• Gujarati News
 • National
 • Padma Shri Dr H L Trivedi Founder Of Kidney Hospital Passes Away In Ahmedabad He Than Transplants More Than 5000 Kidney

5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર કિડની હોસ્પિટલના સ્થાપક પદ્મશ્રી ડો. એચ એલ ત્રિવેદીનું અવસાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કેનેડામાં જઈને વસ્યા બાદ આઠ વર્ષે વતનની યાદ આવતા પરત ફરી કિડની હોસ્પિટલ સ્થાપી હતી

અમદાવાદ:ભારતમાં કિડની સારવાર તથા ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને દુનિયાની સૌથી મોટી કિડની હોસ્પિટલ શરૂ કરનારા ડો. એચ. એલ. ત્રિવેદીનું બુધવારે બપોરે 2.35 વાગ્યે અમદાવાદની કિડની હોસ્પિટલમાં જ નિધન થયું હતું. ગુરુવારે તેમના પાર્થિવ  દેહને દર્શનાર્થે ઇન્સ્ટિટ્યૂટમાં સવારે 8થી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે.જ્યાર બાદ બપોરે 12 વાગ્યે તેમની અંતિમયાત્રા કિડની હોસ્પિટલથી નિકળી દુધેશ્વર સ્મશાનગૃહ જશે. તેઓ અઢી વર્ષથી પાર્કિન્સનથી ગ્રસ્ત હતા તેમ જ દોઢ મહિના પહેલાં શ્વાસોશ્વાસમાં તકલીફ થતાં વેન્ટિલેટર પર રખાયા હતા. ડો. એચ. એલ. ત્રિવેદી નેફ્રોલોજિસ્ટ હતા, 40 વર્ષના સમયગાળા દરમિયાન તેમના માર્ગદર્શન હેઠળ 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
1981માં કિડની હોસ્પિટલ સ્થાપી હતી 
અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરી અમેરિકામાં નેફ્રોલોજિસ્ટ બન્યા પછી કેનેડા ગયા હતા. અઢળક કમાણી છોડી વતન પાછા ફરી 1981માં કિડની હોસ્પિટલ સ્થાપી હતી. 2015માં ડો. ત્રિવેદીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. કિડની હોસ્પિટલમાં અત્યાર સુધી 5618 કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, 318 લિવર ટ્રાન્સપ્લાન્ટેશન, 453 રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યા છે. 

રાજકોટમાં અભ્યાસ
 તેમણે રાજકોટની ધરમસિંહજી કોલેજ ખાતે જૂન 1951-53 દરમિયાન ફેકલ્ટી ઓફ સાયન્સ (પ્રી મેડિકલ)માં અભ્યાસ કર્યો હતો.  ઉપરાંત 1953-1963માં એચ એલ ત્રિવેદીએ અમદાવાદ બી જે મેડિકલ કોલેજમાં એમબીબીએસની ડિગ્રી મેળવી હતી.  

રાષ્ટ્રપતિ પ્રણવ હસ્તે ડો. એચ એલ ત્રિવેદીને આપી સન્માનિત કરાયા હતા
રાષ્ટ્રપતિ પ્રણવ હસ્તે ડો. એચ એલ ત્રિવેદીને આપી સન્માનિત કરાયા હતા

વતનની યાદ કેનેડાથી અમદાવાદ લઇ આવી
વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા બનેલા ડો. ત્રિવેદીનું આખુ નામ ડો. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી હતું. તેઓ સુરેન્દ્રનગરના ચરાડવા ગામના વતની હતાં. શરૂઆતમાં તેમણે બી.જે મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી, ત્યારબાદ તેઓ કેનેડા જઇને વસી ગયા હતા. પરંતુ પોતાના વતનની યાદ તેમને ફરી એકવાર ભારત લઇ આવી. તેમણે અમદાવાદમાં આવી સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી.

