આણંદ / રામનગર પાટીયા પાસે વિદ્યાર્થીઓનું એસ.ટી. બસ રોકો આંદોલન

  • બે વર્ષથી રામનગર ગામમાં એક પણ બસ આવતી નથી અને હાઈવે પર લોકલ બસો ઉભી રહેતી નથી

Divyabhaskar.com

Sep 11, 2019, 03:16 PM IST

આણંદ: નેશનલ હાઈવે નં. 8 ઉપર આવેલ આણંદ તાલુકાના રામનગર પાટીયા પાસે આજે સવારના લગભગ 8:30 કલાકના સુમારે લોકલ એસ.ટી. બસોના રોજબરોજના ધાંધીયાથી કંટાળી ગયેલા રામનગરના વિદ્યાર્થીઓએ એસ.ટી. બસ રોકો આંદોલન કરીને વાસદથી આણંદ તરફ જતી એસ.ટી. બસના પૈડા થંભાવી દીધા હતા. અને જ્યાં સુધી એસ.ટી. બસના સળગતા પ્રશ્નોનો ઉકેલ નહી આવે ત્યાં સુધી બસ રોકો આંદોલન જારી રહેશે તેવા અડગ નિર્ણય સાથે રસ્તા પર ચક્કાજામ કર્યો હતો.

વિદ્યાર્થીઓ ખાનગી અથવા પ્રાઈવેટ વાહનના સહારે
આણંદ તાલુકાના રામનગર ગામના રહીશો છેલ્લા બે વર્ષ ઉપરાંતથી મળવાપાત્ર એસ.ટી. બસના લાભથી વંચિત રહેવા પામ્યા છે. નેશનલ હાઈવે નં. 8 ઉપર આવેલ આણંદ તાલુકાના રામનગર ગામમાં એક સમયે બે-બે કલાકના અંતરે ગામમાં લોકલ એસ.ટી. બસો આવતી હતી પરંતુ આજે પરિસ્થિતિ કંઈક ઓર છે. હાઈવે પરથી એક પણ લોકલ બસ ગામમાં આવતી નથી. નેશનલ હાઈવેથી રામનગર ગામનું અંતર અંદાજે દોઢ કિ.મી.નું છે. વિદ્યાર્થીઓ અને નોકરીયાત સહિત ગ્રામજનોને બહારગામ જવા માટે ક્યાં તો ખાનગી વાહનનો અથવા તો પ્રાઈવેટ વાહનનો સહારો લેવો પડે છે.

બસોની અનિયમિતતાના કારણે નોકરીયાતો ઓફિસ નિયમિત પહોંચી શકતા નથી
એસ.ટી. બસ મારફતે બહાર જવું હોય તો નેશનલ હાઈવે નં. 8 ઉપર આવેલ રામનગર પાટીયાએ આવું પડે છે અને ત્યાંથી તેઓ બહારગામ જઈ શકે છે. દોઢ વર્ષથી ગામમાં લોકલ બસના દર્શન દુર્લભ બન્યા છે અને હાઈવે ઉપર રામનગર પાટીયા પાસે લોકલ બસો ઉભી રહેતી નથી. ખાસ કરીને સવારના સમયે લોકલ બસો ઉભી ન રહેતા આણંદ વિદ્યાનગર, વાસદ અને વડોદરા તરફથી શાળા, મહાશાળા અને કોલેજામાં જતા વિદ્યાર્થીઓને હાઈવે ઉપર અટવાવું પડે છે. બસોની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ સમયસર શાળા કોલેજામાં અને નોકરીયાતો નોકરીના સ્થળે નિયમિત પહોંચી શકતા નથી.

બસના પ્રશ્નોનો ઉકેલ નહી આવે ત્યાં સુધી આ બસને રોકી રાખવામાં આવશે
આ પરિસ્થિતિ એકાદ બે દિવસ પુરતી નથી. કાયમી બની ગઈ છે. રોજબરોજના એસ.ટી. બસોના ધાંધીયાથી કંટાળી ગયેલા વિદ્યાર્થીઓએ આજે સવારે ૮-૩૦ કલાકના સુમારે નેશનલ હાઈવે નં. 8 ઉપર રામનગર પાટીયા પાસેથી વાસદથી આણંદ તરફ જતી લોકલ એસ.ટી. બસ રોકીને બસ રોકો આંદોલન કર્યું હતું. અને જ્યાં સુધી એસ.ટી. બસના પ્રશ્નોનો ઉકેલ નહી આવે ત્યાં સુધી આ બસને રોકી રાખવામાં આવશે. તેવા અડગ નિર્ણય સાથે બસ રોકો આંદોલન આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી જારી રહ્યું હતું.વિદ્યાર્થીઓના હિતમાં

રામનગર ગામના માજી સરપંચ દિલીપભાઈ હરમાનભાઈ સોઢા પરમારે કહ્યું હતું કે, ઘણા વર્ષોથી રામનગરના રહીશો એસ.ટી. બસ સુવિધાથી વંચિત રહેવા પામ્યા છે. ગામમાંથી અંદાજીત 4૦ જેટલા વિદ્યાર્થીઓ આણંદ વિદ્યાનગરની શાળા મહાશાળા અને કોલેજામાં અભ્યાસઅર્થે જાય છે. ગામમાં વર્ષોથી એકપણ લોકલ વર્ષ આવતી નથી અને હાઈવે પર લોકલ બસો ઉભી રહેતી નથી. જેને લઈને વિદ્યાર્થીઓ સમયસર શાળા કોલેજામાં જઈ શકતા નથી. વિદ્યાર્થીઓના હિતમાં તંત્ર દ્વારા એસ.ટી. બસના સળગતા પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે તેવી અમારા સૌની માંગણી છે.

( કલ્પેશ પટેલ, આણંદ )

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી