ધો-10, 12ના વિદ્યાર્થીઓ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મનો નંબર નાંખી બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

ગાંધીનગર: શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપરથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાની  હોલ ટીકીટ જાતે ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીએ પરીક્ષાની રસીદ ડાઉનલોડ કરવા ઓનલાઇન ભરેલા પરીક્ષા ફોર્મનો નંબર તેમાં નાંખવાનો રહેશે. વિદ્યાર્થીઓની સરળતા માટે શિક્ષણ બોર્ડે આવો નિર્ણય લીધો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા આડે હવે 25 દિવસ બાકી રહ્યા છે. ત્યારે બોર્ડ દ્વારા પરીક્ષાને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઇ તકલીફ પડે નહી તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાઇ રહ્યો છે. જેમાં ચાલુ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની  હોલ ટિકિટને બોર્ડની વેબસાઇટ ઉપર મુકાશે. જોકે અગાઉ વિદ્યાર્થીઓની હોલટિકિટ માત્ર શાળા જ કાઢી શકે તેવી વ્યવસ્થા શિક્ષણ બોર્ડે કરી હતી. પરંતુ કેટલાંક વિદ્યાર્થીએ શાળામાં ફી ભરી નહી હોવાથી તેમને જે તે શાળામાંથી હોલ ટિકિટ આપવામાં આવતી ન હોવાની સમસ્યાઓ અગાઉ ઉભી થતી હતી.
આથી વિદ્યાર્થીઓની આવી સમસ્યાના ઉકેલ માટે શિક્ષણ બોર્ડે નવો નિર્ણય લીધો છે. જેમાં વિદ્યાર્થી ઘરે બેઠા બોર્ડની વેબસાઇટ ઉપરથી પરીક્ષાની પોતાની હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે. જેના માટે વિદ્યાર્થીએ બોર્ડની વેબસાઇટ ઓપન કરીને પરીક્ષા ફોર્મનો નંબર નાંખવાનો રહેશે. પરીક્ષા ફોર્મનો નંબર નાંખ્યા બાદ ઓટીપી નંબર વિદ્યાર્થી કે વાલીના મોબાઇલમાં આવશે. આ ઓટીપી નંબરના આધારે વિદ્યાર્થી પરીક્ષાની હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે તેમ શિક્ષણ બોર્ડના એસએસસીના સચિવ આરીફખાન પઠાણે જણાવ્યું છે.

આચાર્યના સહિ-સિક્કા કરાવવાના રહેશે
બોર્ડની વેબસાઇટ ઉપરથી વિદ્યાર્થીઓ પોતાની હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે. પરંતુ હોલટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેના ઉપર શાળાના આચાર્યના સહિ-સિક્કા કરાવવાના રહેશે તેમ શિક્ષણ બોર્ડના ધોરણ 10ના સચિવે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...