આણંદ / પત્નીએ પ્રેમી-મિત્ર સાથે મળી પતિની હત્યા કરી: પ્રેમી પોતાના પરિવારની પણ સામૂહિક હત્યા કરવાનો હતો

Wife kills her husband about lover affair

  • ઉમરેઠ તાલુકાના પણસોરા-મેઘવા રોડ સ્થિત ગટરમાંથી ગત રવિવારે મળેલા યુવકના મૃતદેહમાં હત્યાનો ઘટસ્ફોટ
  • હત્યાના બનાવમાં ભાલેજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

Divyabhaskar.com

Jan 16, 2020, 10:00 AM IST

આણંદ: ઉમરેઠ તાલુકાના પણસોરા-મેઘવા રોડ સ્થિત ગટરમાંથી ગત રવિવારે મેઘવાના 40 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવમાં પોલીસે પત્ની, તેના પ્રેમી અને મિત્રની ધરપકડ કરી હતી. બીજી તરફ પ્રેમીએ પણ તેની પત્ની, પિતા અને ભત્રીજીને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું.

શુક્રવારે રાત્રે પણસોરા ગામે દવાખાને જવું છું એમ કહીને નીકળ્યા હતા
નાયબ જિલ્લા પોલીસ વડા બી. ડી. જાડેજાએ જણાવ્યું કે, પણસોરા-મેધવા રોડ સ્થિત ગટરમાંથી રવિવારે મેઘવા ગામે નાની ખડકીમા રહેતા ગૌતમભાઈ પટેલ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતકના પત્નીએ કહ્યું કે, શુક્રવારે રાત્રે છાતીમાં દુખતું હોવાથી બાઇક લઈને પણસોરા ગામે દવાખાને જવું છું એમ કહીને નીકળ્યા હતા. મોડી રાત સુધી ઘરે પરત ના આવતાં તપાસમાં કોઈ પત્તો મળ્યો નહોતો. મૃતકનું પોસ્ટમોર્ટમમાં ગૌતમભાઈનું મોત ગળું દબાવવાના કારણે થયું હતું. પોલીસ તપાસમાં મૃતકની પત્ની શીતલ છેલ્લાં કેટલાંય સમયથી અમદાવાદના ઓઢવ ખાતે રહેતા ચન્દ્રકાન્ત નટુ પટેલ સાથે સતત સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું. જેને કારણે પોલીસે શીતલ અને ચંન્દ્રકાન્ત બંનેની પૂછપરછ કરતાં બંને જણાએ સમગ્ર ગુનાની કબુલાત કરી હતી.

પત્નીએ પૈસાની ઊઘરાણી માટે જવું છે એમ કહીં પતિને બોલાવ્યો હતો
ચન્દ્રકાન્ત તેના મિત્ર મહેશ ઉર્ફે જીગો (રહે. મહુધા, ખેડા) બંને જણાં ગત શુક્રવારે રાત્રે કાર લઈને અમદાવાદથી આણંદ આવ્યા હતા. જ્યાં પણસોરા સીમ વાળંદના કૂવા નજીક ગટર પાસે સાઈડમાં કાર પાર્ક કરી હતી. અને ચન્દ્રકાન્તે તેની મૃતકની પત્નીને ફોન કરીને પોતે આવી ગયા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, મૃતકની પત્નીએ જ મોબાઈલથી ચન્દ્રકાન્તને વાત કરાવતા પૈસાની ઊઘરાણી માટે જવાનું કહીને ગૌતમભાઈને પાર્કિંગ કરેલી જગ્યાએ બોલાવ્યો હતો. જ્યાં ગૌતમભાઈ બાઈક લઈને આવતા જ તેમણે તેની કારમાં બેસાડી ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. એ પછી મૃતદેહ ત્યાં ફેંકી તેઓ ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે મૃતકની પત્ની શીતલ, પ્રેમી ચન્દ્રકાન્ત અને તેનો મિત્ર મહેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હોસ્ટેલમાં પ્રવેશ માટે ગૌતમભાઈએ જ પત્નીને પ્રેમી સાથે મોકલી હતી
ચંન્દ્રકાન્તનું મૂળ વતન મેઘવા જ થાય છે. તેને મામા તરીકે જ લોકો ઓળખતા હતા. ચન્દ્રકાન્ત ગામમાં અવાર-નવાર આવતો હોય ત્યાં શીતલ સાથે સંપર્ક થયો હતો. ચંન્દ્રકાન્ત ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જ્યારે ગૌતમ એ ખેતીકામ કરે છે. ચન્દ્રકાન્ત તેમના ઘરે પણ અવર-જવર કરતો હતો. જોકે, મૃતક પત્નીના આડા સંબંધ અંગે સાવ અજાણ હતો. થોડાં સમય અગાઉ ગૌતમભાઈએ તેમના પુત્રને અમદાવાદની હોસ્ટેલમાં મૂકવાનો હોય તેણે તેની પત્ની શીતલને તેની સાથે જ અમદાવાદ મોકલ્યા હતા.

પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની ના પાડતાં પોલીસને શંકા ગઈ
ગત 12મી જાન્યુઆરીના રોજ બનાવ બન્યો એ પછી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ માટે જ્યારે મૃતકની પત્ની શીતલના ઘરે ગઈ ત્યારે તેણે પ્રથમ તો અમારે કંઈ જ કરવું નથી તેમ કહી ફરિયાદ કરવાની ના પાડી હતી. જોકે, બીજી તરફ પોલીસે અજાણ્યા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં પ્રાથમિક તપાસમાં જ મૃતકનું ગળું દબાવીને મોત નીપજાવ્યું હોવાનું ખૂલતાં જ પોલીસે પ્રથમ તેની પત્નીની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

બંને આરોપીઓને મોટા બાળકો છે
આરોપી શીતલ અને મૃતક ગૌતમને 17 વર્ષીય પુત્રી અને 13 વર્ષીય પુત્ર છે. જ્યારે આરોપી ચંન્દ્રકાન્તને 23 વર્ષીય પુત્ર છે. જોકે, ઘટનાને કારણે એક પરિવારે માતા-પિતાની અને એક પરિવારે પિતાની છાયા ગુમાવી છે.

કૅનાલમાં કાર ડૂબાડીને પોતાના પરિવારજનોની હત્યાનું પણ કાવતરું હતું
બંને પ્રેમી પંખીડા વચ્ચે છેલ્લાં દોઢ વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો હતો. જોકે, શીતલના ઘરે આ અંગેની જાણ નહોતી. પરંતુ ચંન્દ્રકાન્તના ઘરે તેની ભત્રીજીને જાણ હતી. તેને કારણે ચંન્દ્રકાન્તે શીતલના પતિને મોતને ઘાટ ઉતાર્યો એ પહેલાં 1 માસ અગાઉ તેના પિતા, પત્ની અને ભત્રીજીને મોતને ઘાટ ઉતારવાનું પ્લાનિંગ કર્યું હતું. જેમાં દહેગામ સ્થિત નર્મદા કૅનાલ પાસે તે પોતાની કારમાં ત્રણેયને બેસાડીને લઈ પણ ગયો હતો. કાર કૅનાલમાં ડૂબાડીને અંજામ આપવાનું પ્લાનિંગ હતું. પરંતુ એ સમયે આસપાસમાં માણસો ખૂબ હોય તેણે પ્લાન મોકુફ રાખ્યો હતો. અને પરત આવી ગયો હતો. બાદમાં તેણે શીતલના પતિની હત્યા કરી નાંખી હતી. ઉલ્લેખનીય છે કે, તેઓ ન પકડાયા હોત તો વધુ 3ની હત્યા કરી અમદાવાદમાં ફ્લેટ લઈને રહેવાની તેઓ તૈયારી કરતા હતા.

X
Wife kills her husband about lover affair
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી