અમદાવાદ / DPS ઈસ્ટ ચાલુ કરાવવા બાળકો આખી રાત સ્કૂલ બહાર સૂઈ રહ્યાં

મંગળવારે સવારે 8 વાગ્યાથી વાલીઓ-બાળકો સ્કૂલ શરૂ કરવાની માગણી સાથે અનિશ્ચિત મુદતના ધરણાં પર ઉતર્યા હતા. રાત્રે કડકડતી ઠંડીમાં વાલીઓ બાળકો સાથે સ્કૂલ બહાર ગાદલા નાખી સૂઈ ગયા હતા.
મંગળવારે સવારે 8 વાગ્યાથી વાલીઓ-બાળકો સ્કૂલ શરૂ કરવાની માગણી સાથે અનિશ્ચિત મુદતના ધરણાં પર ઉતર્યા હતા. રાત્રે કડકડતી ઠંડીમાં વાલીઓ બાળકો સાથે સ્કૂલ બહાર ગાદલા નાખી સૂઈ ગયા હતા.

  • રૂ.50 કરોડની ફી ઉઘરાવી મંજુલા ભૂગર્ભમાં
  • ડીપીએસમાં પ્રાઈમરીમાં પણ સીબીએસઈ કોર્સ ચલાવાયો
  • બંને બોર્ડની માન્યતા હોવાથી પ્રવેશ આપવા અંગે મૂંઝવણ 
  • પ્રિન્સિપાલ હિતેશ પૂરીએ ત્રણ મહિનામાં સ્કૂલ ચાલુ કરવા કહ્યું

Divyabhaskar.com

Dec 04, 2019, 10:34 AM IST

અમદાવાદ: ડીપીએસ ઈસ્ટ બંધ થતાં વાલીઓએ સ્કૂલ ચાલુ કરાવવા મુદ્દે મંગળવારે સવારથી અનિશ્ચિત મુદત સુધી દેખાવો યોજ્યા હતા. મોડી રાત્રે પણ બાળકો સ્કૂલની બહાર સૂઈ ગયાં હતાં. સવારે સ્કૂલ બહાર પ્લેકાર્ડ લઈ મહિલાઓ અને બાળકોએ વિરોધ કર્યો હતો અને જિલ્લા શિક્ષણાધિકારીનો પણ ઘેરાવો કર્યો હતો. વાલીઓની માગણી હતી કે, સરકાર આ સ્કૂલ પોતાના હસ્તક લઈને શરૂ કરે. છેલ્લાં 9 વર્ષમાં મંજુલા શ્રોફ સહિત સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી 50 કરોડની ફી ઉઘરાવી ભૂગર્ભમાં જતા રહ્યા છે.
બાળકોને ગુજરાત બોર્ડ કે સીબીએસઈ બોર્ડમાં પ્રવેશ અપાવવો તેનો નિર્ણય લેવાશે
ડીપીએસ ઈસ્ટના વાલીઓએ મંગળવારે સાંજે ડીઈઓ કચેરીનો ઘેરાવ કર્યો હતો અને સ્કૂલ શરૂ કરવાની લેખિત બાંયધરી માંગી હતી. જ્યારે આ બાંયધરી અપાશે ત્યારે જ સ્કૂલ કેમ્પસ છોડીશું તેવો હઠાગ્રહ પણ વાલીઓએ દાખવતાં એજ્યુકેશન ઈન્સ્પેક્ટર વિમલ શર્માએ આસપાસની સ્કૂલોમાં કેટલી જગ્યા છે તેની માહિતી અમે મંગાવી છે અને તમામ બાળકોના પ્રવેશની વ્યવસ્થા ગોઠવીશું. ડીપીએસ ઈસ્ટ પાસે સીબીએસઈ અને જીએસસીબીની માન્યતા હોવાથી તેમને કઈ સ્કૂલમાં સ્થળાંતર કરવું તે પ્રશ્ન સર્જાયો છે. ડીપીએસમાં પ્રાઈમરીમાં પણ સીબીએસઈ કોર્સ ચલાવાયો છે. બુધવારે સીબીએસઈના અધિકારીઓ આવે અને તેમની સાથે ચર્ચા કર્યા પછી પ્રાઈમરીના બાળકોને ગુજરાત બોર્ડ કે સીબીએસઈ બોર્ડમાં પ્રવેશ અપાવવો તેનો નિર્ણય લેવાશે તેમ શિક્ષણ વિભાગના સૂત્રોનું કહેવું છે. મોડી રાત્રે વાલીઓ સ્કૂલ બહાર ધરણાં પર બેઠાં હોવાથી પ્રિન્સિપાલ હિતેશ પૂરી ત્યાં પહોંચ્યા હતા અને ત્રણ મહિનામાં સ્કૂલ ચાલુ કરવા કહ્યું હતું. આ ઉપરાંત બાળકોને તેમની બીજી બોપલ ખાતેની બ્રાન્ચમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા કરવા કહ્યું હતું.
મંજુલા શ્રોફને શોધવા તેમના ઘરે પોલીસનું સર્ચ
મંજુલા શ્રોફ અને હિતેન વસંતે ધરપકડથી બચવા આગોતરા માગ્યા છે. કેસની તપાસ કરી રહેલી પોલીસે મંગળવારે મંજુલા શ્રોફના બંગલે અને હિતેન વસંતના ઘરે તપાસ કરી હતી. જો કે, તેઓ ઘરે મળ્યા ન હતા. બંનેના મોબાઈલ બંધ હોવાનું જાણવા મળ્યું છે. મંજુલા શ્રોફના ઘરે તેમનો દીકરો અને નોકર હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. નોકરોએ મંજુલા શ્રોફ ક્યા છે તેની ખબર ન હોવાનું જણાવ્યું હતું.
DPSના લીગલ ઓફિસરનું નિવેદન લેવાયું
ડીપીએસ ઈસ્ટની જમીનનો કારભાર સંભાળનાર લીગલ ઓફિસરનું પોલીસે નિવેદન નોંધ્યું હતું અને જમીનના લગતા જરૂરી દસ્તાવેજો પણ તપાસ્યા હતા. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીના પણ પોલીસે નિવેદન નોંધ્યા હતા અને શિક્ષણ વિભાગે આ અંગે તૈયાર કરેલી ફાઈલો પણ પુરાવા તરીકે મેળવી હતી.
હવે CBSEની એફિલિએશન પ્રક્રિયા બદલાશે
સીબીએસઈના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે, અમે ડીપીએસ પર ભરોસો કર્યો હતો. પણ તેમણે એફિલિએશન માટે બોગસ એનઓસી આપી વિશ્વાસઘાત કર્યો છે. 2012માં ઈન્સ્પેકશન વખતે તેમણે ખોટી એનઓસીની જ નકલ બતાવી હતી. અમારી પ્રક્રિયામાં ક્રોસ વેરિફિકેશનની જોગવાઈ નથી. આ કિસ્સાથી અમારી પણ આંખો ઉઘડી છે. અમે હવે એફિલિએશન પ્રક્રિયામાં દસ્તાવેજોનું ક્રોસ વેરિફિકેશન કરવા વિચારીશું.
બંને બોર્ડની માન્યતા હોવાથી પ્રવેશ આપવા અંગે મૂંઝવણ
ડીપીએસ ઇસ્ટ પાસે ગુજરાત બોર્ડ ઉપરાંત સીબીએસઈ બોર્ડ એમ બંનેની માન્યતા હતા. ધો. 1થી8ની ક્રમિક મંજૂરી રાજ્ય સરકાર પાસેથી 2012માં લીધી હતી અને આ જ સમયે સીબીએસઈ પાસેથી પણ ધો.1થી 12ની કમ્પોઝિટ મંજૂરી લેવામાં આવી હતી. બંને બોર્ડની મંજૂરી લીધા બાદ સ્કૂલમાં ધો.1થી8માં પણ સીબીએસઈનો અભ્યાસક્રમ ચલાવવામાં આવ્યો હતો.
સીબીએસઇ ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓને બીજી કઇ પ્રાથમિક સ્કૂલમાં સમાવેશ કરવો તે પ્રશ્ન છે. બીજીબાજુ ગુજરાત બોર્ડે પણ માન્યતા રદ કરી તો ગુજરાત બોર્ડની સ્કૂલમાં સમાવેશ કરવો કે શું કરવું તે પ્રશ્ન સરકાર માટે ઉભો થયો છે.
સ્કૂલે બંને બોર્ડની માન્યતા લીધી હતી
ડીપીએસ ઇસ્ટ પાસે પ્રાથમિક સ્કૂલ માટે વર્ષ 2012થી ગુજરાત અને સીબીએસઇ બોર્ડ બંને બોર્ડની માન્યતા છે. પણ પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસક્રમ સીબીએસઇનો ચલાવ્યો છે.- વિનોદ રાવ, પ્રાથમિક શિક્ષણ સચિવ

X
મંગળવારે સવારે 8 વાગ્યાથી વાલીઓ-બાળકો સ્કૂલ શરૂ કરવાની માગણી સાથે અનિશ્ચિત મુદતના ધરણાં પર ઉતર્યા હતા. રાત્રે કડકડતી ઠંડીમાં વાલીઓ બાળકો સાથે સ્કૂલ બહાર ગાદલા નાખી સૂઈ ગયા હતા.મંગળવારે સવારે 8 વાગ્યાથી વાલીઓ-બાળકો સ્કૂલ શરૂ કરવાની માગણી સાથે અનિશ્ચિત મુદતના ધરણાં પર ઉતર્યા હતા. રાત્રે કડકડતી ઠંડીમાં વાલીઓ બાળકો સાથે સ્કૂલ બહાર ગાદલા નાખી સૂઈ ગયા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી