સર્ચ વોરન્ટ વિના રેડ કરવા ગયેલા PSI-બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ, તોડબાજી કરવા દરોડા પાડવા ગયા હોવાની ચર્ચા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસ કર્મીઓ નાર્કોટિક્સની બાતમીના બહાને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કર્યા વગર રેડ કરવા ગયા હતા

અમદાવાદ:  સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતાં PSI અને બે કોન્સ્ટેબલને DCP હર્ષદ પટેલે ગેરકાયદે દરોડા પાડવાના મામલે સસ્પેન્ડ કર્યા છે. આ પોલોસકર્મીઓ રખિયાલમાં એક અનાજના વેપારીના ત્યાં નાર્કોટિક્સની બાતમીના બહાને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કર્યા વગર અને સર્ચ વોરંટ વગર દરોડા કરવા ગયા હોવાથી તમામને સસ્પેન્ડ કરાયા છે. તોડબાજી કરવા ગયા હોવાને લઇને જ ડીસીપીએ સસ્પેન્ડ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

રેડ કરતા પહેલાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી જરૂરી
SOG ફરજ બજાવતાં પી.એસ.આઈ બી.ડી.ભટ્ટ અને તેમની ટીમના બે કોન્સ્ટેબલ ભરતભાઇ અને યોગેશભાઈ 19મી સપ્ટેમ્બરે રખિયાલમાં એક સરકારી અનાજની દુકાનમાં ગયા હતા. દરોડાના નામે તેમણે દુકાનમાં અનાજ ક્યાંથી લાવ્યા તે બાબતે પૂછતાં વેપારીએ બિલો રજૂ કર્યા હતા. એસ.ઓ.જીએ નાર્કોટિક્સને લગતી કામગીરી કરવાની હોય છે. રેડ કરતા પહેલાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી અને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવાની હોય છે. જો કે કોઈપણ જાણ વગર દરોડા વગર PSI ભટ્ટ અને ટીમે દરોડો પાડ્યો હતો. 

શહેરમાં તોડબાજી મામલે એક મહિનામાં જ 7 પોલીસ કર્મી સસ્પેન્ડ

ઓગસ્ટઃ જુગારનો કેસ કરવાની ધમકી આપી તોડ કરનાર PSI અને 4 કોન્સ્ટેબલ સસ્પેન્ડ 
ગત ઓગસ્ટમાં અમદાવાદના એક પીએસઆઇ અને 4 કોન્સ્ટેબલે પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાસે એક ઘરમાં રમાતા જુગારની માહિતી મેળવી મંજૂરી વિના રેડ કરવા ત્યાં ઘુસી ગયા હતા. ગુનાઇત માનસિકતા ધરાવતા આ પોલીસકર્મીઓ પોતે સ્થાનિક પોલીસ સ્ટેશનના નહીં, પરંતુ ક્રાઇમબ્રાંચમાંથી આવ્યા છે તેમ કહી તેમને ધાકધમકી આપીને કેસ કરવાનું તરકટ રચી રહ્યા હતા. આ સમયે આ પોલીસકર્મીઓએ અમને રૂપિયા આપો તો છોડી દઇશુ તેમ કહીને તેમના ઘરમાંથી જેટલી રોકડ હતી તે તેમજ તેની સાથે દાગીના પણ પડાવીને 6 લાખ રૂપિયા લઇ લીધા હતા. આ વાતની જાણ થતા તે વિસ્તારના ડીસીપીએ તમામને સસ્પેન્ડ કર્યા હતા.

સપ્ટેમ્બરઃ NRI પાસેથી બ્રાન્ડેડ દારૂની બોટલ પડાવવા જતા બે પોલીસ કર્મી સામે ફરિયાદ 
લગભગ 22 દિવસ પહેલા શારજાહથી અમદાવાદ આવેલા મોફાકને હેલમેટ સર્કલથી વસ્ત્રાપુર જવાના રસ્તા પર બે પોલીસ કર્મચારીએ રોકી તેની પાસેથી બ્રાન્ડેડ દારૂની બોટલ પડાવાનો પ્રયાસ કરતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બોટલ જોઈ લલચાયેલા બંને કર્મચારીઓએ રાજ્યમાં દારૂબંધી કોવાનું કહીને કેસ કરવાની ધમકી પણ આપી હતી. મોફાકની બેગ ચેક કરતા તેમાંથી ચિવાસ બ્રાન્ડની દારૂની 2 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની પરમિટ માંગતા મોફાકે તેને કહ્યું હતું કે તે ભારતીય નાગરિક નથી અને તેની પાસે યુએઈનો પાસપોર્ટ હોવાથી તેમને દારૂ રાખવા માટે પરમિટની જરૂર નથી. તેમ કહીને બંને પોલીસ કર્મચારીઓએ ગુજરાતમાં તમે દારૂ રાખી શકો નહીં, તેમ કહી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બાજુની ગલીમાં કેબ સાથે લઇ ગયા અને બંને દારૂની બોટલો રાખી લેવાના ઈરાદે થોડી રકઝક બાદ મોફાકને જવા દીધા હતા. હોટેલે ગયા બાદ બીજા દિવસે મોફાકે આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બંને પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને પોલીસ કર્મચારી વિરુદ્ધ ગેરકાયદે અટકાયત કરીને બદઈરાદાથી દારૂની બોટલો પડાવવાનો પ્રયાસ કરવા અંગે ગુનો નોંધ્યો હતો.