હેલ્મેટબંધીનું ગુજરાત મોડેલ / રાજ્ય સરકારને ગમેલાં કારણો-મેકઅપ બગડે, ગરમી લાગે, હોર્ન સંભળાય નહીં, શાક લેવા જતા નડે

16 સપ્ટેમ્બરના રોજ જેતપુરમાં રહેતા નાગજી મેર હેલ્મેટના બદલે તપેલી પહેરીને નીકળ્યા હતા
16 સપ્ટેમ્બરના રોજ જેતપુરમાં રહેતા નાગજી મેર હેલ્મેટના બદલે તપેલી પહેરીને નીકળ્યા હતા

Divyabhaskar.com

Dec 05, 2019, 12:12 AM IST

ગાંધીનગરઃ ગુજરાત સરકારે બુધવારે મહત્ત્વનો નિર્ણય લેતા શહેરી વિસ્તારમાં ટૂ વ્હીલર ચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાનો નિયમ નાબૂદ કર્યો છે. કેબિનેટની બેઠકમાં મહાનગરપાલિકા તથા નગરપાલિકાની હદના વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાત કરવામાં આવ્યું છે. જો કે રાષ્ટ્રીય કે રાજ્યના ધોરીમાર્ગો તથા પંચાયત હસ્તકના રસ્તાઓ પર હેલ્મેટ ફરજિયાત જ રહેશે. આ નિયમ બુધવારથી અમલી કરી દેવાયો છે.

હેલ્મેટ લઈને શાકભાજી ખરીદવા કે સ્મશાને જવામાં અગવડ પડે છેઃ લોકોની ફરિયાદ
રાજ્યના માર્ગ અને પરિવહન મંત્રી આર.સી. ફળદુએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ધારણ કરવું મરજિયાત બનાવવા માટે લોકો દ્વારા અપીલ કરવામાં આવી હતી.ફળદુએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનું માનવું છે કે અકસ્માત દરમ્યાન માથામાં થતી ઈજા સામે રક્ષણ માટે હેલ્મેટ જરૂરી છે. પણ લોકોની અપીલો બાદ આ અંગે ઝી‌ણવટપૂર્વક વિચારણા કર્યા બાદ હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય લેવાયો છે. ફળદુએ કહ્યું હતું કે લોકોએ એવી ફરિયાદ કરી હતી કે હેલ્મેટ લઈને શાકભાજી ખરીદવા કે સ્મશાને જવામાં અગવડ પડી રહી છે. ઉલ્લેખનીય છે કે મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈઓમાં રાહત આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય હતું. નવા નિયમ મુજબ હેલ્મેટ નહીં પહેરનાર ટૂ વ્હીલર ચાલકોને 500 રૂપિયા દંડની જોગવાઈ હતી. ફળદુએ જણાવ્યું હતું કે હાઇવે પર હેલ્મેટ નહીં પહેર્યું હોય તો દંડ વસુલવામાં આવશે.

નિર્ણય ભલે સરકારનો પણ જીવતો આપણો છે
હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય ભલે સરકારનો હોય પણ માથું આપણું પોતાનું છે એટલે સાચવવામાં ભલે થોડી અગવડ પડે છતાં ભૂલ્યા વિના હેલ્મેટ પહેરવી જોઈએ. કારણ કે ખોવાયેલી હેલ્મેટ પાછી મળી જશે પણ ગુમાવેલો જીવ નહીં મળે.

સરકારને આ વિરોધ ગમ્યો
1-લગ્ન પ્રસંગોમાં હેલ્મેટ નડે છે. કારણ કે મેક-અપ અને હેર સ્ટાઇલ બગડી જાય. શુભપ્રસંગે હાજરી આપવા જતાં હેલ્મેટ તકલીફ બની જાય છે.
2- સ્મશાનયાત્રા કે બેસણામાં જવાનું હોય, કાંધ આપવી હોય ત્યારે હેલ્મેટ પકડીને ઊભા રહેવું યોગ્ય નથી લાગતું.
3- માર્ચથી ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી ગરમીનો પારો ઊંચે રહે છે. હેલ્મેટથી ગરમીને કારણે પરસેવે નીતરી જવાય તેવી સ્થિતિ હોય છે.
4- હેલ્મેટ પહેરી હોવાને કારણે કોઇ વાહનના હોર્નનો અવાજ સંભળાતો ન હોય તો પણ અકસ્માત થવાનો ભય રહે છે. આ ઉપરાંત જોવામાં અંતરાયથી પણ અકસ્માત થઈ શકે છે.
5- સોશિયલ મીડિયા પર હેલ્મેટના નિયમને લઇને લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં આ નિયમ દૂર કરવા સરકાર વિરુદ્ધ સહી ઝુંબેશ શરૂ થવાની હતી. આ બાબત સરકારની વિરુદ્ધ જાય તેવું ચોક્કસ બને.

હેલ્મેટ નહીં પહેરવાનાં પરિણામ

- 1500 લોકોએ હેલ્મેટ પહેરી નહીં હોવાથી 2018માં જીવ ગુમાવ્યો હતો.
- 6086 કુલ અકસ્માત જે 2017માં થયા હતા તેમાં 2,190 લોકોના મોત નીપજ્યાં હતાં.
- 87% ટકા લોકો જે અકસ્માતમાં ભોગ બન્યા તેમણે હેલ્મેટ પહેરી નહોતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય પ્રજાલક્ષી ગણાવ્યો હતો. હવે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે નહીં. સ્ટેટ અને નેશનલ હાઈવે અથવા એપ્રોચ રોડ પર હેલ્મેટ ફરજિયાત. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પણ ટ્વિટ કરીને શહેરના ટૂ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી. તેમણે પણ કહ્યું હતું કે નિયમ ભલે સરકારનો હોય પણ જીવન તમારું પોતાનું છે.

કેટલાક મંત્રીઓ અસંમત
કેટલાક મંત્રીઓએ જો કે હેલ્મેટ મરજિયાત ન બનાવો તેવી વાત પણ મૂકી હતી. શહેરોમાં પણ હેલ્મેટના કારણે જીવ બચી શકે છે તેવો તર્ક રજૂ કરાયો હતો. એક મંત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસ પ્રેરિત સહી ઝુંબેશના દબાણમાં સરકારે ન આવવું.

X
16 સપ્ટેમ્બરના રોજ જેતપુરમાં રહેતા નાગજી મેર હેલ્મેટના બદલે તપેલી પહેરીને નીકળ્યા હતા16 સપ્ટેમ્બરના રોજ જેતપુરમાં રહેતા નાગજી મેર હેલ્મેટના બદલે તપેલી પહેરીને નીકળ્યા હતા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી