તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • School Children Seated In Van Like Sheep And Goats But RTO Drive Like Drama In Ahmedabad

ઘેટાં-બકરાંની માફક વાનોમાં માસૂમ બાળકોને ભરાય છે, RTOનો ડ્રાઇવના નામે તમાસો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોઇ દુર્ઘટના બાદ જ કેમ જાગે છે બાળકોની જિંદગી કોના ભરોસે?
  • સવારથી આરટીઓની ડ્રાઇવમાં સ્કૂલ વાનને તપાસવામાં આવી
  • આરટીઓના ચેકિંગ ચાલતું જોઇ કેટલાક વાન ચાલકો રસ્તો બદલીને જતા રહ્યા

અમદાવાદ: શહેરમાં જ્યારે પણ કોઇ ઘટના કે દુર્ઘટના બને ત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવાનો ડોળ કરવામાં આવે છે. સોમવારે સ્કૂલ વાનમાંથી બાળકો નીચે પડી ગયા અને સીસીટીવી દ્વારા આ વાત લોકોને જાણ થઇ ત્યારે તપાસ અને ત્યાર બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોવાની વાતો કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતની વચ્ચે શાળાઓ શરૂ થયાના હજી ગણતરીના દિવસો થયા છે ત્યારે સ્કૂલ વાનને લઇને કામગીરી અને નિયમોના પાલનની ડ્રાઇવ પહેલા જ કરવામાં આવતી હોય તો વાલીઓને તેમના બાળકોની ચિંતા ઓછી થાય તેમ હતું.પરંતુ ફરીથી આ સમગ્ર મુદ્દે કામગીરી કરવામાં આવી રહી છે તેવા દાવા કરવામાં તંત્ર વ્યસ્ત છે.
ડ્રાઈવ ચાલતી હોય ત્યારે રસ્તો બદલી જતો રહે છે
ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિઓ દ્વારા તપાસના દાવા કરવામાં આવે છે તેમના પરિવારમાંથી ભાગ્યે જ કોઇ બાળક આવી સ્કૂલ વાનમાં જતા જોવા મળે છે જેથી ચિંતા સામાન્ય લોકોને તેમના બાળકોની છે. આજે સવારે આરટીઓ દ્વારા ડ્રાઇવ કરવામાં આવી ત્યારે સ્કૂલ વાન ચાલકો પોતાનો રસ્તો બદલીને જતા રહ્યા હોવાનું પણ નજરે ચઢ્યું હતું. આ ડ્રાઇવમાં 20 જેટલી સ્કૂલ વાનના ચાલકોને દંડ અને અન્ય કેટલીક સ્કૂલ વાનને ડિટેઇન કરવામાં આવી છે.
ગઈકાલે 3 બાળકો પટકાયા હતા
નિકોલમાં સ્કૂલ વાનમાં ઘેટાં બકરાંની જેમ બાળકોને લઇ જતી સ્કૂલ વાનનો દરવાજો ખુલી જતા એક વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જેમાં બાળકોને ઇજા થઇ હતી. સામાન્ય રીતે વાલીઓ દ્વારા સ્કૂલ વાનના ચાલકોને રૂપિયા આપીને તેમના બાળકોને સુરક્ષિત લાવવા લઇ જવા માટે વિશ્વાસ કરવામાં આવે છે. પરંતુ ખરેખર રસ્તામાં બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક બની જાય છે. જ્યારે કોઇ ઘટના બને ત્યારે પીડિત પરિવાર જ અફસોસ કરે છે, પરંતુ ખરેખર આ ઘટના કોઇના પરિવાર સાથે  ન થાય તે માટે વાલીઓએ જાગૃત થવાની જરૂરિયાત છે.
વાનમાં બાળકો બેસાડવાની સંખ્યા નિશ્ચિત હોવાનો નિયમ
સામાન્ય રીતે દરેક સ્કૂલ વાનમાં બાળકોની સંખ્યા નિશ્ચિત હોવાનો નિયમ છે પરંતુ ક્યારેય વાલી તેમના બાળકની સ્કૂલની વાનમાં કેટલા બાળકોને બેસાડવામાં આવે છે તે તપાસ કરવામાં આવતું નથી. બીજી તરફ સ્કૂલ વાનમાં ફાયર સેફ્ટી માટે એક ઉપકરણ રાખવું પડે છે પરંતુ આજે સવારથી સ્કૂલ વાનમાં ડ્રાઇવ દરમિયાન ચકાસવામાં આવે ત્યારે કોઇ પણ વાનમાં આ પ્રકારે ફાયર સેફ્ટીનું ઉપકરણ ન હતું.
વાનની કંડિશન કે ફિટનેસ સર્ટિ પણ ચકાસાતુ નથી
બીજી તરફ સ્કૂલ વાનની કંડિશન કઇ છે તેમજ તેને કેટલા બાળકોનું પાસિંગ આપવામાં આવ્યું છે અને કેટલા કિમી આ વાહનો ચાલ્યા છે. તેની સાથે તેનું ફિટનેસ સર્ટિફિકેટ પણ છે કે નહીં તે ચકાસવાનું બાળકોના વાલીઓ તસ્દી લેતા નથી. જેના કારણે સ્કૂલ વાનની આખી સિંડિકેટ પોતાને મનફાવે તેમ વર્તે છે અને કોઇ દુર્ઘટના થાય તો એકલ દોકલ જગ્યાએ તંત્ર દ્વારા કાર્યવાહી કરીને આટોપી દેવામાં આવે છે.
સ્કૂલ વાન સિંડિકેટ સક્રિય
આરટીઓ દ્વારા આજે સવારે જે ડ્રાઇવ કરવામાં આવી તેમાં કેટલીક સ્કૂલ વાન તો પ્રાઇવેટ પાસિંગની હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ કેટલાક સ્કૂલ વાનના ચાલકો ડ્રાઇવમાં ઊભેલા અધિકારીઓને જોઇને પોતાનું વાહન બીજી તરફ વળાવીને પલાયન થઇ ગયા હતા. સ્કૂલ વાનના ચાલકોની આખી સિંડિકેટ આમાં સક્રિય હોવાનું માનવામાં આવે છે. જેના કારણે મોટા ભાગના સ્કૂલ વાન ચાલકો આ ડ્રાઇવમાંથી બચી ગયા હતા.