તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં વડાપાઉંવાળાએ મોબાઇલની તકરારમાં શશાંકનું મર્ડર કર્યું, મૈત્રીકની હત્યાનો પ્રયાસ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં રૂપાણીના આગમનના 12 કલાક પહેલાં પોલીસ પાણીમાં, મોડી રાત્રે પાઉં કાપવાની છરી વડે હત્યા

આણંદ: જિલ્લામાં રૂપાણીના આગમનના 12 કલાક પહેલાં જ શનિવારે રાત્રે 24 વર્ષીય યુવકની પાઉં કાપવાની છરી વડે દુકાનદારે હત્યા કરી દીધી હતી. જ્યારે તેના મિત્ર પર પણ હુમલો કરવામાં આવતા તેને પણ ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવમાં સંડોવાયેલા પિતા-પુત્ર સહિત 4 જણાં વિરૂદ્ધ આણંદ શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

હત્યા કરનારા પિતા-પુત્ર સહિત 4 સામે ગુનો નોંધાયો 
શનિવારે રાત્રે 11.45 વાગ્યે બનેલા બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત યુવક મૈત્રીક પટેલે વાત કરતાં જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે નવ કલાકે હું મારો મિત્ર વીકો રાવલ, જીમી ભાટીયા, તેમજ શશાંક રાજેશ ભાટીયા સાથે નવા બસ સ્ટેન્ડ પાસે મળ્યો હતો. એ સમયે તેમણે વાત કરી હતી કે, શુક્રવારે આપણા મિત્ર ચીમન પ્રજાપતિનો મોબાઈલ ફોન પંકજ વડાપાઉવાળાના ભાઈ લઈ ગયો હતો. જે ચીમન પ્રજાપતિને પાછો આપી દીધો હતો. જેને પગલે રાત્રિના સાડા દસ વાગ્યે હું તથા મારો મિત્ર શશાંક ભાટીયા એક્ટીવા લઈ આણંદ શહેરની સી.પી. કોલેજ ચોકડી પાસે આવેલી બાપુ ટી સ્ટોલ તથા બાજુમાં વડાપાઉની લારી ધરાવતા પંકજ ખુમાનજીની લારી પર પહોંચ્યા હતા. એ સમયે પંકજનો ભાઈ નિલેશ તેમજ તેના પિતા ખુમાનજી હાજર હતા. 

નિલેશ વડાપાઉ બનાવતો હતો અને ત્યાં પકંજ હતો નહીં. શશાંકે નિલેશન પૂછ્યું હતું કે, ચીમન પ્રજાપતિનો મોબાઈલ લઈ પાછો આપ્યો હતો તેમાં શું વાત છે તેવું પૂછતાં નિલેશ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે વડાપાઉં કાપવાની છરીના ઘા શશાંક ભાટીયાની છાતીમા મારી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. હું મિત્રને છોડાવવા વચ્ચે પડતાં નિલેશ તેમજ તેના પિતા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ મને માર માર્યો હતો. નિલેશે મારી છાતીમાં, મારા જમણા પગના સાથળમાં અને સાથળનાં પાછળના ભાગે ઘા મારી દીધી હતી.  શશાંકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મેં મારા મોટાભાઈ નીલને ફોન કરીને બનાવની હકીકત જણાવતા તે તેમજ મારા પિતા કાર લઈને આવી પહોંચ્યા હતા અને તેમણે અમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

બહેનને 10 મિનિટમાં આવવાનું કહીને ગયો હતો ને મોડી રાત સુધી પરત ન ફર્યો 
મૃતક શશાંકના અમદાવાદ સ્થિત રહેતા ફોઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે બાકરોલ ખાતે ધાર્મિક કાર્યક્રમ હતો. એ સમયે તેની સાથે રહેલી તેની ફોઈની દીકરીએ તેને તેની સાથે રહેવા માટે જણાવ્યું હતું. જોકે, શશાંક વાત માન્યો નહોતો. અને તેની બહેનને તેણે માત્ર દસ જ મિનિટમાં પાછો ફરૂ છું તેમ કહી નીકળ્યો હતો. જોકે, મોડી સુધી તે પરત ફર્યો નહોતો. 

શશાંક રીકવરી એજન્ટ તરીકે કામ કરતો
મૃતક શશાંકના પિતા રાજેશભાઈ ભાટીયાએ શહેરના સુપરમાર્કેટમાં અવસર સાડી અને ડ્રેસની દુકાન ધરાવે છે. તેમને બે સંતાન છે. જેમાં સૌથી મોટો 24 વર્ષીય શંશાક બેન્કમાં રીકવીરી એજન્ટ તરીકે કામ કરે છે. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવક મૈત્રિક ચારૂસેટમાં બીસીએના થર્ડ સેમમાં અભ્યાસ કરે છે. તેના પિતા ચરોતર બેંકમાંથી નિવૃત થયેલા છે. 

આણંદનું આક્રંદ: જિલ્લા પોલીસવડા મકરંદ ચૌહાણની ટીમ સામે મોટો પડકાર, 5 દિ’માં 4 મર્ડર
આણંદ જિલ્લો છેલ્લાં એક સપ્તાહમાં રક્તરંજિત બન્યો છે. છેલ્લાં ચાર દિવસમાં જ આણંદ જિલ્લામાં ચાર હત્યાના બનાવ બન્યા છે. જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણની ટીમ સામે તમામ ગુના પડકાર બન્યા છે.

ઘટના-1 ખંભાતમાં ગત બુધવારે દસ્તો મારી હત્યા કરાઇ હતી
ગત બુધવારે ખંભાતના હરીપુરા ખાતે રહેતા અને અનાજ-કરીયાણાની દુકાન ધરાવતા લક્ષ્મણભાઈ પ્રભાતભાઈ સોલંકીની માથામાં લાકડાનો દસ્તો મારી પડોશમાં રહેતા દંપત્તિએ હત્યા કરી દીધી હતી. તેમની લાશ ખેતરમાંથી મળી આવી હતી. 

ઘટના-2 આણંદમાં ગત ગુરુવારે મહિલાની હત્યા કરાઇ હતી 
ગત ગુરૂવારે ખંભોળજ-પ્રતાપપુરા રોડ પરથી છરીના 25 ઘા મારેલી હાલતમાં 50 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.  મહિલા લક્ષ્મીબેન પ્રજાપતિ વિધવા હતા અને તે ઓડ ગામે રહેતા હતા. આણંદ પેન્શન લેવા માટે નીકળ્યા હતા જ્યાં તેમની હત્યા કરી દેવાઈ હતી.

ઘટના-3 સામરખા ગામમાં ગળુ દબાવી મહિલાની હત્યા કરાઇ 
સામરખા ગામે રહેતા 42 વર્ષીય શરીફાબેન ગફુરભાઈ વ્હોરાનું ગળું દબાવેલી હાલતમાં શનિવારે મોડી સાંજે ઘર પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ સંદર્ભે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 


ઘટના-4  સી.પી. કોલેજ પાસે ફોનની લેતી-દેતી સંદર્ભે હત
્યા
આણંદ શહેરના સી.પી. કોલેજ પાસે મોબાઈલની લેતી-દેતી સંદર્ભે એક આશાસ્પદ યુવકની પાઉ કાપવાની છરી વડે પિતા-પુત્ર સહિત ચાર જણાંએ હત્યા કરી દીધી હતી. જ્યારે સાથે ગયેલા મિત્ર પર પણ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.