અમિત જેઠવા મર્ડર / અમિત જેઠવા હત્યા કેસમાં CBI કોર્ટનો અભૂતપૂર્વ ચુકાદો, દીનુ સહિત 7ને આજીવન કેદ, ફરી ગયેલા 38 સાક્ષીઓ સામે કેસ

RTI activist Amit Jethva Murder case Special CBI court adjourns sentence in ahmedabad

  • હસતા મોંઢે દિનુ બોઘા કોર્ટમાં હાજર થયા પરંતુ સજા બાદ સીધા જેલમાં
  • પૂર્વ સાંસદ સહિત 7 દોષિતોને રૂપિયા 25 હજારથી લઈ 15 લાખ સુધીનો દંડ ફટકારાયો
  • દંડમાંથી 5 લાખ અમિત જેઠવાની પત્ની અને 3-3 લાખ બન્ને સંતાનોને અપાશે
  • કોર્ટમાં જુબાનીથી ફરી જનાર દોષિત સામે કાર્યવાહી કરવા આદેશ

Divyabhaskar.com

Jul 12, 2019, 01:33 AM IST

અમદાવાદ: આરટીઆઇ એક્ટિવીસ્ટ અમિત જેઠવાની હત્યાના ચર્ચાસ્પદ કેસમાં ગુરૂવારે સીબીઆઇ કોર્ટે પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાત દોષિતોને આજીવન કેદ તથા તમામ દોષિતોને કુલ 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર કોર્ટે ટ્રાયલ દરમ્યાન નિવેદન ફેરવી તોળનાર 38 સાક્ષીઓ સામે ફરિયાદ નોંધવા રજિસ્ટ્રારને આદેશ આપ્યો છે. તમામ દોષિતોએ અમિત જેઠવાના પત્નીને રૂ.5 લાખ તથા તેમના બન્ને સંતાનોને રૂ.3-3 લાખ વળતર ચુકવવા કોર્ટે આદેશ આપ્યો છે.

આજીવનકેદની સજા અને 15 લાખનો દંડ ફટકાર્યો

એટલું જ નહીં જ્યાં સુધી દંડની રકમ ચૂકવાશે નહીં ત્યાં સુધી દોષિતો કાયદા અનુસાર હાઇકોર્ટમાં ચુકાદાને પડકારી શકશે નહીં. દોષિતો દંડની રકમ નહીં ભરે તો તેમને વધુ ત્રણ વર્ષની સજાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે. અમદાવાદ ખાતે 2010ની 20મી જુલાઈના રોજ હાઇકોર્ટ નજીક અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. ગીર વિસ્તારમાં ગેરકાયદે ખનન વિરુદ્ધના અભિયાન બદલ અમિત જેઠવાની હત્યા થઈ હતી. દિનુ બોઘા સોલંકી વર્ષ 2009થી 2014 સુધી જૂનાગઢના સાંસદ હતા. કોર્ટે દિનુ બોઘા સોંલકીને આઇપીસીની કલમ-302 અને 120-બી હેઠળ પૂર્વ આયોજીત કાવતરૂ ઘડવાના આરોપમાં આજીવનકેદની સજા અને 15 લાખનો દંડ ફટકાર્યો છે. શાર્પ શુટર શૈલેષ પંડયાને આજીવન કેદ અને 10 લાખનો દંડ, શીવા પાંચાણને આજીવન કેદ અને 8 લાખનો દંડ, શિવા સોલંકીને આજીવન કેદ અને 15 લાખનો દંડ, બહાદુરસિંહ વાઢેરને આજીવન કેદ અને 10 લાખનો દંડ, સંજયને આજીવન કેદ અને 1 લાખનો દંડ, ઉદાજીને આજીવન કેદ અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસની ટ્રાયલ દરમ્યાન ધર્મેન્દ્રગીરી ગોસ્વામી નામના સાક્ષીની જુબાની દરમ્યાન તેના દિકરા પ્રેમગીરીનું અપહરણ થયું હોવાનો ફોન આવ્યો હતો. આ કિસ્સામાં સાક્ષીએ નિવેદન ફેરવી તોળ્યુ હતુ. કોર્ટે આ સાક્ષીના કેસમાં અલગથી તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિનચીટ આપી હતી

ઉલ્લેખનીય છે કે 2010માં અમિત જેઠવાએ ગિર અભ્યારણ્ય વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ખનન વિરુદ્ધ જાહેર હિતની અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી ચાલી રહી હતી એ દિવસોમાં જ તેમની હત્યા કરાઈ હતી. અગાઉ આ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિનચીટ આપી હતી. બાદમાં 2013માં હાઇકોર્ટે કેસની તપાસ સીબીઆઇને સોંપી હતી. સીબીઆઇએ નવેમ્બર 2013માં દિનુ સોલંકી સહિત છ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. કેસમાં કુલ 196 સાક્ષીઓની સુલટતપાસ થઈ હતી. હાઇકોર્ટે 2017માં નવેસરથી ટ્રાયલનો આદેશ આપ્યો હતો
સમગ્ર કેસમાં આ ચાર બાબતો નિર્ણાયક પુરવાર થઈ

હત્યાની સોપારી માટેનો મોબાઇલ

દીવના હોટેલમાલિક ધર્મેન્દ્ર ગોસ્વામીના ફોનથી જેઠવાની હત્યાની સોપારી અપાઈ હતી. CBI તપાસમાં કૉલ ડિટેલ્સમાં આ વાતનો ખુલાસો થયો હતો.

