અમદાવાદ: ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરની 64 હજાર સ્કૂલના 1.16 કરોડ વિદ્યાર્થીએ 4 મહિનામાં 1.50 કરોડ વૃક્ષ વાવ્યા છે. તમામ જિલ્લાની સરખામણીમાં અમદાવાદમાં સૌથી વધારે 14 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની બનેલી ઇકો ક્લબને વૃક્ષોનો ઉછેર અને માવજતની જવાબદારી સોંપાઈ છે. શિક્ષણ વિભાગ સ્કૂલોએ વાવેલા વૃક્ષોનો આંકડો ક્રોસચેક કરશે.
દરેક સ્કૂલે વાવેલા વૃક્ષનો ફોટો પણ અપલોડ કર્યો
શિક્ષણ વિભાગે દરેક સ્કૂલને એક બાળ એક વૃક્ષનો ટાર્ગેટ આપ્યો હતો. સ્કૂલોએ વિદ્યાર્થીની સંખ્યા પ્રમાણે 1.20 કરોડ વૃક્ષ વાવવાના હતા. પરંતુ સારો વરસાદ અને ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીને ધ્યાનમાં રાખીને લક્ષ્યાંક વધારીને 1.50 કરોડ કરાયો હતો. રાજ્યની તમામ સ્કૂલોએ સહિયારા પ્રયાસથી 1.50 કરોડ વૃક્ષારોપણનો ટાર્ગેટ પૂરો કર્યો છે. દરેક સ્કૂલે વાવેલા વૃક્ષનો ફોટો પણ અપલોડ કર્યો છે. જો કે શિક્ષણ વિભાગ સ્કૂલે વૃક્ષારોપણ માટે આપેલો આંકડો સાચો છે કે નહીં તેની પોતાની રીતે ચકાસણી કરશે. જો આંકડામાં કોઇ ભૂલ હશે તો સ્કૂલ સામે કાર્યવાહીની શિક્ષણ વિભાગના અધિકારીઓએ ચીમકી આપી છે.
સ્કૂલે ખોટો આંકડો આપ્યો હશે તો પગલાં લેવાશે
પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવ ડો. વિનોદ રાવે જણાવ્યુ હતુ કે, સ્કૂલોએ કુલ 1.51 કરોડ વૃક્ષ વાવ્યા છે. છતાં આ આંકડાને અમે ચકાસીશું. જો સ્કૂલે ખોટા આંકડા દર્શાવ્યા હશે તો તેની સામે પગલાં લેવાશે. સ્કૂલોમાં ચાલતી ઇકો ક્લબના વિદ્યાર્થી વૃક્ષોનું જતન કરશે.
જિલ્લાવાર વૃક્ષારોપણના આંકડા
અમદાવાદમાં 14.58 લાખ
સુરતમાં 12.64 લાખ
ભાવનગરમાં 11.09 લાખ
વડોદરામાં 7.14 લાખ
રાજકોટમાં 7.10 લાખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.