ભાસ્કર ઓરિજનલ / ગુરુપ્રસાદ મહાપાત્ર બનશે ગુજરાતના નવા મુખ્ય સચિવ

guruprasad mohapatra will be the new Chief Secretary of Gujarat

  • પાંચ સિનિયર આઈએસ અધિકારીઓને સુપરસીડ કરશે
  • જયંતિ રવિ હવે કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર જાય તેવી ચર્ચા

Divyabhaskar.com

Nov 11, 2019, 11:55 AM IST

ચિંતન આચાર્ય, ગાંધીનગર: ગુજરાત સરકારના સિનિયર બાબુઓમાં ચાલેલી લાંબી ખેંચતાણ બાદ 1986 બેચના અધિકારી ગુરપ્રસાદ મહાપાત્ર હવે ગુજરાતના નવા મુખ્ય સચિવ બનવા જઇ રહ્યા છે. 30 નવેમ્બરે વર્તમાન મુખ્ય સચિવ ડો. જે એન સિંઘને મળેલા 6 મહિનાના એક્સટેન્શનની પૂર્ણાહુતિ સાથે જ નવા મુખ્ય સચિવની નિયુક્તિનો હુકમ થઈ જશે. મહાપાત્ર હાલ દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડમાં સચિવ તરીકે કાર્યરત છે. ઓક્ટોબર 2014માં મહાપાત્ર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પદેથી સીધા કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર ગયા હતા અને કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ તેમણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડિરેકટર તરીકેની કામગીરી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમામ યોજના સુપેરે પાર પાડી દેશમાં નવા એરપોર્ટ વિકસાવવાની સિદ્ધિ મેળવી હતી.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ કામ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમના ફાળે બીઆરટીએસ, સાબરમતી રીવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ જેવા કામોની સિદ્ધિ છે તો સૂરત મ્યુનિસિપલ કમિશનર તરીકે કામ કરતા તેમણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ નોંધપાત્ર કામ કર્યું હતું. ગુજરાતના કોમર્શિયલ ટેક્સ કમિશનર અને ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે પણ તેમણે ગુજરાત સરકારમાં કામ કર્યું છે. ગુજરાત સરકારના એક વરિષ્ઠ સનદી અધિકારી જણાવ્ છે કે મહાપાત્ર હંમેશા મિલનસાર, હસમુખ સ્વભાવ સાથે બિલકુલ ઠંડા દિમાગ સાથે તમામ કઠીન કામ કરવાની ક્ષમતા ધરાવે છે.

રાજ્ય સરકારમાં કામ કરતા પાંચ સિનિયર અધિકારીઓને સુપરસીડ કરશે
મહાપાત્ર 1986 બેચના અધિકારી છે અને તેઓ મુખ્ય સચિવ પદે તેમનાથી ચાર સિનિયર અધિકારીઓને સુપરસીડ કરીને મુખ્ય સચિવ બનશે. જે એન સિંઘ પછી વરિષ્ઠતા પ્રમાણે નાણાં સચિવ અરવિંદ અગ્રવાલ, દિનાનાથ પાંડે, કૃષિ સચિવ પૂનમચંદ પરમાર, ગૃહ સચિવ સંગીતા સિંઘ અને મહેસૂલ સચિવ પંકજ કુમારને સુપરસીડ કરશે. આ તમામ અધિકારીઓને રાજ્ય સરકારે પોતાના નિગમો કે અન્ય કચેરીમાં એક્સ કેડર નિયુક્તિ આપવી પડે. એકમાત્ર પંકજ કુમારને બાદ કરતાં આ તમામ અધિકારઓ એક વર્ષમાં નિવૃત્ત થશે.
પંકજ કુમાર ડાર્ક હોર્સ ગણાતા હતા

1986 બેચના પંકજ કુમાર હાલ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ છે. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રીતિપાત્ર અધિકારી તરીકેની છાપ ધરાવે છે. પરંતુ તેમની કાર્યશૈલીથી ઘણા બધા આઇએએસ અધિકારી નારાજ છે. તેઓ મુખ્ય સચિવ બને તે માટે એક ટોચના ઉદ્યોગગૃહે કેન્દ્રમાં ભલામણ કરી છે, પણ હમણાં જ અમદાવાદમાં એક જમીનના મામલામાં પંકજ કુમારે અમિત શાહ જૂથના ભાજપના નેતાઓની નારાજગી વહોરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

જે એન સિંઘને રાજ્ય સરકારની કચેરીમાં નિયુક્ત કરાશે
વર્તમાન મુખ્ય સચિવ ડો જે એન સિંઘને રાજ્ય સરકાર પોતાની કોઇ કચેરીમાં નિયુક્ત કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને રાજ્યના તકેદારી આયોગના અધ્યક્ષ બનાવાય તેવી સંભાવના છે. સિંઘ આ અગાઉ કેન્દ્ર સરકારમાં ગૃહ કે સંરક્ષણ મંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત થાય તેવી વાતો થતી હતી.

જયંતિ રવિ કેન્દ્રમાં જાય તેવી શક્યતા
આરોગ્ય સચિવ જયંતિ રવિ હવે કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર જાય તેવી ચર્ચા સચિવાલયમાં થઇ રહી છે. રવિ ઘણા સમયથી કેન્દ્ર સરકારમાં જવા ઇચ્છે છે. તાજેતરમાં જ તેમની દિકરીના લગ્ન થયા હોવાથી હવે તેઓ અહીની તમામ સામાજિક જવાબદારીમાંથી મુક્ત થયાં હોવાથી હવે તેઓ કેન્દ્રમાં જાય અને મહાપાત્ર મૂળભૂત કેડરમાં પાછા ફરે.

X
guruprasad mohapatra will be the new Chief Secretary of Gujarat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી