તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરેન્દ્ર મોદી પહેલીવાર સોવ્રિન વેલ્થ ફંડ્સ અને પેન્શન ફંડ્સના વડા સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર- નરેન્દ્ર મોદીના કાર્યકાળથી વાયબ્રન્ટ ગુજરાત યોજાય છે - Divya Bhaskar
ફાઈલ તસવીર- નરેન્દ્ર મોદીના કાર્યકાળથી વાયબ્રન્ટ ગુજરાત યોજાય છે
  • ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે વિશાળ તકો
  • ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોરનો 36% હિસ્સો વિકાસના નવા દ્વાર ખોલશે

અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત ભારતમાં સૌ પ્રથમ વખત નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) અને ભારત સરકારના નાણા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. જેમાં નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી અને  વિજય રૂપાણી સહિત વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ વૈશ્વિક ભંડોળના વડાઓ સાથે ભારત અને ગુજરાતમાં આ ક્ષેત્રે રહેલી વિવિધ તકો ઉપર વિગતવાર ચર્ચા-વિચારણા કરવા માટે વિશિષ્ઠ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 

 

1) વૈશ્વિક રોકાણકારો અને વ્યવસાયિક ક્ષેત્ર માટે કોન્ફરન્સ

આ વિશિષ્ટ ઇવેન્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલા સુધારા વિશે જાણકારી આપવા તેમજ રોકાણકારો સામે રોકાણની વિવિધ તકો રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. આ સત્રમાં વૈશ્વિક રોકાણકારો પાસેથી ભારતમાં રોકાણને આકર્ષવા માટે જરૂરી મુખ્ય બાબતો વિશે નીતિ –નિર્માતાઓને સમજવાની તક પ્રાપ્ત થશે. રોકાણકારોને આકર્ષવા તેમજ વૈશ્વિક રોકાણકારો સાથે વ્યવસાયિક ક્ષેત્રના જોડાણ માટે આ સત્ર મહત્વપૂર્ણ રહેશે.  

રાજ્યના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલએ જણાવ્યું હતું કે,  સૉવ્રિન વેલ્થફંડ્સ,પેન્શન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારો ટ્રિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. આ ભંડોળનો ઉપયોગ એરપોર્ટ, બંદરો, રેલ, રસ્તાઓ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ સ્થાપવામાં કરવામાં આવે છે. વૈશ્વિક ભંડોળના વડાઓ અને ભારતના વડાપ્રધાન વચ્ચે યોજાનાર સંવાદથી આવનારા સમયમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ માટેનો માર્ગ મોકળો થશે.   

કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વિકાસની વિશાળ તકો રહેલી છે. તેવા મેગા પ્રોજેક્ટ્સનું અહીં પ્રદર્શન કરવામાં આવશે. ખાસ કરીનેજેનો 36% હિસ્સો ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે તેવા દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર(ડીએમઆઈસી)માં સમાવિષ્ટ પ્રોજેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર હશે.  

વૈશ્વિક ભંડોળના સીઈઓ અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર(સીઆઈઓ) સાથે ભારતના જાણીતા ઉદ્યોગપતિઓ તથા વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ આ કોન્ફન્સમાં ભાગ લેશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ, નાણા મંત્રાલયના સચિવ સુભાષચંદ્ર ગર્ગ સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. વર્તમાન મેક્રો-ઈકોનોમી સિનારીયોમાં ભારતનું સ્થાન ભારતની નાણાકીય વ્યવસ્થા અને આર્થિક નીતિ, નીતિગત સુધાઓ અને તેની ઉદ્યોગો પર અસરો જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી આમંત્રિત મહેમાને સંબોધન કરી પરસ્પર સંવાદ સાધી તેમના પ્રશ્નોના ઉત્તર આપશે.   

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનાર કોન્ફરન્સમાં વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા હાજર રહેવા માટે સંમતિ દર્શાવવામાં આવી છે. જેમાં વિશ્વના સૌથી મોટા પેન્શન ફંડ તરીકે પ્રસ્થાપિત જાપાનના ગર્વમેન્ટ પેન્શન ઈન્વેસ્ટમેન્ટ ફંડ (GPIF) કે જે 1 ટ્રિલિયન ડોલરથી વધુ સંપત્તિનું સંચાલન કરે છે. બ્રિટીશ કોલંબિયા ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન (બીસીઆઇએમસી), ઑન્ટેરિઓ મ્યુનિસિપલ ઓમ્પલોઈ રિટાર્યમેન્ટ સિસ્ટમ, પીએસપી ઇન્વેસ્ટમેન્ટ્સ અને સીપીપીઆઈબી જેવા કેનેડિયન પેન્શન ફંડ્સના સીઇઓ અને સીઆઈઓ ઉપસ્થિત રહેશે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (આઇએફસી) અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક (એઆઈઆઈબી) અને અન્ય મોટા રોકાણ સંસ્થાઓ જેમ કે જાપાન બેન્ક ફોર ઇન્ટરનેશનલ કો-ઓપરેશન (જેબીઆઈસી), પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની (પીઆઈએમસીઓ), વાનગાર્ડ, આઇએફયુ, એલિયાન્ઝ સહિત મોટી સંસ્થાઓ કોન્ફરન્સમાં ભાગ લેશે.

ભારત સરકાર સાથે સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇક્વિટી મૂડી રોકાણ કરવાના ઉદ્દેશ સાથે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ- NIIF ને પ્રથમ માન્યતા આપવામાં આવી છે. ભારત સરકાર સાથેના સહયોગથી એનઆઈઆઈએફ વિવિધ લાભ મેળવે છે, જો કે, બહુમતી ધરાવતા સંસ્થાકીય રોકાણકારો દ્વારા અને વિવિધ રોકાણક્ષેત્રો અને માળખાકીય ક્ષેત્રોમાં અનુભવ ધરાવતી ટીમ દ્વારા પ્રોફેશનલી નિયમન થવા છતાં NIIF પોતાના રોકાણ અંગેના નિર્ણયોમાં સ્વતંત્રતા ધરાવે છે. એનઆઈઆઈએફનો ઉદ્દેશ પૂરતી રોકાણ-શક્યતા ધરાવતા અને ખાસ માપદંડો ધરાવતા ક્ષેત્રોમાં વ્યાવસાયિક રોકાણો કરવાનો છે. સ્થાનિક કારોબાર અને કુશળતા ધરાવતા એનઆઈઆઈએફ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ આકર્ષિત કરવાની અપેક્ષા ધરાવે છે.