ચોકીદારે હત્યાની યોજના સાંભળી

હત્યાની યોજના માટે દીનુ સોલંકીએ ફાર્મ હાઉસમાં બેઠક યોજી હતી. ફાર્મ હાઉસના ચોકીદાર રામા હાજાએ આખી વાત સાંભળી. તેની જુબાની નિર્ણાયક પુરવાર થઈ.

હત્યારાને નજરે જોનારની સાક્ષી

હાઇકોર્ટ પાસેના સત્યમેવ કૉમ્પ્લેક્સની બહાર જેઠવાની હત્યા થઈ. ત્યાં ATMના ચોકીદાર માણેન્દરસિંઘ કછવાએ હત્યા કરીને ભાગતા લોકોને નજરે નિહાળ્યા હતા.

આરોપીનાં વસ્ત્ર પર ગન પાઉડર

અમિત જેઠવાના હત્યારાઓમાં ઉદાજી નામની વ્યક્તિ સામેલ હતી. તેના કપડા પરથી ગન પાઉડર (નાઇટ્રાઇટ પાઉડર)ના અવશેષો મળી આવ્યા હતા.

દીનુ સોલંકીની પત્નીએ કહ્યું, રાજકારણીની મિત્રતા પર થૂ છે

સીબીઆઇ કોર્ટમાં જજ કે.એમ.દવેએ સજાનું એલાન કરતા જ દીનુ બોઘા સોલંકીની પત્નીએ ધ્રુસકેને ધ્રુસકે રડતા કહ્યું કે રાજકારણી સાથેની મિત્રતા પર થૂ છે. જ્યારે ચુકાદા બાદ કોર્ટ રૂમની બહાર નીકળતા અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાએ ‘સત્યમેવ જયતે’ કહ્યું હતું.


જુબાનીથી ફરી જનાર સામે કાર્યવાહીનો આદેશ
અમિત જેઠવા હત્યા મામલે 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. તેમાંથી દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓને સીબીઆઈ કોર્ટે જુબાની લીધી હતી. પરંતુ તેમાં પણ તે ફરી ગયા હતા. જેને ધ્યાને રાખીને સીબીઆઈ કોર્ટે ફરી જનાર તમામ સામે કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો. સાથે જ એક સાક્ષી ધર્મેન્દ્રગીરી ગોસ્વામીના પુત્રના અપહરણ મામલે પણ તપાસ કરીને કોર્ટને રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો.
સીબીઆઈના ડીઆઈજી અરૂણ બોથરાએ દિનુ બોઘાની ધરપકડ કરી હતી
દોષિત ઠરેલા દિનુ બોઘાને તેમના ફાર્મ હાઉસના નોકર રામા હાજાની જુબાની જ ભારે પડી હતી. દિનુ બોઘા સોલંકી સહિત સજા પામેલા આરોપીમાં તેમનો ભત્રીજો શિવા સોલંકી, શૈલેષ પંડ્યા, બહાદુરસિંહ વાઢેર (કોન્સ્ટેબલ), શિવા પંચાલ, સંજય ચૌહાણ અને ઉદાજી ઠાકોરનો સમાવેશ થાય છે. અમિત જેઠવાની 20 જુલાઈ 2010ના રોજ હાઈકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે બાઇક પર આવેલા બે શખ્સે ગોળી મારી હત્યા કરી હતી. આ કેસમાં અનેક કાનૂની લડાઈ બાદ સીબીઆઈને તપાસ સોંપાઈ હતી. સીબીઆઈના ડીઆઈજી અરૂણ બોથરાએ 5 નવેમ્બર 2013ના રોજ દિનુ બોઘાની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને બોઘા સહિત 7 આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.
27 સાક્ષીની રિ-ટ્રાયલ કરાઈ હતી
આ કેસની ટ્રાયલ દરમિયાન 155 સાક્ષી ફરી ગયા હતા. હાઈકોર્ટમાં હુકમથી 27 સાક્ષીની રિ-ટ્રાયલ કરાઈ હતી, પરંતુ આ સાક્ષીઓ બીજી વખત પણ જુબાનીમાંથી ફરી ગયા હતા. જોકે કોર્ટે મહત્ત્વના સાક્ષી રામા હાજા અને સમીર વોરાની 164 હેઠળની જુબાની, ઘટના પાસેથી મળેલું બાઇક, રિવોલ્વર, કારતૂસ, મેડિકલ પુરાવો, મોબાઇલ ફોન કોલ ડિટેઈલ્સ સહિતના પુરાવાને ધ્યાને રાખી આરોપીઓને દોષિત ઠરાવ્યા હોવાનું કાનૂનવિદો માની રહ્યા છે.
192માંથી 155 સાક્ષી ફરી ગયા, સીબીઆઈ કોર્ટે 27 સાક્ષીની ફરીથી જુબાની લીધી
આ કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.
2010 હાઈકોર્ટ સામે જાહેરમાં અમિત જેઠવાની હત્યા થઈ હતી
જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઇએ આ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.
જે દિવસે અમિત જેઠવાએ ગેરકાયદે ખનન મામલે PIL કરી તે દિવસે જ હત્યા થઈ
આ તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું કે, અમિત જેઠવાએ તે જ દિવસે હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે પીઆઇએલ કરી હતી. અમિત જેઠવાની હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલિન સાસંદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી દેતા, આ તપાસ સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને સોંપાઇ હતી. રાઘવેન્દ્ર વત્સે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપતા 2012માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ સીબીઆઇને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. 2013માં સીબીઆઇએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી.

X
RTI activist Amit Jethva Murder case Special CBI court adjourns sentence in ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી