અમદાવાદ: હોમવર્ક કરવાનું બાકી હોવાથી મિરઝાપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની એક શિક્ષિકાએ ધો. 7 ની વિદ્યાર્થિનીને સજાના ભાગ રૂપે બીજા ક્લાસમાં બેસાડીને હોમવર્ક કરાવડાવ્યું હતું. છતાં સંતોષ ન થતાં પ્રિન્સિપાલની ઓફિસ બહાર 3 લાફા માર્યા હતા. ત્યારબાદ શિક્ષિકાને સજા કર્યાનો સંતોષ નહીં થતા વિદ્યાર્થીના રૂમમાં લઇ જઈને છોકરાઓની સામે ઊભી રાખી તેના ફોટા પાડ્યા હતા.
ડાબો ગાલ સૂઝેલો હતો અને લાલ ચકામું પડેલું હતું
શાહપુર મિલ કમ્પાઉન્ડમાં આવેલા ઝુબેર એપાર્ટમેન્ટમાં મોહંમદ અતિક ઉજ જમા મોહંમદ સૈયદની દિકરી મિરઝાપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ધોરણ - 7 માં અભ્યાસ કરે છે. 24 સપ્ટેમ્બરે સવારે 7 વાગ્યે મોહંમદ અતિકની ત્રણેય દીકરી સ્કૂલે ગઇ હતી અને બપોરે દોઢ વાગ્યે પાછી આવી હતી. ત્યારે અસરાનો ડાબો ગાલ સૂઝેલો હતો અને લાલ ચકામું પડેલું હતું. જેથી માતા ગુલનાઝબાનુએ પૂછતા અસરાએ જણાવ્યું હતું કે હુ 19 થી 21 સુધી 3 દિવસ સ્કૂલે ગઇ ન હતી. જેથી સુનિતા મેકવાનનું ગણિત અને વિજ્ઞાનનું હોમવર્ક કર્યું ન હતું. જો કે 11 વાગ્યે સુનિતા મેકવાન ટીચરનો પિરિયડ આવતા તેમણે અસરાને નીચેના ક્લાસમાં હોમવર્ક કરવા મોકલી હતી.
છોકરાઓની સામે ઊભી રાખીને ફોટા પાડ્યા
એક ચેપ્ટર પૂરું કરીને અસરા ક્લાસમાં જતા મોનિટરે હોમવર્ક ચેક કર્યું હતું. જો કે અસરાએ એક જ ચેપ્ટર પૂરું કર્યું હોવાથી મોનિટરે સુનિતા મેકવાન ટીચરને કહેતા તે અસરાને લઇને પ્રિન્સિપાલની ઓફિસની બહાર લઈ જઈ સુનિતા મેકવાને અસરાને 3 લાફા માર્યા હતા અને કલાસ રૂમમાં લઇ જઇ છોકરાઓની સામે ઊભી રાખીને ફોટા પાડ્યા હતા. જેથી અસરાની માતાએ શાહપુર પોલીસમાં સુનિતા મેકવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.શાહપુર પીઆઈ આર.કે.અમીને જણાવ્યુ હતું કે પુરાવા એકત્રીત કરી ધરપકડ કરાશે.
સમાધાન થઈ ગયું છે
‘આ વિદ્યાર્થીના વાલી અમને મળી ગયા છે અને સમાધાન થઈ ગયું છે. તેમણે કરેલી ફરિયાદ પાછી ખેંચવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે.’-ફાધર ટાઈટસ, પ્રિન્સિપાલ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, મિરઝાપુર.
માર્યા બાદ ધમકી આપી
અસરાને માર મારીને તેના ફોટા પાડ્યા પછી સુનિતા ટીચરે બધા છોકરાઓને કહ્યું હતું કે આને જોઇ લો, આ તેના પપ્પાને લઇને ફાધર જોડે ફરિયાદ કરવા જશે, પરંતુ આને કશું થયું જ નહીં હોવાથી મારું પણ કશું થશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.