હિરેન પારેખ, આણંદ: દેશમાં અવાર નવાર વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવને ધ્યાનમાં લેતા વિદ્યાનગરની ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ બેટરીથી ચાલતું બાઇક બનાવ્યું છે. કોલેજના ઓટોમોબાઇલ એન્જિનિયરીંગના હેડ ડો. સુધીર ગુપ્તેએ જણાવ્યું કે, આ બાઇકને માત્ર એકવાર ચાર્જ કરવા પર તે 80 કિલોમીટર સુધી ચાલી શકે છે. બાઇકની બેટરી ચાર્જ કરવામાં માત્ર 7 રૂપિયાનો ખર્ચ થાય છે. આ અનોખા બાઇકના કારણે દેશમાં થયા પ્રદૂષણને અટકાવી શકાય છે. 10 વિદ્યાર્થીઓએ આ બાઇક માત્ર 5 મહિનામાં બનાવ્યું છે, જેની પાછળ અંદાજિત 80 હજાર જેટલો ખર્ચ થયો હતો.
ભારતના સંકલ્પને સાકાર કરવા બાઇકને 'આશ્રય' નામ આપ્યું
ન્યુ વલ્લભવિધ્યાનગરમાં આવેલી એડીઆઈટી કોલેજના એન્જિનિયરોએ બેટરીથી ચાલતું અનોખું બાઇક બનાવ્યું છે. તેઓએ આ બાઇકને 'આશ્રય' નામ આપ્યું છે. વાતચીતમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, સરકારના ઇલેકટ્રીક મોબીલીટી અને પ્રદૂષણમુકત ભારતના સંકલ્પને સાકાર કરવાનો અમારો આશ્રય છે. અને એટલે જ આ બાઇકનું નામ આશ્રય રાખવામાં આવ્યું છે. આગામી તા. 27થી 29 સપ્ટેમ્બરમાં તામિલનાડુ ખાતે સોસાયટી ઓફ ઓટોમોટીવ એન્જિનિયર દ્વારા યોજાનાર ઇલેકટ્રીક ટુ વ્હીલર ડિઝાઇનીંગ કોમ્પિટિશનમાં આ બાઇકને પ્રેઝન્ટ કરવામાં આવશે.
આ બાઇક બજારમાં રૂ.60 હજાર સુધીમાં વેચાઇ શકે છે
પ્રાપ્ત માહિતી અનુસાર, કોલેજના 1૦ વિદ્યાર્થીઓની ટીમે ગત એપ્રિલથી બાઇકનું મેન્યુફેકચરીંગ શરુ કર્યું હતું. જેમા ફેકલ્ટી એડવાઇઝર ડો.નિમિત પટેલે તેમને સપોર્ટ કર્યો હતો. વિદ્યાર્થીઓએ ફ્રેમ અને પાઇપો જાતે તૈયાર કરીને માત્ર ૩ મહિનામાં બાઇકનો ડેમો પીસ તૈયાર કર્યો હતો. ઇલેકટ્રીક ટુ વ્હીલર તૈયાર કર્યા બાદ તેમાં આધુનિક લીથેમાઇન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, બાઇક તૈયાર કરવામાં અદાજિત 80 હજાર ખર્ચ થયો છે. પરંતુ વધુ કોન્ટીટીમાં તૈયાર કરવામાં આવે તો આ ઇલેકટ્રીક બાઇક બજારમાં રૂ.60 હજારની કિંમતે વેચાણ થઇ શકે.
બાઇક 1.2 કિલો વોલ્ટ એનર્જીમાં 80 કિ.મી સુધી ચાલી શકે છે
ડો. સુધીર ગુપ્તેએ જણાવ્યું કે, અમારા છોકરાઓ ફાઇનલ ઇયરમાં કઇકને કઇક પ્રોજેક્ટ પર કામ કરતા હોય છે જે ફ્યુચર ટેક્નોલોજી હોય. દેશમાં પ્રદુષણ મુક્ત, લો કોસ્ટ, નો નોઇસ વ્હીકલની જરૂર છે. એટલે પર્સનલ મોબેલિટી ફોર ધ ફિચર માટે સ્ટુડન્ટ્સએ કઇક નવું ડિઝાઇન કરવાનું નક્કી કર્યું હતું. વિદ્યાર્થીઓએ society of automotive engineers(SAE)ના કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે આ બાઇક તૈયાર કર્યું છે. બાઇક બનાવી એટલે બે પૈડાં લગાવા, હેન્ડલ બેસાડવું તેમજ ગાડીનું વજન કેવી રીતે ઓછું કરી શકાય જેનાથી તે વધારે બેટર પર્ફોમન્સ આપી શકે અને ઓછા ખર્ચમાં વધારે સારું પર્ફોમન્સ કેવી રીતે મળે આ તમામ બાબતો પર અમે દરરોજ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા રહીએ છીએ. આ બાઇક 1.2 કિલો વોલ્ટ એનર્જીમાં 80 કિ.મી સુધી ચાલી શકે છે. એટલે રૂપિયા 7ની આસપાસ 80 કિ.મી સુધી બાઇક ચલાવી શકાય છે.
બાઇકના ફિચર્સ
બાઇકનું વજન 60 કિ.લો છે
બાઇકમાં 6 કિ.લોની બેટરી આવે છે (રૂપિયા 22,500)
બાઇક આશરે 10 પૈસામાં 1 કિ.મી ચાલે છે
1000w, 48v BLDC HUB મોટર
(પૂરક માહિતીઃ કલ્પેશ પટેલ, આણંદ)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.