લિવર ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામ શરૂ કરાવ્યો હતો
કિડની હૉસ્પિટલમાં વર્ષે અંદાજે 400 ટ્રાન્સપ્લાન્ટ થાય છે. તેમણે સ્વીડનના નોબેલ એસેમ્બલી ચેરમેન અને લિવર ટ્રાન્સપ્લાન્ટેશન સર્જન પ્રોફેસર કાર્લ ગ્રોથની મદદથી લિવર ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામ શરૂ કર્યો હતો. દર્દીઓને ઇમ્યુનોસપ્રેશન ન થાય તે રિસર્ચ પણ કર્યું હતું. તેમણે દરેક જિલ્લામાં ડાયાલિસીસ સેન્ટર શરૂ કરાવ્યાં હતાં.
ડો. ત્રિવેદીએ પોતાની શરત પર મક્કમ રહી બિન લાદેનનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ન કર્યું
બિન લાદેને તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા ડો.ત્રિવેદીનો સંપર્ક કરીને કરોડો રૂપિયાની ઓફર કરી હતી. 2007માં બે-ત્રણ જણ તેમને મળવા આવ્યા હતા. તેમને પાકિસ્તાનમાં એક મેડિકલ કોન્ફરન્સના બહાને લઈ જઈ ઓસામાની કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવા ઓફર કરી હતી. આ લોકોએ કહ્યું હતું કે, અલ કાયદાના વડા ઇચ્છે છે કે, તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ત્રિવેદી સાહેબ જ કરે. ડૉ. ત્રિવેદીએ જવાબમાં કહ્યું હતું કે, ઓપરેશન કરવામાં વાંધો નથી, પણ આ માટે તેમની બે શરત છે. પહેલી એ કે કિડની ઓપરેશન કરાવવા લાદેને અમદાવાદ આઈકેડીસીમાં દાખલ થવું પડશે અને બીજી શરત એ કે ભારત સાથે શત્રુતાપૂર્ણ વ્યવહાર બંધ કરવાનું વચન આપે. 
વિદેશની ધીકતી કમાણી છોડી દઈ, વતનમાં આવી વર્લ્ડક્લાસ હોસ્પિટલની સ્થાપના કરી
હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદીનું નામ પડે અને કિડનીના રોગોથી પીડાતા દર્દીઓને જાણે હાશકારો થાય. માત્ર ગુજરાત જ નહીં પણ બીજા રાજ્યામાં પણ ત્રિવેદી સાહેબના નામનો ડંકો વાગે. ધાર્યું હોત તો વિદેશમાં રહી કરોડો-અબજોમાં આળોટતા હોત પણ વતનના સાદે બધું જ ત્યજી આવી ગયા. તેમણે સ્ટેમ સેલ થેરાપીનો ઉપયોગ કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટેના ‘અમદાવાદ પ્રોટોકોલ’ને ડેવલપ કરવા જીવન સમર્પિત કરી દીધું હતું.
શરત:મને એડમિશન આપશો તો સાથે એરફેર પણ આપવું પડશે
હરગોવિંદભાઈ ત્રિવેદીના પિતા લક્ષ્મીશંકર શિક્ષક હતા. પહેલેથી જ ભણવામાં તેજસ્વી હરગોવિંદભાઈને ઘણીવાર 100માંથી 100 માર્ક મળતા હતા. ધોરણ 12 પછી અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો. વિદેશ ભણવા જવા ઘણી યુનિવર્સિટીઓમાં ફોર્મ ભર્યાં અને સાથે એક પત્ર પણ લખ્યો. પત્રમાં લખ્યું હતું કે, તમે મને પ્રવેશ આપો તો એરફેર પણ આપવું પડશે, મારી પાસે પૈસા નથી. તેમની ઉજ્જવળ કારકિર્દી જોઈને અમેરિકાની એક યુનિવર્સિટી પ્રવેશ સાથે ટિકિટ પણ મોકલાવી હતી. ગુજરાતથી અમેરિકા ગયેલા ત્રિવેદીએ નેફ્રોલોજીમાં અભ્યાસ કર્યો.
