કેમ છો ટ્રમ્પ / એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી અમેરિકન રાષ્ટ્રપતિના રોડ શોમાં PM મોદી જોડાશે, 55 ગાડીનો કાફલો રહેશે

PM Modi to attend US President's Roadshow from airport to Gandhi Ashram with 55 car convoy

  • રોડ શોમાં પોલીસનું ખાસ વ્હીકલ રૂટ પરના તમામ ખાનગી અને સરકારી ફીડ એક્સેસ મેળવી મોનિટરિંગ કરશે
  • મોદી-ટ્રમ્પના રોડ શૉમાં એનજીઓ અને ધાર્મિક સંસ્થાઓ, સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ અને ભાજપના કાર્યકરો જોડાશે
  • રોડ શૉમાં ગુજરાત અને દેશના અન્ય રાજ્યોના  વિવિધ કલચરલ ગ્રુપ 30થી 35 સ્ટેજ પર પરફોર્મ કરશે

Divyabhaskar.com

Feb 15, 2020, 03:41 PM IST
અમદાવાદ: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24મીએ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. અમદાવાદ મુલાકાતે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો રોડ શૉ યોજાશે. જેમાં મોદી-ટ્રમ્પની 40 ગાડીઓ સાથે કુલ 55 ગાડીઓનો કાફલો હશે. જેમાં મોદી-ટ્રમ્પના 40 ગાડીઓના કાફલા સાથે ગુજરાત પોલીસની 15 ગાડીઓ રહેશે. રોડ શો અડધો કલાક સુધી ચાલે તેવું આયોજન કરાયું છે જ્યારે તેઓ ગાંધી આશ્રમમાં 30 મિનિટ રોકાણ કરશે.
રોડ શોમાં અભિવાદન અને કલ્ચરલ પ્રોગ્રામ
એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના મોદી-ટ્રમ્પના રોડ શૉ માટે શહેરની વિવિધ એન જી ઓ અને ધાર્મિક સંસ્થાઓ ઉપરાંત સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ અને ભાજપના કાર્યકરોને ઊભા રાખવામાં આવશે.
રોડ શૉ દરમિયાન ગુજરાતના વિવિધ કલચરલ ગ્રુપની સાથે દેશના કેટલાક રાજ્યોના કલચરલ ગ્રુપના 30થી 35 સ્ટેજ તૈયાર કરવામાં આવશે, જ્યાં અલગ અલગ કલાકારો પરફોર્મ કરશે.
ટ્રમ્પના આગમનના 3 કલાક પહેલા એરપોર્ટ પર તમામ ફ્લાઈટ બંધ થશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલાના 3 કલાકથી તે જાય ત્યાં સુધી એરપોર્ટ પર આવતી તમામ ફ્લાઈટ બંધ રખાશે. કેટલીક ફ્લાઈટ કેન્સલ કરાશે. જ્યારે કેટલીક રિશિડ્યૂલ કરવાનો નિર્ણય કરાયો છે. આ અંગે પહેલેથી જ એરલાઈન્સને જાણ કરી દેવાશે. ટ્રમ્પની સુરક્ષા સ્થાનિક પોલીસ નહીં પરંતુ યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટ સંભાળશે. સિક્રેટ સર્વિસે પોતાનો અલાયદો કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે. તે જ રીતે એસપીજી અને લોકલ પોલીસે પણ સ્ટેડિયમમાં કંટ્રોલ રૂમ ઊભા કર્યા છે. રોડ શૉ પછી કોટેશ્વર મંદિર તરફના રોડથી મેગીબા સર્કલ થઈ સ્ટેડિયમની પાછળના ભાગેથી ટ્રમ્પ પ્રવેશ કરશે. તેમના માટે સ્ટેડિયમના પાછળના ભાગે ખાસ સજાવટ પણ કરી દેવામાં આવી છે. ત્યાં હેલિપેડ અને 72 કારનું પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું છે.
ટ્રમ્પનું એરફોર્સ વન ગુજસેલ પાસે પાર્ક કરાશે, નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવશે
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સાથે આવનારા વિશેષ એરક્રાફ્ટને તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એરક્રાફ્ટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ગુજસેલ પાસે લાવી પાર્ક કરવામાં આવશે. જેથી અન્ય કોઈ ડોમેસ્ટિક ફ્લાઈટને કે પેસેન્જરોને સમસ્યા ન થાય. ટ્રમ્પ અને મોદીના આગમન પહેલા એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સાથે એરક્રાફ્ટના લેન્ડિંગ પાર્કિંગ સહિતની વ્યવસ્થા માટે કેન્દ્ર સરકારમાંથી આવેલા ઉચ્ચ અધિકારીઓ તેમજ સુરક્ષા એજન્સીઓ તેમજ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગુજસેલમાં ખાસ બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ આ અધિકારીઓએ એરક્રાફ્ટના પાર્કિંગ એરિયાની સાથે રનવેની પણ મુલાકાત લીધી હતી.
રોડ પરના તમામ CCTVના ફિડ ધરાવતું ખાસ વ્હીકલ કાફલામાં સાથે રહેશે
પ્રેસિડન્ટ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે તે પછી ગાંધીઆશ્રમ સુધી રોડ-શો યોજાશે. પોલીસે ખાસ પ્રકારનું વ્હીકલ તૈયાર કર્યું છે. જેમાં આ રૂટ પર લાગેલા ખાનગી અને સરકારી સીસીટીવીની ફીડ તે વ્હીકલમાં એક્સેસ રહેશે. વ્હીકલમાંથી જ સીસીટીવીના આધારે સમગ્ર રૂટનું મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત આ રૂટ પર દર 500 મીટરના અંતરે પોલીસ જવાન તૈનાત રાખવામાં આવશે. સમગ્ર રૂટ પર મૂવિંગ કેમેરા અને વધારાના સીસીટીવી પણ મૂકવામાં આવશે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડથી આખેઆખો રૂટ રોડ શો પહેલા સ્કેન કરવામાં આવશે. ઉપરાંત આ રૂટ પર સ્નાઈપરને પણ તહેનાત કરવામાં આવ્યા છે.
નદીમાં મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ
એરપોર્ટથી રોડ શો કરીને ટ્રમ્પ અને મોદી ગાંધીઆશ્રમની મુલાકાત લેશે. ગાંધીઆશ્રમમાં માત્ર બે મહાનુભવો જ હાજર રહેશે. પબ્લિક માટે કોઈ એન્ટ્રી નથી. પરંતુ આશ્રમની પાછળના ભાગે નદી હોવાથી સિક્યુરિટીના કારણોથી નદીમાં મરીન કમાન્ડો ફોર્સ સતત પેટ્રોલિંગ કરશે. જયારે આશ્રમ ખાતે સ્નાઇપરના પણ બે પોઈન્ટ ફાળવવામાં આવ્યા હોવાનું પોલીસસૂત્રોનું કહેવુ છે. આશ્રમની અંદર થ્રીડી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે જે અવરજવર કરતા તમામ લોકોનું સ્કેનિંગ પણ કરશે અને 360 ડિગ્રી સુધી કોઈ પણ દ્રશ્ય કેપ્ચર કરી શકે છે. શુક્રવારે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી અને મહાનુભાવોની એન્ટ્રી કેવી રીતે થશે અને ક્યાં જશે તેની માહિતી લીધી હતી.
ઈમરજન્સી સંજોગોમાં ટ્રમ્પને એરલિફ્ટ કરવા માટે સ્ટેડિયમ પાસે બે હેલિકોપ્ટર મુકાશે
મોટેરા સ્ટેડિયમ ખાતે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે અને અહીં બે હેલિકોપ્ટર પણ તહેનાત કરાશે. ટ્રમ્પ બાય રોડ જ મોટેરા સ્ટેડિયમ ખાતે જશે પરંતુ ઈમરજન્સીના સંજોગોમાં એર લિફટ કરી શકાય તે માટે બે હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવશે. ટ્રમ્પના અને મોદીના કાફલા સાથે આવનારી 55 કારના પાર્કિંગ માટે પણ સ્ટેડિયમમાં હેલિપેડ નજીક જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળે કુલ 72 કાર પાર્ક થઈ શકે તે માટે હાલમાં આરસીસી પાર્કિંગ એરીયા સ્ટેડિયમની પાછળના ભાગે ઉભો કરવામાં આવી રહ્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. કાર્યક્રમ પૂરો થયા પછી ટ્રમ્પ કદાચ હેલિકોપ્ટરથી પણ એરપોર્ટ ખાતે જઈ શકે તેવી શકયતા છે.
રોડ શૉ દરમિયાન સુભાષબ્રિજ પાસેના રેલવે બ્રિજ પરથી ટ્રેનો પસાર નહીં થવા દેવાય
ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો અમદાવાદ પહોંચ્યા બાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ જશે. આ કાફલો રિવરફ્રન્ટ થઈ શિલાલેખ ટાવરની બાજુમાંથી સુભાષ બ્રિજ થઈ ગાંધી આશ્રમ તરફ આગળ વધશે ત્યારે રિવરફ્રન્ટ પર આવતા રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનોને થોડા સમય માટે અટકાવી દેવામાં આવશે. જેના માટે આરપીએફ અને જીઆરપીના જવાનો બ્રિજની બન્ને બાજુ તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત રેલવે અધિકારીઓ પણ ત્યાં હાજર રહેશે જેઓ ટ્રમ્પના કાફલાનું નિરીક્ષણ કર્યા બાદ ટ્રેન ચલાવવા અંગે મંજૂરી આપશે ત્યારબાદ જ ત્યાં ઊભી રખાયેલી ટ્રેનને આગળ વધારવામાં આવશે.
X
PM Modi to attend US President's Roadshow from airport to Gandhi Ashram with 55 car convoy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી