અમદાવાદ / 8 કલાકમાં 15 કિલો દારૂગોળો ચાળવામાં આવે છે, તેમાંથી ફટાકડાના 1000 બોક્સ બને છે

દારૂગોળો ચાળતો યુવક
દારૂગોળો ચાળતો યુવક

  • કાન ફાડી નાખતા મિરચી બોંબમાં માત્ર 1, કોઠીમાં 2 જ ગ્રામ દારૂગોળો હોય છે 
  • ફટાકડા હાથથી બનેલા હોવાથી દરેક બોક્સમાંથી 10 નંગ ફોડી ચકાસાય છે
  • ફટાકડો બરાબર અવાજ ન કરે તો આખું બોક્સ પાણીમાં નાખી નષ્ટ કરાય છે
  • અમીર પઠાણે કહ્યું, 15 વર્ષથી હું દારૂગોળો ચાળું છુ, છતાં કોઈ તકલીફ થઈ નથી 
  • શહેરના છેવાડાના વાંચ ગામમાં ફટાકડાની 15 ફેક્ટરી, તમામમાં હાથથી ફટાકડા બને છે

Divyabhaskar.com

Oct 18, 2019, 02:53 PM IST

ચિંતન રાવલ, અમદાવાદ: અમદાવાદના રિંગ રોડ પર આવેલા વાંચ ગામે હાથ બનાવટના ફટકડાની એક ફેકટરીમાં રોજ આઠ કલાક એક જ વ્યકિત 15 કિલો દારૂગોળો ચાળે છે. જેમાંથી કોઠીના 400 બોક્સ, 350 બોક્સ મિરચી, 555 બોમ્બના ફટાકડાના 250 અને કલર કોઠીના 100 બોક્સ તૈયાર કરવામાં આવે છે. દોઢથી બે વીઘામાં ફેલાયેલી ફટાકડાની ફેકટરીમાં આસપાસના કોઈ વ્યકિત પ્રવેશે નહીં તે માટે કાંટાની વાડ બનાવાઈ છે. અહીં રોજ 35 માણસો કામ કરે છે.
35 માણસ રોજ સવારે 10થી સાંજે 6 સુધી ફટાકડા બનાવે છે
રિંગ રોડ પર આવેલા વાંચ ગામમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીની મુલાકાત લીધી તો ખબર પડી કે દોઢથી બે વીઘાના ખેતર ફરતે બાવળના કાંટાની વાડ છે. અહીં જોયું કે, 35 માણસ રોજ સવારે 10થી સાંજે 6 સુધી ફટાકડા બનાવે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, કાન ફાડી નાખે તેવો અવાજ કરતાં મિરચી અને 555 બોમ્બ બનાવવા માટે માત્ર 1 ગ્રામ જ્યારે કોઠી બનાવવા માટે માત્ર 2 ગ્રામ દારૂગોળાની જરૂર પડે છે. કારિગરો અહીં 8 કલાકમાં 15 કિલો દારૂગોળામાંથી મિરચી, 555, કલર કોઠી, સાદી કોઠીના 1 હજાર બોક્સ તૈયાર કરે છે.
રોજ સવારે દરેક ફટાકડાનું ટેસ્ટિંગ જાતે જ કરવામાં આવે છે
દારૂગોળો બનાવવા માટેની કામગીરી સતત 15 વર્ષથી અમીર પઠાણ નામનો યુવક કરે છે. દારૂગોળો ચાળવાથી માંડીને તેને પેક કરવા, સ્ટીકર લગાવવા અને બોક્સ તૈયાર કરવા સુધીની કામગીરી ફેકટરીમાં 35 માણસો વચ્ચે વહેંચી દેવામાં આવી છે. છ મહિના સુધી અહીં ફટાકડા બનાવવામાં આવે છે. વાંચ ગામની આસપાસના ગામોમાં રહેતા લોકો જ અહીં ફટાકડા બનાવવા આવે છે. રોજિંદા ઓર્ડર મુજબ જ ફટાકડા બનાવવામાં આવે છે. ફેકટરીના માલિક નદીમ કાથમભાઈ બાગબાને ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રોજ સવારે દરેક ફટાકડાનું ટેસ્ટિંગ જાતે જ કરવામાં આવે છે. અમે જે ફટાકડા બનાવીએ છીએ તેમાં મશીનનો ઉપયોગ થતો નથી જેના કારણે કારીગરોએ હાથથી બનાવેલા ફટાકડા યોગ્ય છે કે નહીં તે માટે રોજ ટેસ્ટિંગ થાય છે.
છેલ્લી પાંચ પેઢીથી અમે ફટાકડા બનાવીએ છીએ
કોઠીના દસ નંગ, મીરચીના દસ નંગ એમ તમામ ફટાકડાના દસ-દસ નંગનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેનો ઓર્ડર ડિસ્પેચ કરવામાં આવે છે. જે ફટાકડા પ્રોપર ફૂટે નહીં તેને પાણીમાં નાખીને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે છે. અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરત ફટાકડા મોકલવામાં આવે છે. છેલ્લી પાંચ પેઢીથી અમે ફટાકડા બનાવીએ છીએ. વાંચ ગામમાં આ પ્રકારની 15 ફટાકડા બનાવવાની ફેકટરી છે. જે પણ ફટાકડાનું અમે વેચાણ કરીએ છે ત્યારે જ 90 ટકા ગેરંટી આપીએ છીએ. કારીગરો હાથેથી ફટાકડા બનાવતા હોવાના કારણે 100 ટકા ફટાકડાની ગેરંટી આપતા નથી.
વરસાદના કારણે 50 ટકા ઉત્પાદન ઓછું થયું
દર વર્ષ કરતા આ વર્ષે ફટાકડાનું પ્રોડકશન ઓછું થયું છે. ફેકટરી માલિક નદીમ બાગબાને કહ્યું કે, વરસાદના કારણે આ વર્ષે ફટાકડાનું ઉત્પાદન 50 ટકા જેટલું ઓછું થયુ છે. આ ઉપરાંત 18 ટકા જીએસટી અને મંદીની પણ વત્તીઓછી અસર અમારા ધંધા પર વર્તાઈ છે. જયારે ફટાકડા બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીના ભાવમાં પણ અંદાજે 30 ટકા જેટલો વધારો થયો છે. પંજાબ અને મુંબઈથી ફટાકડાનુ મટીરીયલ્સ મંગાવવામાં આવે છે.
ફાયર સેફ્ટીનાં સાધનો સાથે ફટાકડા બને છે
થોડા વર્ષો પહેલા એક ફેકટરીમાં આગની ઘટના બની હતી તે પછીથી દરેક ફેકટરીમાં ફાયર સેફટીનું પૂરતુ ધ્યાન અપાય છે. એક ફેકટરીમાં 50 લીટરની પાણીની ટાંકી ઉપરાંત 11 એકિસ્ગ્યૂંશર, 20 પાણીની ડોલ અને 20 જેટલી રેતીની ડોલ ભરી રાખવામાં આવે છે. જેથી આગના સંજોગોમાં તાત્કાલિક બચાવ કામગીરી કરી શકાય. બધાને કામ વહેંચી દેવાય છે વાંચ ગામે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં દરેક કામગીરી 35 વ્યકિત વચ્ચે વહેંચી દેવાઈ છે. એક વ્યકિત દારૂગોળો ચાળે છે, 7-7ના ગ્રૂપમાં અન્ય વ્યક્તિ દારૂગોળો ભરવા સહિત પેકિંગની કામગીરી કરે છે.
મહિલા કારીગરો પણ સામેલ છે
વાંચ ગામની આસપાસના વિસ્તારો ઉપરાંત રામોલ, વસ્ત્રાલના લોકો ફટાકડા બનાવવા માટે જાય છે. જેમાં મહિલાઓ પણ મિરચી બોમ્બમાં દારૂગોળો ભરી પેકિંગ કરે છે.

X
દારૂગોળો ચાળતો યુવકદારૂગોળો ચાળતો યુવક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી