S.Pના ફ્રેશર વિદ્યાર્થીઓને વાર્ષિક 3.50 લાખની ઓફર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • S.P. યુનિ. સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો

આણંદ: વિદ્યાનગર ખાતે શિક્ષણ વિભાગ, સોજિત્રાની ભાઈકાકા સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને અમદાવાદની નોલેજ કોન્સેર્ટીયમ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ગ્રાન્ટ ઈન કોલેજોના વિદ્યાર્થીઓ માટે બે દિવસનો મેગા પ્લેસમેન્ટ જોબફેર યોજાયો હતો. જેમાં પ્રથમ દિવસે 1538 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જે પૈકી 531 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે હાજર રહેલી અલગ-અલગ 21 કંપનીઓએ તેમની લાયકાત પ્રમાણે પસંદ કર્યા હતા. નોંધનીય છે કે, મોટાભાગની કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓને બેથી અઢી લાખ અને સાડા ત્રણ લાખ સુધીના પગારની ઓફર કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 6 થી 20 એપ્રિલ દરમિયાન સમગ્ર ગુજરાતમાં 30સ્થળોએ રાજ્યના ઉધોગને સાંકળીને વિધાર્થીઓને સ્થળ પર જ રૂબરૂ મુલાકાત કરીને નોકરીના ઓર્ડર આપવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટીના જ્ઞાનોદય ભવન ખાતે 21 કંપનીઓ હાજર રહી હતી. કંપનીમાં ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ, એક્સિસ, આદિત્ય બિરલા સન લાઈફ, એસબીઆઈ, શ્રીરામ ફાયનાન્સ, સંકેત ઈન્ડિયા જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. શનિવારે પણ અંદાજિત 25થી વધુ કંપનીઓ હાજર રહેશે અને વિદ્યાર્થીઓના ઈન્ટર્વ્યૂ લઈ તેમના માટે રોજગારની તક ઊભી કરશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલે સરકાર મેગા જોબ ફેરના આયોજન દ્વારા દરેક શિક્ષિત યુવાનને રોજગારી મળી રહે તે દિશામાં પ્રયત્નશીલ હોવાનુ જણાવી સરકાર માતા-પિતાની જેમ જ બાળકનું ઘડતર કરી રહી હોવાનું ઉમેર્યુ હતુ.

ઈઝ ઓફ ડુઈંગમાં રાજ્યનું શ્રૈષ્ઠ પ્રદર્શન : નરહરિ અમીન
યુનિવર્સિટી ખાતે આયોજિત મેગા પ્લેસમેન્ટના ઉદઘાટન પ્રસંગે હાજર રહેલા રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મહત્તમ મૂડી રોકાણ થઇ રહ્યું છે. તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પણ રાજ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ છે. આ સાથે ગુજરાતના દરેક શિક્ષિત યુવાનને રોજગારી મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. નોંધનીય છે કે, આ પ્રસંગે લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલ, મધ્યગુજરાત ઝોન-5ના ઝોનલ અધિકારી  બ્રહ્મભટ્ટ, તેમજ સબ ઝોનલ અધિકારી  જે. વી. ભોલંદા, જિલ્લાના અગ્રણી સહિત વિશાળ સંખ્યામાં વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...