આ વર્ષે ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં રાજ્યભરના 20.05 લાખ વિદ્યાર્થી બેસશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ - ફાઇલ તસવીર - Divya Bhaskar
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ - ફાઇલ તસવીર
  • પરીક્ષા કેન્દ્રોમાં 64000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે
  • શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી, સમગ્ર આયોજનની સમીક્ષા કરવામાં આવી
  • દરેક જિલ્‍લા પ્રમાણે વિજિલન્‍સ સ્‍ક્વોર્ડની બે ટીમ રચવામાં આવશે
  • ધોરણ 10માંથી 10.87, ધોરણ 12 સાયન્સના1.43 લાખ, ગુજકેટમાં 1.50 ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5.2 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

અમદાવાદઃ આગામી 14મી માર્ચથી ગુજરાતભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. જેને લઇને શિક્ષણમંત્રી સહિત માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય ઉપરાંત શાંતિમય વાતાવરણમાં વિદ્યાર્થીઓ નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તે માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.  ધોરણ 10માંથી 10.87 લાખ વિદ્યાર્થીઓ, ધોરણ 12ના સાયન્સમાંથી 1.43 લાખ વિદ્યાર્થીઓ, ગુજકેટમાં 1.50 લાખ વિદ્યાર્થીઓ, ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સમગ્ર રાજ્યમાં વિજિલન્સની 80 ટીમ કાર્યરત રહેશે
આ ઉપરાંત વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારે ગેરરીતિ ન કરે તે માટે પરીક્ષા કેન્દ્રોમાં 64 હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. કુલ 17 દિવસ દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન બોર્ડના અધ્યક્ષ અંતર્ગત અધિકારીઓ સતત કેમેરા દ્વારા વિદ્યાર્થીઓ પર મોનિટરિંગ કરી નજર રાખશે. કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા શિક્ષણાધિકારી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાની સમગ્ર કામગીરીનું સંચાલન કરશે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે વિઝિલન્સ ટીમની રચના પણ કરવામાં આવી છે. આ માટે દરેક જિલ્‍લા પ્રમાણે વિજિલન્‍સ સ્‍ક્વોર્ડની બે ટીમ રચવામાં આવશે. દરેક ટીમમાં 1 કન્‍વિનર અને બેથી ત્રણ સભ્‍યો રહેશે. સમગ્ર રાજ્યમાં વિજિલન્‍સ સ્‍કવોર્ડની 80 ટીમ કાર્યરત રહેશે. 

વિદ્યાર્થીઓને એસટીની સુવિધા આપવામાં આવશે
બોર્ડની પરીક્ષા માટે સ્‍થળ સંચાલકો, ખંડ નિરીક્ષકો તેમજ સરકારી પ્રતિનિધિઓને બાયસેગના માધ્યમથી તાલીમ આપવામાં આવી હતી. જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા શિક્ષણાધિકારી સ્‍થળ સંચાલકો, તેમજ ખંડ નિરીક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરીક્ષાકેન્દ્રો પર વર્ગ 1 અને 2ના અધિકારીઓને લાયઝન અધિકારી તરીકે મૂકવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પરીક્ષા સ્થળે વીજળી પૂરવઠો જળવાઈ રહે તે માટે પણ તકેદારી રાખવામાં આવશે. આ સિવાય વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા આપવા પહોંચી શકે તે માટે એસ.ટી. બસની સુવિધા પણ ગોઠવવામાં આવશે. 

ગેરરીતિ કરનારને 2 લાખ સુધીનો દંડ
પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા અને ગેરરીતિ સંબંધી ગુનાઓ અટકાવવા ગુજરાત માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક અધિનિયમ -૧૯૭રની કલમ -૪૩(૪)ની જોગવાઈ અંતર્ગત પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા દોષિત સાબિત થયે ૩ વર્ષ કરતા ઓછી ન હોય અને પાંચ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા 2 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બન્‍ને શિક્ષા કરવાની જોગવાઈ કરાઈ છે. આ જોગવાઈના કારણે બોર્ડની પરીક્ષાની ગોપનીયતાનો ભંગ કરનાર વ્‍યક્તિઓ સામે શિક્ષાત્‍મક કાર્યવાહી કરી શકાશે તેમજ આવા ગુનાઓનું પ્રમાણ ઘટશે.