અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને PM મોદી 24મીએ બપોરે 4 વાગ્યે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે, 2 કલાકનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી - Divya Bhaskar
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી
  • સ્ટેડિયમમાં 1 લાખ દર્શકો ઉપરાંત રસ્તા પર લાખોની મેદની એકઠી કરવાની જવાબદારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સોંપાઈ
  • લોકોની સરકારી ખર્ચે વ્યવસ્થા કરવામાં આવી

અમદાવાદઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોંઘેરા મહેમાન બનવાના છે. આ દિવસે જ ટ્રમ્પ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને બપોરે 4.00 વાગ્યે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે. ત્યારબાદ જેમ તાજેતરમાં અમેરિકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 'હાઉડી મોદી' કાર્યક્રમ યોજાયો હતો તે તર્જ પર જ અમેરિકન પ્રમુખ માટે 'કેમ છો, ટ્રમ્પ' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ટ્રમ્પ સ્ટેડિયમમાં ઉપસ્થિત 1 લાખથી પણ વધુ લોકોને સંબોધન કરશે. આશરે બે કલાક ચાલનારા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ કરાવાશે તેવી ચર્ચા છે.
(જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો)

ઉદઘાટન બાદ ટ્રમ્પનું ભાષણ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
સ્ટેડિયમનું ઉદઘાટન કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપસ્થિત મેદનીનું સંબોધન કરશે. વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત 1 લાખથી વધુ લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સરકારી તંત્ર કોઈ કસર છોડી રહ્યું નથી કારણ કે સ્ટેડિયમમાં ખીચોખીચ લોકોને દર્શાવીને વડાપ્રધાન પોતાની લોકપ્રિયતાને પણ સિદ્ધ કરશે એમ મનાય છે. ટ્રમ્પ પણ આજે અમેરિકામાં કહી ચૂક્યા છે કે મોદીએ તેમને કહ્યું છે કે, એરપોર્ટથી સ્ટેડિયમ સુધી રસ્તામાં 70 લાખ જેટલા લોકો તેમનું સ્વાગત કરવા ખડેપગે રહેશે.

સ્ટેડિયમમાં માણસો ભેગા કરવાની કામગીરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોને સોંપાઈ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તથા વડાપ્રધાન મોદીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ, મોટેરા ખાતેના કાર્યક્રમને ભવ્ય બનાવવા સરકારી મશીનરી કામે લાગી ગઈ છે. તમામ વિભાગોને અલગ-અલગ કામગીરી સોંપાઈ છે. આમાં મોટેરા સ્ટેડિયમ ખાતે 1 લાખથી વધુ પબ્લિકને ભેગી કરવાની જવાબદારી રાજ્યના તમામ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોને સોંપવામાં આવી છે. આ અંગે અમદાવાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર આર કે વસાવાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, બપોરે 4 વાગ્યે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે. આ માટે હાજર રહેવા ઈચ્છુક વ્યક્તિએ અમને તેમની વિગતો મોકલી આપવાની રહેશે અને તેના આધારે અમે તેમને પાસ આપીશું, જેના આધારે જે-તે ઈચ્છુક વ્યક્તિ આ કાર્યક્રમમાં હાજર રહી શકશે.

અમદાવાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રે પરિપત્ર કરી ઈમેઈલથી લોકોની વિગતો મંગાવી
વડાપ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે અમદાવાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા 11 ફેબ્રુઆરી, 2020ના રોજ નં.જીઉકે/અમદ/મકમ/1319/2020 ક્રમાંકનો પરિપત્ર બહાર પડાયો છે. આ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના ટ્રમ્પ તથા મોદીના હસ્તે ઉદઘાટનના કાર્યક્રમમાં હાજર રહેવા ઈચ્છતી વ્યક્તિએ નિર્ધારિત માઈક્રોસોફ્ટ એક્સેલ ફોર્મેટમાં તેની વિગતો મોકલી આપવાની રહેશે. એક્સેલશીટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઈમેઈલ એડ્રેસ પર મોકલવાનું પણ જણાવવામાં આવ્યું છે અને તેમની બધી વ્યવસ્થા કરવામાં આવશે, એમ વસાવાએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...