સોજીત્રામાં ડેન્ગ્યુનો કહેર, 20 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં, એકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી હોસ્પિટલમાં સારવાર ન મળવાને કારણે મોત નીપજતા ગ્રામજનોમાં ભારે રોષ

આણંદ: આણંદ જીલ્લામાં છેલ્લા ત્રણ માસથી મચ્છરજન્ય ડેન્ગ્યુની બીમારીએ માથુ ઉંચક્યુ છે. જેમાં અત્યાર સુધી શંકાસ્પદ ડેન્ગ્યુના એક હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં 105 જેટલા કેસ ડેન્ગ્યુ પોઝીટીવના નોંધાયા છે. પરંતુ હજુ સુધી ડેન્ગ્યુના રોગ પર કાબુ મેળવવામાં જીલ્લા આરોગ્ય તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. શિયાળાની શરૂઆત થવા છતાં જીવાતોનો ઉપદ્રવ ઘટતો ન હોવાથી રોગચાળો ઓસરી રહ્યો છે. આજે પણ આણંદ જીલ્લાના સોજીત્રા ગામે એક યુવકનો યોગ્ય સમયે સરકારી હોસ્પિટલમાં સારવાર ન મળવાને કારણે મોત નીપજતા ગ્રામજનોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગામમાં ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લેતા 20થી વધુ દર્દીઓ છે. ગામમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં ડેન્ગ્યુની સારવાર ઉપલબ્ધ ન હોવાથી ગરીબ પરિવારના લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલોનો આશરો લેવો પડે છે. જેને લઈને ભારે રોષ જાવા મળી રહ્યો છે. 
 
સોજીત્રા ગામે સટાક ચકલા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યુના રોગચાળો વકર્યો છે. આ વિસ્તારમાં દસથી વધુ દર્દીઓ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે. ગઈકાલે કેયુર ઉપાધ્યાય નામના યુવકને ડેન્ગ્યુની અસર જણાઈ હતી. જેના પગલે તેને તાત્કાલિક સારવાર માટે સોજીત્રા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ડેન્ગ્યુની સારવાર માટે કોઈ વ્યવસ્થા હતી નહી. ડેન્ગ્યુના ટેસ્ટ માટે પણ સ્થાનિક સ્ટાફ દ્વારા કોઈ પ્રતિક્રિયા અપાઈ ન હતી. જેથે તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે ચારુસેટ ચાંગા હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ યોગ્ય સમયે જરૂરી સારવાર ન મળતા આખરે યુવકનું મોત નીપજ્યું હતું. આમ ઉપાધ્યાય પરિવારમાં ઘરના મોભી સમાન એકના એક પુત્રનું મોત નીપજતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીસથી વધુ દર્દીઓ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે. પરંતુ સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સારવાર મળતી ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેના કારણે સરકારી ચોપડે એન્ટ્રી પડતી નથી અને સબસલામત હોવાની વાતો કરવામાં આવી રહી છે. 
 

સોજીત્રા શહેર અને આસપાસના 32 ગામોની જનતાને સરકારની આરોગ્ય સુવિધાનો લાભ મળી રહે તે માટે સોજીત્રામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ આ આરોગ્ય કેન્દ્રમાં જરુરી સારવાર માટેની સાધન સામગ્રી અને દવાઓનો અભાવ હોય છે તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતો સ્ટાફ પણ અનિયમિત હોય છે. જેના કારણે આ વિસ્તારની જનતાને યોગ્ય સમયે સરકારી આરોગ્ય સુવિધાનો લાભ મળતો નથી. તેથી લોકોને ખાનગી હોસ્પિટલોનો આશરો લેવો પડે છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી હોસ્પિટલોમાં તોતીંગ ખર્ચો કરીને સારવાર કરાવી પડતી હોવાથી દેવામાં ડુબી જાય છે. જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. 

( અહેવાલ અને તસવીર - કલ્પેશ પટેલ, આણંદ )