અમદાવાદ / અંદાજે રૂ.1700 કરોડના ખર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા છ માર્ગીય રસ્તાઓનું નિર્માણ થશે

6 લેન રોડની ફાઇલ તસવીર
6 લેન રોડની ફાઇલ તસવીર

  • બગોદરા-તારાપુર-વાસદ માર્ગના છ લેન રોડ બનાવવાની શરૂઆત
  • રૂા.48 કરોડના ખર્ચે નિર્માણાધિન ગલીયાણા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું
  • રાજ્યનો વિકાસ એ જ રાજ્ય સરકારનો નિર્ધારઃ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ

Divyabhaskar.com

Aug 13, 2019, 07:04 PM IST

અમદાવાદઃ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા બગોદરા-તારાપુર-વાસદના છ માર્ગીય રસ્તો બનાવવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે સાબરમતી નદી પર બગોદરા-તારાપુર અને વાસદને જોડતા ગલીયાણા ખાતે રૂા.48 કરોડના ખર્ચે તૈયાર થયેલાં પુલનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, મિતેશ પટેલ, ધારાસભ્ય સર્વ મહેશ રાવલ, દિલીપ પટેલ, પૂનમ પરમાર તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઇંધણ અને સમયમાં ઘટાડો થશે
નીતિન પટેલે પુલનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, રાજ્યનો વિકાસ એ જ રાજ્ય સરકારનો નિર્ધાર આ નિયમ સાથે સરકાર સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરતા વિકાસના પંથે છે. લોકોની રજૂઆત હતી કે, દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રની મુસાફરી બહુ લાંબી થઇ પડે છે, ત્યારે બગોદરા-તારાપુરથી વાસદના માર્ગને છ માર્ગીય બનાવી ઝડપી મુસાફરી માટેનાં માર્ગ મોકળા કરી દેવામાં આવ્યા છે. આ છ માર્ગીય સુઆયોજિત આંતરમાળખાકીય પરિવહનને કારણે ઇંધણ અને સમયમાં ઘટાડો થશે. સાથે સાથે અકસ્માતોની સંભાવના પણ ઘટશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બે તબક્કામાં રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવશે
આગામી બે વર્ષના સમયગાળામાં બે તબક્કામાં આ છ માર્ગીય રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેમાં બગોદરાથી તારાપુરનો 53.800 કિલોમીટરનો રસ્તો અંદાજિત રૂા. 649 કરોડના ખર્ચે તૈયાર થશે. જ્યારે બીજા તબક્કામાં તારાપુરથી વાસદ સુધીનો 48.10 કિલોમીટરનો છ માર્ગીય રસ્તો અંદાજે રૂા.1005 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેનાથી પરિવહન વ્યવસ્થા વધુ સરળ બની રહેશે જેનો અંદાજે રૂા.1700 કરોડનો ખર્ચ થશે.

X
6 લેન રોડની ફાઇલ તસવીર6 લેન રોડની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી