તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુડોમાં હારી ગયેલા 11.50 લાખની ઉઘરાણી માટે બે મિત્રનો યુવાન પર તલવારથી હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જુહાપુરાના યુવકને વીએસ હોસ્પિટલ બોલાવીને હુમલાખોરોએ માર્યો

અમદાવાદ: લુડો ગેમમાં રૂ.11.50 લાખ હારી ગયેલા યુવાન ઉપર તેના જ બે મિત્રોએ પૈસાની ઉઘરાણી માટે વીએસ હોસ્પિટલ પાસે તલવાર અને બેઝબોલની સ્ટિક વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો યુવાન હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પોલીસે નાસી છૂટેલા હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

યુવકને માથામાં બેઝબોલ સ્ટિકના ફટકા માર્યા,એલિસબ્રિજ પોલીસમાં ફરિયાદ
જુહાપુરાના રોનક પાર્કમાં રહેતો વસીમમુદ્દીન શેખ આઠ - દસ દિવસ પહેલા તેના મિત્ર આરીફ ઉર્ફે રાણા સલાટ (દરિયાપુર, ડબગરવાડ) તેના મહોલ્લાના નાકે આખી રાત લુડો ગેમ રમ્યા હતા. બીજા દિવસે સવારે આરીફે વસીમને કહ્યું હતું કે તુ લુડોમાં 11.50 લાખ હારી ગયો છું. જેથી વસીમે તેને કહ્યું હતું કે હા હું તને પૈસા આપી દઇશ.
ત્યારબાદ 31 ઓગસ્ટે સાંજે 7 વાગ્યે આરીફ અને નાસીર વસીમના ઘરે ગાડી લઇને આવ્યા હતા અને ચા પીવા જવાની વાત કરી હતી. જેથી વસીમે તેમને કહ્યું હતું કે તમે જાવ હું નાહી - ધોઇને આવું છું. ત્યારબાદ આરીફે વસીમને ફોન કરીને વીએસ હોસ્પિટલ પાસેના સ્પાન ટ્રેડ સેન્ટર ખાતે બોલાવ્યા હતા. જેથી રાતે 8.45 વાગ્યે વસીમભાઇ ત્યાં પહોંચતા ત્યાં આરીફ અને તેની સાથે સોહેલ હનીફભાઇ સલાટ (છીપા સોસાયટી, વેજલપુર) પાર્કિંગમાં બેઠા હતા. જ્યાં આરીફે વસીમને કહ્યું હતું કે લુડોના રૂ.11.50 લાખ મને ક્યારે આપવાનો છે, જેથી વસીમે આરીફને કહ્યું હતું કે હું આટલા બધા પૈસા હાર્યો નથી અને પૈસા તને આપવાનો પણ નથી. જેથી આરીફ વસીમ ઉપર ઉશ્કેરાયો હતો અને ઝઘડો કર્યો હતો.જ્યારે સાંજે આરીફની સાથે વસીમના ઘરે આવેલો નાસીર પાછળથી આવ્યો હતો અને તેણે વસીમને માથામાં બેઝબોલ સ્ટિકનો ફટકો માર્યો હતો. જ્યારે આરીફે વસીમને 3 થી 4 ઘા મારી દીધા હતા. આ ઘટનાના પગલે લોકો ભેગા થઇ જતા આરીફ અને નાસીર નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત વસીમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે એલિસબ્રિજ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે આરીફ અને નાસીર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

માહિતી ન હોવાથી હુમલાખોરો પકડાયા નથી
એલિસબ્રિજ પીઆઈ અપૂર્વ પટેલે જણાવ્યુ હતુ કે, હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વસીમની હાલત હજુ નાજૂક હોવાથી તેની પૂછપરછ થઇ શકી નથી. જ્યારે બીજી બાજુ નાસી છૂટેલા બંને હુમલાખોર આરીફ અને નાસીર પણ હજુ પકડાયા નથી. જેથી વધારે કોઇ માહિતી મળી શકી નથી.