્યા છે. પાટણમાં વિદ્યાર્થીઓએ મીણબત્તી સળગાવી ન્યાય આપવા અને પરીક્ષા રદ કરો તેમજ યોગ્ય સાચી દિશામાં તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે.

ગોંડલનો યુવરાજસિંહ આંદોલનનો ચહેરો
રાજકોટના ગોંડલના યુવરાજસિંહ જાડેજાએ સુરેન્દ્રનગર સેન્ટરનો વીડિયો સહિતના પુરાવા સાથે રજૂઆત કરી હતી. છતાં કોઈ પગલાં ન લેવાતા યુવરાજસિંહ સહિતના યુવકોએ ઉમેદવારોને ગાંધીનગર પહોંચવા માટે કહ્યું હતું. પોલીસે તેની સવારે જ અટકાયત કરી લીધી હતી.

વિરોધમાં બે દિવ્યાંગો જોડાયા
આંદોલનમાં ભાવનગરના મહુવાથી મનહર વાળા અને વિપુલ જેઠવા નામના બે દિવ્યાંગ ઉમેદવાર પણ આવી પહોંચ્યા હતા. બંનેના પિતા ખેતી કામ કરે છે તેઓ પરીક્ષાની તૈયારી કરે છે. મંગળવારે રાત્રે જ તેઓ ગાંધીનગર આવી ગયા હતા અને બુધવારે આખો દિવસના પ્રદર્શનમાં રઝળ્યા હતા.

દિવ્યાંગો સહિત મહિલાઓને ટીંગાટોળી કરી હટાવાયાં
બુધવારે શહેરમાં સત્યાગ્રહ છાવણી, સિવિલ, સેન્ટ્રવિસ્ટા ગાર્ડન, ઘ રોડ, ગ રોડ દરેક સ્થળે પોલીસ અને ઉમેદવારો વચ્ચે આખો દિવસ દોડપકડનો ખેલ ચાલ્યો હતો, દિવસ દરમિયાન 200 પોલીસ જવાનોએ દિવ્યાંગો સહિત 800થી વધુ ઉમેદવારોની અટકાયત કરી હતી. આ અટકાયત માટે 4 કલાકનો સમય લાગ્યો હતો. તેમદ અટકાયત સમયે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે હળવુ ઘર્ષણ થયું હતું. જેને પગલે દિવ્યાંગો સહિત મહિલાઓને ટીંગાટોળી કરી હટાવવામાં આવ્યા હતા. અટકાયત બાદ ઉમેદવારોને એસપી ઓફિસ સહિતના સ્થળોએ રાખ્યા હતા. જો કે પોલીસે સાંજે તમામને છોડતા તેઓ ફરીથી ઘ-4થી ગ-4ની વચ્ચે સેન્ટ્રલવિસ્ટા ગાર્ડન પાસે બેસી ગયા હતા.

પરીક્ષા અંગેનો આખરી નિર્ણય 2 દિવસમાં લેવાશે
આ મામલે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૌણ સેવા પસંદગી મંડળને બે દિવસમાં તપાસ અહેવાલ આપવા સૂચના આપી છે. રિપોર્ટ મળ્યા બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે. જાડેજાએ વધુમાં કહ્યું કે આ પરીક્ષા મામલે 39 ફરિયાદ અને 23 વોટ્સએપ ચેટિંગ મળ્યા છે. જેની તપાસ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થઇ રહી છે.

અનેક વખત વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું
ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક કેન્દ્રો ઉપર ચોરી થયા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ પરીક્ષામાં ચોરી થઇ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે ઉમેદવારોએ આ મામલે અનેકવાર આવેદનપત્ર આપ્યું હોવા છતાં નિરાકરણ ન આવતા ઉમેદવારોને વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી.

X
SITની રચના પછી પણ આંદોલનકારી ઘરે જવા તૈયાર નથીSITની રચના પછી પણ આંદોલનકારી ઘરે જવા તૈયાર નથી
આજે આંદોલનકારીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છેઆજે આંદોલનકારીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી