ચૂંટણીમાં જીતનું સિમાંકન: કોંગ્રેસ સમર્થિત 2 સહિત 9 ગામોને મનપામાં સમાવવા ભાજપની મથામણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મનપાનો વિસ્તાર થાય તો 2021માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ જીતે: વોર્ડની સંખ્યા 8માંથી 12 કે 14 કરવી પડે

ગાંધીનગર: ગાંધીનગર મહાપાલિકા વિસ્તારનું પણ નવેસરથી સિમાંકન કરવાની દિશામાં હિલચાલ શરૂ થઇ છે. ત્યારે મહાપાલિકાની આગામી ચૂંટણી વખતે સત્તા હાથમાં આવે તે પ્રકારે વોર્ડ રચના થાય તેના માટે ભાજપ દ્વારા મથામણ શરૂ કરાયાની ચર્ચા સરેઆમ બની છે. કોબા, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કુડાસણ, હડમતિયા, વાવોલ, કોલવડા અને પેથાપુરના વિસ્તારને નવા સિમાંકનમાં મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવાની ધારણા છે. જો આમ કરવામાં આવે તો મહાપાલિકા વિસ્તારમાં વોર્ડની સંખ્યા ઓછામાં ઓછી 12થી 14 સુધી પહોંચશે. નજીકના દિવસોમાં જાહેરનામુ બહાર પડવાની ધારણા છે. 

કોલવડા અને પેથાપુરમાં કોંગ્રેસ તરફી મતદાર વર્ગ છે અને તેની અસર ગત વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ દેખાઇ હતી. ભાજપના ઉમેદવાર કોલવડાના વતની હોવા છતાં અહીં કોંગ્રેસના ઉમેદવારને વધુ મત મળ્યાં હતાં. ત્યારે વિસ્તારનું વિભાજન ગણતરીપૂર્વક કરવામાં આવી શકે છે.  ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં ગુડાના 9થી 10 ગામ વિસ્તારને સમાવી દેવાથી મહાપાલિકા વિસ્તારમાં ભાજપની સ્થિતિ મજબુત બને તેમ છે. જોકે પેથાપુરમાં ભાજપની સત્તા હોવા છતાં ડમ્પિંગ સાઇટના વિરોધ મુદ્દે પ્રમુખ સહિતના હોદ્દેદારોએ એક ઝાટકે રાજીનામા ફેંકી દીધા હતા અને મંત્રીઓ નીતિનભાઇ પટેલ તથા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દરમિયાન થઇને ડમ્પિંગ સાઇટ નહીં આવે તેવી ખાતરી આપ્યા પછી પણ વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના ઉમેદવારને ઓછા મત મળ્યા હતાં. સ્થિતિ એવી છે કે પેથાપુર નગરપાલિકા ભાજપની ખરી પરંતુ હોદ્દેદારો સંગઠનના કહ્યામાં નથી.

આ સરકારી કામગીરી છે, સંગઠન માથું નહીં મારે: BJP પ્રમુખ
નવા સિમાંકનના મુદ્દે ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે આ સરકારી કામગીરી છે અને સંગઠન તેમાં માથું મારતું નથી. 8 મહાનગરોના સિમાંકન માટે સરકારે નિર્ણય કર્યો છે. ગાંધીનગરનું સિમાંકન પણ 2011માં થયું હોવાથી મહાપાલિકાની ચૂંટણી પહેલા નવેસરથી થવું જોઇએ. સરકારી તંત્ર ભૌગોલિક સ્થિતિને નજર સામે રાખીને સિમાંકન કરશે.

સીમાંકનની જોગવાઇનો ભંગ થશે તો વિરોધ કરીશું: વિપક્ષ નેતા
સિમાંકનમાં વિસ્તારને વી કે એક્સ આકારમાં રાખી શકાતા નથી અને ફાટક કુદાવીને વોર્ડ રચના કરી શકાતી નથી, તેવી જોગવાઇ સિમાંકનના કાયદામાં કરવામાં આવેલી હોવાથી જો ભૌગોલિક સ્થિતિ સાથે છેડછાડ કરીને નવું સિમાંકન આપવામાં આવશે તો તેનો ચોક્કસ વિરોધ કરવામાં આવશે તેમ મહાપાલિકામાં વિપશ્રના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ જણાવ્યું હતું.