ગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની ઉમેદવારોની માગમાં સંજય રાવલ પણ જોડાયા, કહ્યું-શાંતિપૂર્ણ આંદોલન કરીશું

પોલીસે સિવિલ ડ્રેસમાં ઉમેદવારોને પકડ્યા
પોલીસે સિવિલ ડ્રેસમાં ઉમેદવારોને પકડ્યા
ઉમેદવારોની અટકાયત કરીને પોલીસે ઉમેદવારોને હેડ ક્વાર્ટર લઈ ગઈ
ઉમેદવારોની અટકાયત કરીને પોલીસે ઉમેદવારોને હેડ ક્વાર્ટર લઈ ગઈ

  • ગાંધીનગર સચિવાલયમાં સવારથી અડિંગો જમાવી બેઠેલા 5 હજારથી વધુ પરીક્ષાર્થીઓની રાત્રે પણ રોકાવાની તૈયારી
  • ઉમેદવારોનો આક્ષેપ- સરકાર કોઈ પણ ભોગે અમને ન્યાય આપવા માગતી નથી, ગૃહમંત્રીએ કહ્યું- પરીક્ષા રદ નહીં જ થાય
     

Divyabhaskar.com

Dec 04, 2019, 07:44 PM IST

ગાંધીનગર: બિનસચિવાલય પરીક્ષામાં ચોરી અને વ્યાપક ગેરરીતિઓના આક્ષેપો સાથે આ પરીક્ષા રદ કરવાની માગણી કરી રહેલા ઉમેદવારોનો વિરોધ ઉગ્ર બન્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ગાંધીનગર સચિવાલય ખાતે બુધવારે સવારથી ગાંધીનગર એકત્ર થયેલા 5 હજારથી વધુ ઉમેદવારોએ આખો દિવસ હલ્લાબોલ કર્યો હતો. મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ પણ હવે ઉમેદવારોના સમર્થનમાં જોડાયા છે અને પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી ઉમેદવારો સાથે મળીને શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની હાકલ કરી છે. જો કે, રાજ્ય સરકાર આ મામલે ટસની મસ નથી થઈ રહી. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસના બળપ્રયોગ બાદ ઉમેદવારોમાં આક્રોશ વધી રહ્યો છે અને તેઓ રાત્રે પણ સચિવાલયમાં જ ધામા નાખવાની તૈયારીઓ કરી રહ્યા છે.

મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ ઉમેદવારોના આંદોલનમાં જોડાયા
જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ પણ બુધવારે સાંજે એકાએક સચિવાલયમાં વિરોધ કરી રહેલા બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારો સાથે જોડાયા હતા. આ પરીક્ષામાં વ્યાપક ગેરરીતિઓ થઈ હોવાનું જણાવી તેમણે માગણી કરી હતી કે યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે આ પરીક્ષા રદ કરી દેવી જોઈએ. તાજેતરની પરીક્ષા દરમિયાન સુરેન્દ્રનગર તથા અન્ય સ્થળોએ વ્યાપક ચોરીઓ થયાના પૂરાવા બહાર આવ્યા છે. આ પૂરાવા સાચા હોય તેવું તેમને લાગે છે અને માટે જ પૂરાવા સાચા હોય તો સરકારે પરીક્ષા રદ કરવી જોઈએ. સરકાર આ પરીક્ષા રદ નહીં કરે ત્યાં સુધી તેઓ ઉમેદવારોની સાથે રહીને શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવશે.

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહે પરીક્ષા રદ કરવાની ચોખ્ખી ના પાડી દીધી
આ અગાઉ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિઓના મામલે પરીક્ષા રદ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, આટલા મોટા પાયે લેવાયેલી પરીક્ષાને રદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ પરીક્ષામાં ગેરરીતિ કરનારા સામે આકરા પગલાં ભરીશું. પરંતુ વિપક્ષ કોંગ્રેસ આ મામલે ગંદુ રાજકારણ રમી રહી છે અને તે સમગ્ર ભરતી પ્રક્રિયાને કોઈ પણ ભોગે રદ કરાવવા માગે છે. કોંગ્રેસને તેના આ મનસૂબામાં અમે પાર પડવા દઈશું નહીં. આ પરીક્ષા રદ નહીં જ થાય.
વિરોધ કરનારા 450 ઉમેદવાર, કોંગ્રેસી MLAની અટકાયત
બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે રજૂઆત કરવા પહોંચેલા 450થી વધુ ઉમેદવારો અને તેમને સમર્થન આપનાર કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત અને ગાંધીનગર ઉત્તરના ડો. સી જે ચાવડાની અટકાયત કરાઈ હતી અને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા. ઉલ્લેખનીય છે કે પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસ પુરાવા સાથે કર્યો હતો. જ્યારે આ મામલે પરીક્ષા આપનાર ઉમેદવારોએ પણ સમગ્ર બનાવને ખુલ્લો પાડ્યાનો દાવો કર્યો હતો.

અટકાયત બાદ ઉમેદવારો, નેતાઓને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાયા
મળતી વિગતો અનુસાર તાજેતરમાં યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મામલે મહેસાણા, પાટણ, રાજકોટ, વડોદરા, ભરૂચ સહિતના વિસ્તારના 450થી વધારે ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા જતા હતા ત્યારે તેમની અટકાયત કરાઈ હતી. તમામને બસમાં બેસાડીને હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા. પોલીસ તેમની વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધશે તેવું જાણવા મળ્યું છે. સાથે જ કર્મયોગી ભવનમાં આઈકાર્ડ વગર કોઈને પ્રવેશવા દેવાતા નથી. 750 પોલીસ કર્મીઓ કાફલો ખડકી દેવાયો છે.

અટકાયતને પગલે દોડધામ
રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ગાંધીનગર રજૂઆત કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરવાની શરૂઆત કરતા ગાંધીનગર રજૂઆત ઉમેદવારોમાં દોડધામ મચી હતી. પોલીસ અટકાયતથી બચવા માટે જ્યાં જગ્યા મળી ત્યા દોડતા દેખાયા હતા. જ્યારે ભાગતા ઉમેદવારોને પોલીસે દોડાવી દોડાવીને પકડ્યા હતા.

X
પોલીસે સિવિલ ડ્રેસમાં ઉમેદવારોને પકડ્યાપોલીસે સિવિલ ડ્રેસમાં ઉમેદવારોને પકડ્યા
ઉમેદવારોની અટકાયત કરીને પોલીસે ઉમેદવારોને હેડ ક્વાર્ટર લઈ ગઈઉમેદવારોની અટકાયત કરીને પોલીસે ઉમેદવારોને હેડ ક્વાર્ટર લઈ ગઈ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી