અમરાઇવાડીમાં બુટલેગરના ત્રાસથી યુવકે ઘર છોડ્યું અને તેની પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે બુટલેગરની દારૂ ભરેલી ટ્રક પોલીસને પકડાવી દીધી હતી
  • જેની અદાવાતમાં બુટલેગર અને તેના સાથીઓ યુવકના પરિવારને ધમકાવતા હતા

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં બુટલેગર અને તેની સાગરીતોના આતંકથી કંટાળી યુવક ઘર છોડી અને જતો રહ્યો હતો. જ્યારે તેની પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. અમરાઇવાડી પોલીસે અમિત દુબે, દિલિપ મૌર્ય, ક્રિષ્ના નામના ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 
અમરાઇવાડીના નાગરવેલ હનુમાન પાસે આવેલી ગેલા મોહનની ચાલીમાં રહેતી લક્ષ્મી નામની મહિલાના પતિ વિજયે તેની જ ચાલીમાં રહેતા અમિત દુબે નામના બુટલેગરની દારૂ ભરેલી ટ્રક પોલીસને પકડાવી દીધી હતી. જેની અદાવત રાખી અમિત, મદન, સહિતના તેના સગરીતો અવારનવાર વિજયને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી છેલ્લા ત્રણ મહિનાથી વિજય ઘર છોડી જતો રહ્યો હતો. લક્ષ્મી જ્યાં ઘરે એકલી હોય ત્યારે અમિત અને તેની સાથીઓ ઘરે આવી અને વિજય વિશે પુછી અને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. બે દિવસ અગાઉ લક્ષ્મી ઘરમાં રસોઇ બનાવતી હતી ત્યારે રસોડાની બહાર ઉભા રહી આ તત્વોએ ગાળાગાળી કરી અને ધમકી આપી હતી જે બાબતે તેને મનમાં લાગી આવતા સ્યુસાઇડ નોટ લખી ઘઉંમાં નાખવાની દવા પી લીધી હતી. જેની અસર થતા લક્ષ્મીને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલમાં તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવી છે. વારંવાર અમિત અને તેના સાથીઓ દ્વારા મારી નાખવાની ધમકીઓ મળતા લક્ષ્મીએ આ પગલું ભર્યુ હોવાનું જણાઇ રહ્યું છે. અમરાઇવાડી પોલીસે ધમકીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.