ઈતિહાસની પ્રથમ ઘટના / DPS ઇસ્ટનો ચાર્જ સરકારે લીધો, માર્ચથી તમામ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવો પડશે

વિદ્યાર્થીઓના હિતને લઈને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી
વિદ્યાર્થીઓના હિતને લઈને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી

  • સ્કૂલના આર્થિક વ્યવહારો પર નજર રાખવા સીએની નિમણૂક કરાશે
  • 31 માર્ચ સુધી સ્કૂલનો વહીવટ કરાશે, 2 લાખથી વધુના ખર્ચ પર પ્રિઓડિટ ફરજિયાત

Divyabhaskar.com

Dec 06, 2019, 12:54 AM IST

ગાંધીનગર: નિત્યાનંદ આશ્રમ વિવાદ બાદ DPS ઈસ્ટને એફિલેશન અને NOC મામલે સરકારે ડીપીએસ ઈસ્ટ બંધ કરી દીધી હતી. જેને પગલે વાલીઓએ બુધવારે શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી. જેમાં વાલીઓને હૈયાધારણા આપીને બે દિવસનો સમય માંગ્યો હતો. જોકે સાંજે શિક્ષણ મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને DPS ઈસ્ટને એક સત્ર માટે પોતાના હસ્તક લીધી છે. સરકારે ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે આ સત્ર પૂરતું પોતાના હસ્તક લીધું છે. જો કે, ધો.1થી12ના 800 વિદ્યાર્થીએ નવા સત્રથી અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવો પડશે. સરકાર સ્કૂલનો વહિવટ અને સંચાલન કરશે.શિક્ષણ મંત્રી ચુડાસમાએ કહ્યું કે, ચાલુ શૈક્ષણિક સત્ર એટલે કે માર્ચ-એપ્રિલ સુધી સ્કૂલનું સંચાલન રાજ્ય સરકાર કરશે. ધોરણ-1થી12 જે વિદ્યાર્થીઓ DPS ઈસ્ટમાં અભ્યાસ કરે છે તેમને આ સ્કૂલમાં જ અભ્યાસ કરવા દેવાશે. વાલીઓ અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.

ગુરુવારથી ધો.1થી12ની સ્કૂલ રાબેતા મુજબ શરૂ થશે

ડીપીએસ ઈસ્ટના વાલી મંડળના પ્રતિનિધિઓએ પણ સરકારના આ નિર્ણયનો આભાર માન્યો હતો. પ્રિન્સિપાલ હિતેશ પૂરીએ કહ્યું કે, શિક્ષણમંત્રીના આ નિર્ણયની સત્તાવાર અમને જાણ કરાઈ છે. જેથી ગુરુવારથી ધો.1થી12ની સ્કૂલ રાબેતા મુજબ શરૂ થશે.

CBSEના અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લીધો
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે DPS મુદ્દે વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાને રાખીને સરકાર સમક્ષ આવેલી રજૂઆતોને લક્ષ્યમાં લઇને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. સીબીએસસીના અધિકારીઓ સાથે ચર્ચા કરીને મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે.

એફઆરસીમાં સ્કૂલની ફાઇલ તપાસ કરશે
શિક્ષણ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે, ડીપીએસ - ઇસ્ટે એફઆરસીમાં રજુ કરેલા દસ્તાવેજોની તપાસ પણ શિક્ષણ વિભાગ કરશે. જેમાં સ્કૂલે કરેલા ખર્ચની માહિતીની ઉલટ તપાસ કરાશે. જેમાં સ્કૂલ શિક્ષકોને કેટલો પગાર ચુકવે છે, સ્કૂલનો ઘસારો કેટલો છે, ઇત્તર પ્રવૃત્તિ માટે કેટલી ફી લે છે, આગળના વર્ષોમાં કેટલી ફી ઉઘરાવી હતી વગેરે બાબતોની તપાસ કરાશે. જો સ્કૂલે એફઆરસીમાં ખોટા ખર્ચ રજુ કર્યા હશે તો સંચલાકો સામે પગલા લેવાઇ શકે છે.

સાધ્વીને જામીન આપવા પોલીસનો વિરોધ
આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્ત્વાની જામીનનો અરજીનો પોલીસે વિરોધ કર્યો હતો. ગુરુવારે યોજાયેલી સુનાવણી દરમિયાન પોલીસે કહ્યું હતું કે, બંને સંચાલિકા નિત્યાનંદની વિશ્વાસુ ગણાય છે, જેથી તેમને માત્ર મહિલા હોવાને આધારે જામીન ન આપવા જોઈએ.

શિક્ષકોના પગાર સહિતનો ખર્ચ સ્કૂલ મેનેજમેન્ટ કરશે
-સરકારે પોતાને હસ્તક સ્કૂલ લીધી છે, તો હવે સ્કૂલના પ્રિન્સિપાલ,શિક્ષકો, કર્મચારીઓનો પગાર કોણ કરશે?
-સ્કૂલના આર્થિક ભંડોળના આધારે મેનેજમેન્ટ બધા જ કર્મચારીઓનો પગાર કરશે.
- હવે વાલીઓને ફી પરત કરાશે કે કેમ?
- સ્કૂલ ફરીથી શરૂ થઈ ગઈ છે, તેથી આ પ્રશ્ન રહેતો નથી.
-વિદ્યાર્થીઓ માટેની બસોનું સંચાલન કોણ કરશે ?
- સ્કૂલ મેનેજમેન્ટ બસોનું સંચાલન કરશે.
- આકસ્મિક આપત્તિ, દુર્ઘટના કે અન્ય અસાધારણ સંજોગોમાં ત્વરિત નિર્ણય કોણ લેશે ?
- ગ્રામ્ય ડીઈઓ અને ડિસ્ટ્રિક્ટ પ્રાઈમરી એજ્યુકેશન ઓફિસરને વિશ્વાસમાં લઈને સ્કૂલ મેનેજમેન્ટ કરશે.
- કોઈ શિક્ષક કે અન્ય સ્ટાફની ભરતી કેવી રીતે થશે ?
- ડીઈઓ-ડીપીઈઓના માર્ગદર્શન હેઠળ ભરતી થશે .
-શિક્ષણ કામગીરી પર અસર પડશે ખરી ?
- સરકારે સંચાલન હાથમાં લેતા ખાસ ફેર નહીં પડે.

X
વિદ્યાર્થીઓના હિતને લઈને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરીવિદ્યાર્થીઓના હિતને લઈને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી