ગાંધીનગર: 20મી ઓક્ટોબર લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરાયેલાં આ નિર્ણયમાં જણાવાયું છે કે, આ પરીક્ષા હાલ પૂરતી રદ કરાઇ છે. પરંતુ નવી તારીખો ક્યાં સુધીમાં જાહેર કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. આ અંગે મંડળના અધ્યક્ષ આસિત વોરાને પૂછતાં તેમણે જણાવ્યું કે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ તરફથી પરીક્ષા રદ કરવા સૂચના આવી છે. પરીક્ષા રદ કરવા પાછળ નવો ખુલાસો કરવામાં આવ્યો છેકે, શૈક્ષણિક લાયકાતને લઇને આ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા પુનઃ લેવામાં આવશે. હવે આ પરીક્ષા ધોરણ 12 પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
રાજ્યમાંથી 10.75 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. જો શૈક્ષણિક લાયકાતમાં સુધારો આવે અને તે સ્નાતક કક્ષાનું થાય તો મૂળ જાહેરાત પ્રમાણે ધોરણ બાર પાસની લાયકાત ધરાવતાં ઘણાં અરજકર્તાઓની અરજી રદ્દ થવાં પાત્ર પણ ઠરે તેમ છે. જાહેરાત બહાર પડ્યાને એક વર્ષ થઇ ગયું છે, અને હવે સરકારના નિયમના બદલાવની સંભાવનાથી ઉમેદવારોને અનિશ્ચિતતા સતાવી શકે છે કે તેઓ અરજી કર્યાં બાદ પણ ભરતીને લાયક રહેશે કે નહીં. ગૌણ સેવા પસંદગી મંડળે તમામ નિવાસી એડિશનલ કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીએ ને સૂચના આપી દીધી છે. 10 લાખ 45 હજાર ઉમેદવારોને પરીક્ષા રદ અંગેની માહિતી વેબસાઈટ પર મુકાઈ છે.
અગાઉ પણ બે વાર પરીક્ષા રદ કરાઈ હતી
આ અગાઉ પણ બે વાર અલગ અલગ કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી હતી. રાજ્યમાંથી 10.75 લાખ ઉમેદવારોમાંથી સૌથી વધુ 1.50 લાખ ઉમેદવારો અમદાવાદમાંથી પરીક્ષા આપવાના હતા. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાંથી 1 લાખથી વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.