શ્રૈષ્ઠ ઉદાહરણ / મહિલા પ્રોફેસરની ફૂટપાથ સ્કુલ, દરરોજ દોઢ કલાક અંગ્રેજી-ગુજરાતીના ક્લાસ ચાલે છે

  • મહિલા પ્રોફેસર ડો. ઉમાબેન શર્મા ગોલ્ડ મેડાલિસ્ટ છે
  • પરિવારની પરિસ્થિતી ખરાબ હોવાથી તેમનું બાળપણ અમદાવાદની ફૂટપાથ પર વિત્યું હતું
  • હાલમાં આ ફૂટપાથ શાળામાં અંદાજિત 15થી 20 ગરીબ બાળકો ભણે છે

Divyabhaskar.com

Oct 22, 2019, 03:29 PM IST

આણંદ: આણંદ શહેરના મોટી ખોડિયાર ખાતે રહેતા અને ગોલ્ડમેડાલિસ્ટ મહિલા પ્રોફેસર દરેક શિક્ષકો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ મહિલા છેલ્લાં કેટલાક મહિનાથી સતત એક પણ દિવસની રજા રાખ્યા વિના સરદાર પટેલ રાજમાર્ગ પર રહેતા અંદાજિત પંદરથી વીસ શ્રમજીવી બાળકોને જ્ઞાન પીરસી રહ્યા છે. માત્ર જ્ઞાન જ નહીં, પણ વ્યક્તિત્વ વિકાસના પાઠ પણ તેમની ફૂટપાથ પર ચાલતી શાળામાં શીખવાડય છે.
થોડાં પૈસા હોત તો હું ચોક્કસ મેડિકલ ક્ષેત્રની ડોક્ટર બની હોત: પ્રોફેસર

વિદ્યાનગરની એક જાણીતી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ઉમાબેન શર્માએ પોતાના સંઘર્ષની વાત કરતા જણાવ્યું હતું કે, મારૂં બાળપણ અમદાવાદની ફૂટપાથ પર વીત્યું હતું. માતા-પિતા અભણ હતા. પિતા ગેરેજ ચલાવતા હતા. થોડી બચતમાંથી તેઓએ મને ભણાવી હતી. અગવડતા વચ્ચે પણ મેં મારૂ ભણવાનું છોડ્યું નહીં, અને બી.એ.માં મેં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એ પછી મેં એમ.એ., પીએચડી કર્યું. દરમિયાન, લગ્ન થતાં આણંદ આવી ગઈ હતી. થોડાં સમય અગાઉ હું વોક પર જતી ત્યારે સરદાર પટેલ રાજમાર્ગ પરના ફૂટપાથ પર રહેતા બાળકોને જોઈને મારૂં બાળપણ મને યાદ આવી ગયું. હાલ, હું ડોક્ટર છું, પરંતુ જો મને થોડું ગાઈડન્સ મળ્યું હોત, થોડાં પૈસા હોત તો હું ચોક્કસ મેડિકલ ક્ષેત્રની ડોક્ટર બની હોત. જોકે, મારી સાથે જે બન્યું તે બાળકો સાથે ન બને તેને ધ્યાનમાં રાખીને મેં છેલ્લાં ત્રણ મહિનાથી અહીં વસવાટ કરતા શ્રમજીવી પરિવારના બાળકોને કક્કા-બારખડીની સાથે-સાથે અંગ્રેજી મૂળાક્ષરો શીખવાડવાનું શરૂ કર્યું છે. બાળકોનો ઉત્સાહ એટલો છે કે મેં તેમને પાંચનો સમય આપ્યો છે અને તેઓ એ પહેલાં આવીને મારા આવવાની રાહ જુએ છે. નોંધનીય છે કે, બાળકોને અપશબ્દ નહીં બોલવા, સાથે-સાથે તેમના પહેરવેશ અને સ્વચ્છતાના પાઠ પણ તેઓ ફૂટપાથ પરની સ્કુલમાં ભણાવી સમાજને એક શ્રૈષ્ઠ ઉદાહરણ આપી રહ્યા છે.

બાળકોની તમન્ના ડોક્ટર અને પોલીસ બનવાની છે
બાળકોને ભણાવતા પહેલાં ડો. ઉમાબેન શર્માએ એક વખત તમામ બાળકોને મોટા થઈને શું બનવું છે તેમ પૂછ્યું હતું. જેમાં બાળકોએ ડોક્ટર અને પોલીસ બનવાની ખેવના વ્યક્ત કરી હતી. જોકે, ઉમાબેને જણાવ્યું હતું કે, બાળકોનું સ્તર સુધારવાની ખાસ જરૂર છે. તેઓ ભણવા નજીકની શાળામાં જાય છે, પરંતુ તેમનો પાયો ખૂબ કાચો છે. હાલમાં તેઓ દરરોજ સાંજે પાંચથી સાત વાગ્યા સુધી ભણાવે છે. તેમની વ્યસ્ત જિંદગીમાંથી પણ દોઢ કલાકનો સમય રોજ કાઢીને સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી રહ્યા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી