Exclusive / પાસપોર્ટ માટે આત્મદાહની ચિમકી આપનારા માણસાના હરિપ્રસાદની સમસ્યા સુષ્માએ ઉકેલી હતી

Sushma swaraj solves problem of Hariprasad and santoshben who threaten suicide for passport

  • પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનથી ગમગીન હરિપ્રસાદ-સંતોષબેન સ્વજન ગુમાવ્યાનું અનુભવે છે
  • વિદેશ હોવા છતાં સુષ્માએ તે સમયે ટ્વીટનો જવાબ આપી પાસપોર્ટ અધિકારીને સમસ્યા ઉકેલવા કહ્યું હતું

Divyabhaskar.com

Aug 07, 2019, 04:18 PM IST

મયંક વ્યાસ, અમદાવાદઃ પૂર્વ વિદેશમંત્રી અને ભાજપના વરિષ્ઠતમ તથા આદરપાત્ર નેતાઓમાં સ્થાન ધરાવતા સુષ્મા સ્વરાજનો ગત રાત્રિએ દેહવિલય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત વિશ્વભરની જાણીતી હસ્તીઓએ દિવંગત સુષ્માજીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સુષ્મા સ્વરાજ વિદેશમંત્રી તરીકે મુત્સદ્દી હોવાની સાથે-સાથે પોતાની સમક્ષ કોઈ પણ સમસ્યા કે પ્રશ્ન લઈને આવનાર સાથે માનવીય અભિગમ અને સંવેદના દાખવવા માટે પણ જાણીતા હતા. ટ્વીટર પર સૌથી સક્રિય મંત્રી તરીકે તેઓ જાણીતા હતા અને મોટાભાગની સમસ્યાઓનો તેઓ ટ્વીટર દ્વારા જ નિવેડો લાવી દેતા હતા. સુષ્માજીનો ગુજરાત સાથે આવો સંવેદનશીલ નાતો હતો અને તેના સામે છેડે હતા ગાંધીનગર જિલ્લાના નાનકડા માણસા નગરના રહેવાસી પંડિત હરિપ્રસાદ અને તેમના પત્ની સંતોષબેન.
પાસપોર્ટના ધાંધિયાથી કંટાળીને હરિપ્રસાદ-સંતોષબેને આત્મદાહની ચિમકી આપી હતી
માણસા ખાતે વર્ષોથી રહેતા અને નિવૃત્ત જીવન વિતાવતા હરિપ્રસાદ પંડિતે સુષ્માજી સાથેના સંસ્મરણો વાગોળતા DivyaBhaskarને જણાવ્યું હતું કે, તેમના પત્ની સંતોષબેનને આંતરડાનું ઓપરેશન કરાવવાનું હતું. તેમનો દિકરો સ્પેન સ્થાયી થયો હોવાથી ત્યાં વધુ સારી રીતે ઓપરેશન કરાવવાની વાત હતી. આ માટે સંતોષબેન અને હરિપ્રસાદ પંડિત સ્પેન જવા માગતા હતા. પરંતુ સંતોષબેનના પાસપોર્ટમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી જેના કારણે તેમનું જન્મનું રાજ્ય ઉત્તરપ્રદેશને બદલે રાજસ્થાન થયું હતું. આ ભૂલ સુધરાવવા મહિનાઓ સુધી રિજનલ પાસપોર્ટ ઓફિસ, અમદાવાદના ધક્કા ખાવા છતાં કામ નહોતું થતું. ઉલટાનું ત્યાંના ઓફિસરે 35 હજાર રૂપિયાની લાંચ માગતા તેમણે સુષ્મા સ્વરાજને ટેગ કરીને ટ્વીટ કરી હતી કે દસ દિવસમાં તેમને પાસપોર્ટ નહીં મળે તો તેઓ અમદાવાદ પાસપોર્ટ ઓફિસ બહાર આત્મદાહ કરી લેશે.
વિદેશ હોવા છતાં હરિપ્રસાદની ટ્વીટનો તુરત સુષ્માએ રિપ્લાય કર્યો હતો
હરિપ્રસાદ પંડિતે DivyaBhaskar સાથેની એક્સક્લુઝિવ વાતમાં કહ્યું કે, તે સમયે સુષ્મા સ્વરાજ નેધરલેન્ડની મુલાકાતે ગયા હતા તેમ છતાં તેમનીની ટ્વીટ પર પૂર્વ વિદેશમંત્રીએ તુરત પગલાં લીધા હતા અને રિપ્લાય કર્યો હતો. એટલું જ નહીં તેમણે તે સમયે અમદાવાદના રિજનલ પાસપોર્ટ અધિકારી નિલમ રાણીને પણ વ્યક્તિગત ટ્વીટ કરીને કહ્યું હતું કે, "આજને આજ સંતોષબેનને તમારી ઓફિસે બોલાવો, તેમની પીડા અને વાતને સાંભળો અને તેમની સમસ્યાનો નિવેડો લાવીને મને તાત્કાલિક રિપોર્ટ મોકલી આપો." તેમણે સંતોષબેનને પણ આવું કોઈ પગલું ભર્યા વિના પાસપોર્ટ ઓફિસે પહોંચવા કહ્યું હતું.
પાસપોર્ટ ઓફિસમાંથી કોઈએ જાનથી મારી નાંખવા ધમકી પણ આપી હતી
તે સમયે પોતાના જીવ સામે જોખમ થઈ ગયું હતું તે વાતનો ઉચ્ચાર કરતાં હરિપ્રસાદ પંડિતે DivyaBhaskarને કહ્યું હતું કે, અમારા પ્રશ્નમાં સુષ્માજી સામેલ થયા હોવાનું જણાતા રિજનલ પાસપોર્ટ ઓફિસમાં સન્નાટો થવાઈ ગયો હતો. અમારી પાસે લાંચ માગનારા હવે અમને ફોન કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. આ કારણે જ અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં જતા પહેલાં અમે પોલીસ પ્રોટેક્શન મેળવ્યું હતું અને પછી નિલમરાણીને મળવા ગયા હતા. તેમણે અમારી સાથે સુખ-દુઃખની વાતો કરી અને જેણે લાંચ માગી હતી તે ઓફિસરને બોલાવીને ધમકાવ્યા અને એક્શન લેવાની પણ વાત કરી હતી.
'સુષ્માજી જતા રહ્યાં પણ અમારી યાદોમાં હંમેશા જીવંત રહેશે, તેમની ખોટ નહીં પૂરાય'
સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર મળતાં જ ગમગીન થઈ ગયા હરિપ્રસાદ અને તેમના પત્ની સંતોષબેને કહ્યું હતું કે, સુષ્માજી મુસીબતના સમયમાં અમારી વહારે થયા હતા. તેમને કદી રૂબરૂમાં તો નથી મળી શકાયું પણ ટ્વીટરના માધ્યમે તેમનો સંપર્ક થયો હતો. આઠ મહિના સુધી અમારો રોકી રખાયેલો પાસપોર્ટ તેમણે અમને અપાવ્યો. તેમના આ સંભારણા હંમેશા અમારી સાથે રહેશે. સુષ્માજીના નિધનથી ભારતને કદી ન પૂરાનારી ખોટ પડી છે. તેમના જેવા એક્ટિવ વિદેશમંત્રી ભારતને કદી મળશે નહીં. તેઓ પોતાના શત્રુનું પણ કામ કરતા હતા અને કદી કોઈની સાથે વેરો-આંતરો નહોતા રાખતા. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે..

X
Sushma swaraj solves problem of Hariprasad and santoshben who threaten suicide for passport
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી