ખુશખબર / MBBSમાં સીટ વધે તે માટે રાજ્યના ત્રણ જિલ્લામાં નવી મેડિકલ કોલેજ બનશે, પ્રથમ વર્ષે 100 બેઠક પર પ્રવેશ મળશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • પ્રત્યેક મેડીકલ કોલેજ દીઠ રૂ.325 કરોડના ખર્ચે હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન અને મેડીકલ કોલેજ સ્થપાશે
  • 3 કોલેજ માટે કેન્દ્ર સરકારના 585 કરોડ અને રાજ્ય સરકારના 390 કરોડ મળી રૂ. 975 કરોડનો ખર્ચ કરાશે
  • દર્દીઓને આધુનિક સારવાર સત્વરે પ્રાપ્ત થશે પ્રથમ વર્ષે 100 બેઠકો પર પ્રવેશ મળશે 

Divyabhaskar.com

Oct 11, 2019, 09:04 PM IST

ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં પ્રજાજનોની આરોગ્‍ય સવલતોનો વ્‍યાપ વધે તેમજ ઘર આંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્‍ધ થાય તે માટે અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના 75 જિલ્લાઓમાં કે જ્યાં મેડીકલ કોલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઇ છે. તેમાં ગુજરાતના 5 જિલ્લાઓની પસંદગી થઇ છે. તે પૈકી રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર ખાતે નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે.

આકાંક્ષી જિલ્લાઓને અગ્રીમતા આપવામાં આવી
જેને કારણે નાગરિકોને વધુ સારી સવલતો પ્રાપ્ત થશે અને તબીબી શિક્ષણની બેઠકો પણ વધશે. કેન્દ્ર સરકાર દ્વારા આકાંક્ષી જિલ્લાઓમાં મેડીકલ કોલેજ માટે અગ્રીમતા અપાઇ છે ત્યારે રાજ્યના દાહોદ જિલ્લામાં મેડીકલ કોલેજ કાર્યરત છે. હવે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નવી મેડીકલ કોલેજ થતાં આદિવાસી નાગરિકો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતાં લાખો પ્રવાસીઓને ત્વરીત સારવાર મળી રહેશે.

હયાત હોસ્પિટલનું અપગ્રેડેશન કરવામાં આવશે
કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડીકલ કોલેજોની MBBSની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મુકી છે. જેનો લાભ લઇ ગુજરાત સરકારે MBBSની બેઠકો વધારવા માટે નવી કોલેજોના નિર્માણ માટે દરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં નિર્માણ થનાર આ કોલેજોમાં કોલેજ દીઠ રૂ.325 કરોડ ખર્ચ થશે જેમાં ભારત સરકારના 60 % લેખે રૂ.195 કરોડ તથા રાજ્ય સરકારના 40% લેખે રૂ.135 કરોડ મળી કુલ-3 કોલેજો રૂ.975 કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. જેમાં હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે 300 બેડની અને કોલેજ પૂર્ણ થતાં 500 બેડની સુવિધાવાળી હોસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ કોલેજોમાં પ્રથમ વર્ષે 100 બેઠકો પર પ્રવેશ અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યનાં 33 જિલ્લાઓ પૈકી 19 જિલ્લાઓમાં કુલ-29 મેડીકલ કોલેજો કાર્યરત છે. રાજ્યમાં આ 500 બેઠકોનો વધારો થતાં હવે અંદાજીત 6000થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી