અમદાવાદ / ડૉક્ટરોને 3ના બદલે 1 વર્ષ ગામડામાં સેવા આપવી પડશે, ઇનકાર કરનારને રૂપિયા 20 લાખનો દંડ થશે

આરોગ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર
આરોગ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર

  • ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરોની ઘટ પૂરી કરવા સરકારે મેડિકલ બોન્ડના નિયમો સુધાર્યા 
  • સરકારી અથવા ખાનગી કોલેજમાં સરકારી સહાયથી ભણતા તમામને લાગુ પડશે 

Divyabhaskar.com

Aug 15, 2019, 12:29 AM IST

ગાંધીનગર: રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરોની અછત દૂર કરવાના ભાગરૂપે રાજ્ય સરકારે મેડિકલ સ્ટૂડન્ટ્સ માટેના બોન્ડના નિયમોમાં સુધારો કર્યો છે. એમબીબીએસ પછી 3 વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવાના હાલના નિયમને સુધારીને 1 વર્ષની સેવા ફરજિયાત કરવામાં આવી છે જ્યારે હાલ લેવાતા 5 લાખના બોન્ડને યથાવત રાખીને તે ઉપરાંત 15 લાખની ગેરન્ટી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરીને બાંહેધરી સ્વરૂપે આપવાની રહેશે. એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ એક વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં સેવા નહીં આપનાર વિદ્યાર્થીએ 20 લાખ સરકારમાં જમા કરાવવાના રહેશે.

ચાલુ વર્ષે મેડિકલ કોલેજોમાં એડમિશન લેનાર 5360 વિદ્યાર્થીઓને નવો નિર્ણય લાગુ પડશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં એકતરફ ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટરો ઉપલબ્ધ થતા નહીં હોવાની વ્યાપક રજૂઆત હતી, બોન્ડની રકમ 5 લાખ હોવાથી વિદ્યાર્થીઓ તે રકમ ભરીને ગ્રામ્ય વિસ્તારમાં જતા નહીં હોવાનું ધ્યાને આવ્યું હતું બીજીતરફ વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ગ્રામ્ય સેવાનો પિરિયડ ઘટાડવાની પણ રજૂઆત થઇ હતી. જેને ધ્યાને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ વર્ષે મેડિકલ કોલેજોમાં એડમિશન લેનાર 5360 વિદ્યાર્થીઓને આ નવો નિર્ણય લાગુ પડશે. રાજ્ય સરકારની મેડિકલ કોલેજો, જીએમઇઆરએસ કોલેજો ઉપરાંત ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા હોય પરંતુ સરકારની વિવિધ યોજનાઓ- સહાયનો લાભ લીધો હોય તે તમામ વિદ્યાર્થીઓને આ નિયમ હેઠળ આવરી લેવાશે. જે સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં મેનેજમેન્ટ કે અન્ય ક્વોટામાં એડમિશન લીધું હોય અને ફીનો તમામ ખર્ચ વિદ્યાર્થીએ જાતે ઉઠાવ્યો હોય તે બાકાત રહેશે. એમબીબીએસ બાદ એક વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં સેવા પૂર્ણ કરે અથવા 20 લાખ રૂપિયા સરકારમાં જમા કરાવે તે પછી જ તે વિદ્યાર્થીને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ખાનગી પ્રેક્ટીસ કરવાનું પ્રમાણપત્ર અપાશે.

1490 ડોક્ટરોએ બોન્ડનો ભંગ કર્યો, બે વર્ષમાં 21 કરોડ વસૂલાયા
બોન્ડ સાઇન કર્યા બાદ પણ મોટાભાગના ડોક્ટરો સરકારી નોકરીમાં જોડાવાને બદલે 5 લાખ રૂપિયા સરકારમાં જમા કરાવવાનું પસંદ કરે છે. જેના કારણે ડોક્ટરોની જગ્યા ખાલી રહે છે. છેલ્લા બે વર્ષમાં બોન્ડ સાઇન કર્યા બાદ ફરજ પર હાજર નહીં થઇ બોન્ડનો ભંગ કરવા બદલ 1490 ડોક્ટરો પાસેથી 21.85 કરોડની વસૂલાત કરવામાં આવી છે.

ગરીબ વિદ્યાર્થીઓને બોન્ડમાંથી મુક્તિ મળશે
જે વિદ્યાર્થી ગરીબ હોય, બેન્ક ગેરન્ટી અથવા મિલકત ગેરન્ટી આપવા સક્ષમ ન હોય તેને ખાસ કિસ્સામાં મૂક્તિ અપાશે. આવા વિદ્યાર્થીઓએ સ્ટેમ્પ પેપર ઉપર 20 લાખની બાંહેધરી રજૂ કરવાની રહેશે. આ માટેની તમામ સત્તા રાજ્ય સરકાર હસ્તક રહેશે.

અભ્યાસ ચાલુ હોય તેવા વિદ્યાર્થી પણ જોડાઇ શકશે
આ નિયમ નવું એડમિશન લેનાર વિદ્યાર્થીઓને તો લાગુ પડશે પરંતુ હાલ એમબીબીએસમાં અભ્યાસ ચાલું હોય તેવા કોઇપણ વિદ્યાર્થી ઇચ્છશે તો તે નવા નિયમમાં જોડાઇ શકશે. હાલમાં તેમના માટે 3 વર્ષની સેવાની જોગવાઇ છે જે ઘટીને 1 વર્ષ થઇ જશે જ્યારે તેમણે આપેલા 5 લાખના બોન્ડ ઉપરાંત 15 લાખની બાંહેધરી રજૂ કરવાની રહેશે.

X
આરોગ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીરઆરોગ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી