ખાનગી કંપનીઓને શાળાઓમાં કોઇ  પ્રકારની પરીક્ષા લેવા નહીં દેવા આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એજન્સીઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ સામે વાલીઓનો વિરોધ
  • પ્રાથમિક શિક્ષણ નિયામકે ડીઇઓ અને ડીપીઇઓને આપેલી સૂચના

ગાંધીનગર: જનરલ નોલેજના નામે સરકારી તેમજ ખાનગી શાળાઓમાં પરીક્ષા લીધા બાદ ખાનગી કંપનીઓ કે એજન્સીઓ દ્વારા સાહિત્યની ખરીદી માટે વાલીઓને દબાણ કરાય છે. આથી ખાનગી કંપનીઓ અને એજન્સીઓ દ્વારા સરકારી અને ખાનગી શાળાઓમા પરીક્ષા લેવાય નહી તેની તકેદારી રાખવા ડીઇઓ અને ડીપીઇઓને પ્રાથમિક શિક્ષણ નિયામકે સૂચના આપી છે.

વિદ્યાર્થીઓમાં જનરલ નોલેજ તેમજ અભ્યાસક્રમને લગતી પરીક્ષાઓ લેવાનું કાર્ય ખાનગી એજન્સીઓ, વ્યાપારી કંપનીઓ અને ઓનલાઇન લર્નિગ એપ્લીકેશન ધરાવતી કંપનીઓ દ્વારા સરકારી અ્ને ખાનગી શાળાઓમાં કરવામાં આવી રહ્યું છે.ખાનગી કંપનીઓ અને એજન્સીઓ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા બાદ તેને ગુણ આપવામાં આવે છે. પરીક્ષાના બહાને ખાનગી કંપનીઓ અને એજન્સીઓ દ્વારા વિદ્યાર્થીઓના ઘરનું સરનામું તેના માતા-પિતાના નામ અને મોબાઇલ નંબર સહિતની વિગતો લેવામાં આવે છે. ત્યારબાદ જે વિદ્યાર્થીએ વધારે ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓના વાલીઓનો કંપનીઓ દ્વારા સંપર્ક કરાય છે. સંપર્ક કર્યા બાદ આવી ખાનગી કંપનીઓ અને એજન્સીઓ દ્વારા પ્રકાશીત કરાતા જનરલ નોલેજને લગતા તેમજ અભ્યાસક્રમને લગતા પુસ્તકો ખરીદવાની ફરજ પાડવામાં આવે છે.

ખાનગી એજન્સીઓ અને કંપનીઓ દ્વારા આવું કાર્ય ખાનગી અને સરકારી શાળાઆઓમાં કરવામાં આવતું હોવાની ફરીયાદો વાલીઓએ પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઇ.જોષીને કરી હતી. વાલીઓની ફરીયાદના આધારે સરકાર માન્ય ન હોય તેવી કોઇપણ ખાનગી કંપની કે એજન્સીઓ દ્વારા સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની આવી કોઇપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવે નહી તેની કાળજી રાખવા પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આદેશ કર્યો છે.  આથી ખાનગી કંપનીઓ અને એજન્સીઓ દ્વારા સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય નહી તેની તકેદારી રાખવા રાજ્યના તમામ ડીઇઓ અને ડીપીઇઓને પ્રાથમિક શિક્ષણ નિયામકે સુચના આપી છે.

સાહિત્ય ખરીદવા દબાણ કરાય છે
એક તરફ રાજ્ય સરકાર દ્વારા જે તે સરકારી અથવા ખાનગી શાળાઓમા બહારની કંપની અથવા સંસ્થાઓ દ્વારા કરવામા આવતી દરમિયાનગીરી ચલાવી લેવામા નહિ આવે તેમ જણાવવામા આવે છે તો બીજી તરફ રાજ્યની કેટલીક સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમા કેટલીક અેજન્સીઓ દ્વારા જનરલ નોલેજના નામે પરીક્ષા લેવામા આવે છે તેમજ તેના દ્વારા કેટલીક એજન્સીઓ દ્વારા તેમનુ સાહિત્ય ખરીદવા માટે જે તે વિદ્યાર્થીઓના વાલીઓ પર દબાણ કરવામા આવે છે. તેથી આ અંગે મળેલી ફરિયાદો બાદ તંત્ર દ્વારા આવો આદેશ આપવામા આવ્યો છે.