અમદાવાદ / પોલીસ કર્મચારીની શારીરિક તંદુરસ્તી જાળવી રાખવા નિયમિત રીતે ચેકઅપ કરવામાં આવશે

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • પોલીસને માનસિક અને શારિરીક રીતે ચુસ્ત બનાવવાનું રાજ્ય વ્યાપી આયોજન
  • ડી.જી.પી શિવાનંદ ઝાએ ફિટનેસ બાબતે સર્ક્યુલર બહાર પાડ્યું 
  • તમામ કક્ષાના પોલીસ અધિકારીની ફિટનેસ તથા તાલીમ યોજવા માટે ખાસ પરિપત્ર

Divyabhaskar.com

Aug 13, 2019, 07:57 PM IST

અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસના અધિકારીઓની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને નવા પરિપત્ર રૂપે ફીટનેસ જાળવી રાખવાના ઉમદા વિચારને અમલમાં મૂકવાની શરૂઆત કરી છે. પોલીસ વિભાગમાં ભરતી થતી વખતે દરેક પોલીસ કર્મચારી તથા અધિકારીને શારિરીક માપદંડોની કસોટીમાંથી પસાર થવું પડતું હોય છે. ઉપરાંત પોલીસ વિભાગમાં ભરતી બાદની તાલીમમાં પણ તેમની ફીટનેસ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હોવાથી, ભરતી બાદ પોલીસ દળમાં જોડાતા નવા પોલીસ અધિકારી/કર્મચારીઓની ફીટનેસ અને પોલીસમાં કામ કરવા માટે જરૂરી એવું કાયદા સહિતના વિષયોનું જ્ઞાન ખૂબ સારું હોય છે. પરંતુ બાદમાં રુટીન ફરજોમાં રહેતાં પોલીસ કર્મચારીઓ પોતાની ફીટનેસ બાબતે કાળજી લેતાં ન હોવાથી તેમની ફીટનેસ અને પરિણામે તેમનું સ્વાથ્ય સારું રહેતું નથી.

દર મહિને ડીજીપીને અહેવાલ સોંપવાનો રહેશે
કેવડીયા ખાતે યોજાયેલ છેલ્લી ડી.જી/આઇ.જી કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાવામાં આવેલ સૂચનને યાદ કરી આજે પોલીસ વિભાગના ડી.જી.પી.થી લઇને લોકરક્ષક સુધીના તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓની શારિરીક ફીટનેસ માટે તથા તેમના પોલીસ વિભાગની કામગીરીને લગતાં વિષયોના જ્ઞાનને અપડેટ રાખવા માટે વિગતવાર સૂચનાઓ બહાર પાડી છે. આ પરિપત્રમાં દરેક એકમ તથા દરેક જિલ્લા/શહેરમાં તમામ માટે કાયદા અને સંલગ્ન વિષયો જેવા કે ઇન્વેસ્ટિગેશન, ટ્રાફીક મેનેજમેન્ટ, ટેક્નોલોજી, કમ્યુનિટી પોલીશિંગ, બોર્ડર સિક્યોરીટી, આંતકવાદ વિરોધી કાર્યવાહી જેવા અલગ-અલગ વિષયો ઉપર તાલીમ અપાવા માટે કેલેન્ડર બનાવવાની સૂચના આપવામાં આવી છે. જેનું અમલીકરણ 15મી ઓગસ્ટથી કરવામાં આવશે. આ ઉપરાંત દરેક પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી તાલીમ દર માસે રાખવાની અને તેનો ડી.જી.પીને અહેવાલ સોંપવાનું જણાવવામાં આવ્યું છે.

દરેક અધિકારીના બોડીનું નિયમિત ચેકઅપ કરવામાં આવશે
તેવી જ રીતે દરેક કક્ષાના પોલીસ કર્મચારીની શારીરિક તંદુરસ્તી જાળવી રાખવા અને તેમનું નિયમિત રીતે ચેકઅપ કરાવવામાં પણ સૂચના આપવામાં આવી છે. આ માટે એક Police ‘Police Role Model Programme’નું આયોજન કરવા પણ જણાવવામાં આવ્યું છે, જેમાં દરેક એકમમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાંથી દર અઠવાડીયે સૌથી શ્રેષ્ઠ ફીટનેસ અને ટર્નઆઉટ ધરાવતાં કર્મચારને ‘Police Role Model of the Week’ તરીકે બિરદાવવામાં આવશે. ખાસ કરીને, દરેક પોલીસ કર્મચારીની ફિટનેસ બાબતે નિષ્ણાંતનો અભિપ્રાય અને મદદ લેવા માટે ફિટનેસ કેમ્પનું આયોજન કરવા તથા સરકારી અથવા ખાનગી તબીબો તથા ન્યુટ્રીશન/ફિટનેસ એક્સપર્ટની મદદ લેવા માટે સૂચન કરવામાંઆવ્યું છે. ખાસ કરીને જે લોકો સ્થૂળતા(obesity) ધરાવતાં હોય તેમના માટે ખાસ ફિટનેસ પ્રોગ્રામનું આયોજન કરીને તેમને તંદુરસ્ત બનાવવા અને દરેકનું Body Mass Index એટલે કે તેમના વજન-ઉંચાઈ અને ઉંમર પ્રમાણે સમતોલ શરીર રહે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું છે.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી