અમદાવાદ / શાહ આલમ હિંસા કેસમાં શહેઝાદ ખાનને માત્ર 5 કલાકના શરતી જામીન, AMCની સામાન્ય સભામાં હાજરી આપશે

શહેઝાદ ખાન પઠાણને ગણતરીના કલાક માટે જામીન
શહેઝાદ ખાન પઠાણને ગણતરીના કલાક માટે જામીન

  • સીએએના વિરોધમાં થયેલી હિંસામાં શહેઝાદ ખાન પઠાણ છેલ્લા એક મહિનાથી જેલમાં છે
  • શાહઆલમ પાસે પોલીસ પર પથ્થર મારો થયો હતો તેના ગુનામાં શહેઝાદ પકડાયો છે

Divyabhaskar.com

Jan 22, 2020, 01:26 PM IST
અમદાવાદ: શાહઆલમ વિસ્તારમાં સીએએના વિરોધ દરમિયાન થયેલી હિંસાના ગુનામાં ધરપકડ કરાયેલા દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણને સેશન્સ કોર્ટે માત્ર પાંચ કલાકના જામીન આપ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજરી આપવા માટે શહેઝાદ ખાન પઠાણે જામીન માંગ્યા હતા. જેને લઈને કોર્ટે આજે તેને સભામાં હાજરી આપવા માટે જામીનમુક્ત કરવા આદેશ કર્યો છે.
કોર્પોરેટર પદ રદ્દ થવાની શક્યતા હતી

મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ફરજીયાત હાજરી જરૂરી છે. છેલ્લા બે વખતથી શહેઝાદ ખાન સામાન્ય સભામાં હાજરી આપી શક્યો નથી. જેથી તેનું કોર્પોરેટરનું પદ રદ્દ થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. તેથી શહેઝાદે સામાન્ય સભામાં હાજર રહેવા જામીન માંગ્યા હતા. જેને કોર્ટે શરતી જામીન તરીકે માન્ય રાખીને 5 કલાક માટે મુક્ત કરવા આદેશ કર્યો હતો. 29 જાન્યુઆરીએ કોર્પોરેશનની સામાન્ય સભા યોજાશે. ત્યારે શહેઝાદ ખાન પઠાણ 5 કલાક માટે મુક્ત થશે.
ડિસેમ્બરમાં સીએએના વિરોધ દરમિયાન હિંસા થઈ હતી
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ(CAA)ના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુજરાત બંધનું એલાન આપ્યું હતું ત્યારે 19મી ડિસેમ્બરે સાંજે શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરનારાઓએ તોફાન મચાવ્યું હતું. તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં 20 જેટલા પોલીસ કર્મીઓ અને કેટલાક મીડિયાકર્મી ઘાયલ થયા હતા. પોલીસ કર્મીઓમાં ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી.રાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓને પકડી પકડીને માર્યા હતા. જ્યારે પોલીસે તોફાનીઓને કાબુમાં લાવવા માટે 20થી વધારે ટીયરગેસના શેલ છોડ્યા હતા. જ્યારે બીજા દિવસથી એટલે કે 20મી ડિસેમ્બરથી 80 જેટલા લોકોને ડિટેઇન કરાયા હતા અને મોડી રાત્રે ટોળાં સામે રાયોટિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. જેમાં શહેઝાદ ખાન પઠાણની પણ ધરપકડ થઈ હતી. ત્યારથી તે જેલમાં હતો.

X
શહેઝાદ ખાન પઠાણને ગણતરીના કલાક માટે જામીનશહેઝાદ ખાન પઠાણને ગણતરીના કલાક માટે જામીન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી