કતવારામાં ACBએ કોન્સ્ટેબલને લાંચના રૂ. 39,500 સાથે પકડતાં PSI રફુચક્કર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1.74 લાખની લૂંટના આરોપીઓને ન મારવા માટે લાંચ માગી હતી : કોન્સ્ટેબલના 1 તારીખ સુધીના રિમાન્ડ
  • મોડી રાત્રે PSI અને કોન્સ્ટેબલના ઘરે સર્ચ ઓપરેશન : કોન્સ્ટેબલના નિવેદનની વિડિયોગ્રાફી કરાશે
  • કોન્સ્ટેબલને વૈજ્ઞાનિક પરિક્ષણ માટે ગાંધીનગર લઇ જવાશે

દાહોદ: દાહોદ તાલુકાના જુનાપાણી ગામે 20 નવેમ્બરે ફાયનાન્સ કંપનીના જયેશ દામા પાસેથી રોકડા 1,74,313 રૂપિયાની લુટ થઇ હતી. આ વખતે  આગાવાડા ગામનો ભગા માલીવાડ નામક લુટારુ જે તે સમયે જ આણંદથી ચોરી કરેલી બાઇક સાથે પકડાતા અન્ય ત્રણ લુટારુના નામ ખુલ્યા હતાં. કતવારા PSI આર.આર રબારીએ ઇટાવા ગામના વાંદરિયા ફળિયાના પંકેશ સંગાડિયા અને શંકર સંગાડિયાની પણ ધરપકડ કરી હતી. તપાસ વેળા માર નહીં મારવા માટે લુટારુઓના કાકા પાસેથી 40 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી. 

શુક્રવારે નક્કી થયા મુજબ કતવારા પો.મથકની બહાર હાર્દિક બારિયા નામક કોન્સ્ટેબલે PSI રબારી વત્તી 39500 રૂપિયા સ્વિકારતા છોટાઉદેપુર ACB પીઆઇ એન.એલ પાંડોર સહિતના સ્ટાફે ટ્રેપ કરતાં PSIરબારી તક જોઇને ફરાર થઇ ગયા હતા. આ મામલે પીએસઆઇ રબારી અને કોન્સ્ટેબલ હાર્દિક સામે રાત્રે ગુનો દાખલ કરાયો હતો. 

દરમિયાન રાતોરાત દાહોદના રળિયાતી રોડ ઉપર કાના રેસીડેન્સીમાં રહેતાં રબારીના ઘરે અને પોલીસ લાઇનમાં રહેતાં હાર્દિકના ઘરે ACBએ સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું પરંતુ કંઇ મળ્યું ન હતું. તપાસ દાહોદ ACB પીઆઇ એ.કે વાઘેલાને સોંપાતા મોબાઇલની તપાસ, નિવેદનની વિડિયોગ્રાફી અને ગાંધીનગર ખાતે વૈજ્ઞાનિક પરિક્ષણ માટે લઇ જવા માટે હાર્દિકના 1 તારીખ સાંજના પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં. દાહોદ ACBએ ફરાર થઇ ગયેલા પીએસઆઇ રબારીની શોધખોળ શરૂ કરી છે.આ ઘટનાથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો હતો સાથે તે શહેરમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

ટ્રેપની જાણ થતાં PSI ખેતરમાં સરકી ગયા
ACBએ ટ્રેપ કરતાં PSI આર.આર રબારી પો. મથકના ધાબેથી કુદીને ફરાર થઇ ગયા હોવાની અફવા ફેલાઇ હતી. જોકે, પોલીસ મથકના CCTV કેમેરામાં સાચુ દ્રષ્ય જોવા મળ્યું હતું. પોલીસ મથકમાં પગથિયા ઉતર્યા બાદ રબારી આરોપીઓ પાસે જતાં જોવાય છે. દરમિયાન જ કોઇ વ્યક્તિ આવીને કંઇ કહે છે. ત્યારે તેઓ ફંટાઇને પગપાળા જ પો. મથકની બહાર નીકળીને ACB કર્મીઓ સામે જ હાઇવે તરફ જવાના સ્થાને ખેતર તરફના રસ્તે જતાં રહે છે.

રાતોરાત લૂંટની તપાસ એલસીબીને સોંપવામાં આવી
કતવારા પોલીસ મથકમાં ટ્રેપ થયા બાદ તાત્કાલિક અસરથી આ લુટની ઘટનાની તપાસ શુક્રવારની રાત્રે જ LCBને સોંપી દેવામાં આવી હતી. જેથી LCBએ આ બંને આરોપીનો કબજો લઇને તેમને 11 વાગ્યે અટક બતાવ્યા હતાં. LCBએ પણ રૂપિયાની રિકવરી અને બીજી પુછપરછ માટે બંને લુટારુના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

રિકવરીની આશામાં લૂંટારૂઓની ધરપરકડ ન બતાવતાં ફસાયા
જુનાપાણીમાં લુટ કરનારા પંકેશ સંગાડિયા અને શંકર સંગાડિયાની પોલીસે 22મી તારીખે બોરડી ગામેથી ધરપકડ કરી હતી. જોકે, લુટમાં ગયેલા રૂપિયા રિકવર કરવા અને બીજી કઇ લુટ કરી છે તે જાણવા માટે બંનેને અટક બતાવ્યા હતાં. આ દરમિયાન ACBનું  છટકુ ગોઠવાતા બંને પો. મથકમાંથી જ મળ્યા હતા. પીએસઆઇ રબારીને હવે ACBના કેસ સાથે ખાતાકિય તપાસનો પણ સામનો કરવો પડશે તેમ જોવાઇ રહ્યું છે.

પંકેશ, શંકર અગાઉ પણ પકડાયેલા છે
જુનાપાણીમાં લુટ કરનારા પંકેશ સંગાડિયા અને શંકર સંગાડિયાએ કતવારા હાઇવે ઉપર ભૂતકાળમાં પણ લુટના ગુના આચરેલા છે. પોલીસે આ બંનેને અગાઉ પણ ચારેક ગુનામાં પકડેલા છે.જોકે, જેલ મુક્ત થઇને આવ્યા બાદ તેઓ રૂપિયા લઇને નીકળતા વ્યક્તિની રેકી કર્યા બાદ લુટનો ગુનો આચરતા હતાં. જુનાપાણીની લુટમાં નકેશ સંગાડિયા હજી પકડવાનો બાકી છે.