આરંભ: આ હોસ્પિટલમાં પહેલા કિડની પ્રત્યારોપણને થયા 40 વર્ષ
આ હોસ્પિટલમાં કિડનીનું પહેલું પ્રત્યારોપણ 1979માં થયું હતું. એ વખતે મુંબઇથી ડો. દસ્તૂર પણ ખાસ આવ્યા હતા. ડો. ત્રિવેદીની રાહબરીમાં ડો. સૂર્યકાંત પટેલ, ડો. સુધાબેન મુલતાની, ડો. વીણાબેન શાહ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનમાં મદદ માટે નર્સ કે.ઇ.દલાલ અને સિસ્ટર પ્રભાબેન વ્યાસ હતાં. સૌ પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવિલનાં ઓ બ્લોકમાં ડો ત્રિવેદીનાં કેનેડા સ્થિત મિત્ર ડો. પીટર નાઇટે કર્યું હતું.
સફળતા:વિદેશના ભારતીય ડોક્ટર્સમાં મેળવી અનોખી સિદ્ધિ
ભારતના વિદેશોમાં વસતા ડોક્ટર્સમાં સૌ પ્રથમવાર મેક-માસ્ટર યુનિવર્સિટીની સેન્ટ જોસેફ હોસ્પિટલમાં ડાયાલિસીસ વિભાગના વડા તરીકે સ્થાન મળ્યું. કારકિર્દી અને કમાણીની અઢળક તકો વચ્ચે પણ એક અજંપો તેમને કોરી ખાતો હતો. વતનના લોકો માટે કંઇક કરી છૂટવાની ધૂન સવાર હતી. સામાન્ય માણસને પણ કિડનીની શ્રેષ્ઠ સારવાર મળી રહે એવી કિડની હોસ્પિટલ ઉભી કરવાની મનછા હતી. 1977ની 17મી જાન્યુઆરીએ વિદેશ છોડી વતન આવી ગયા અને બી.જે.મેડિકલ કોલેજમાં નેફ્રોલોજીના પ્રોફેસર તરીકે જોડાઇ ગયા.
સહકાર: આ રીતે મિત્રોની મદદથી નવમા નોરતે હૉસ્પિટલની શરૂઆત
1981ના ઓક્ટોબરની 7મી તારીખ અને નવરાત્રીના નવમા દિવસે ડો. એચ.એલ. ત્રિવેદીએ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કિડની હોસ્પિટલની સ્થાપના કરી હતી. આ હોસ્પિટલ આખી દુનિયામાં કિડનીના રોગોને લગતી સૌથી મોટી હોસ્પિટલ છે. ડો. ત્રિવેદીએ પોતાના બાળપણના સહાધ્યાયી અને ઉધોગપતિ રસિકલાલ દોશી અને મફતલાલ મહેતાની મદદથી આ સાહસ કર્યું હતું. મિત્રોએ શરૂઆતમાં રૂપિયા એક કરોડનું દાન કર્યું હતું. તેમની આત્મકથા “Tryst with Destiny” નો અનુવાદ ડો. અરૂણા વણીકરે ગુજરાતીમાં ‘પુરુષાર્થ પોતાનો: પ્રસાદ પ્રભુનો’ પુસ્તક લખીને કર્યો છે. 
સાદગી:તેમણે કહ્યું કે ક્રેડિટ તો છે જ હવે કાર્ડની શું જરૂરિયાત છે?    
એક વાર કોઇ બેન્કના પ્રતિનિધિ ડો. ત્રિવેદીને હોસ્પિટલમાં મળવા ગયા. તેમનો આશય હતો કે ત્રિવેદી સાહેબ જાણીતા છે એટલે એમની પાસે તેમની બેન્કનું ક્રેડિટ કાર્ડ હોવું જોઇએ. બધું સાંભળી લીધા બાદ ડો. ત્રિવેદીએ બહુ જ શાંતિથી જવાબ આપ્યો કે, હું અને મારાં પત્ની અહીં જ ક્વાર્ટરમાં રહીએ છીએ. શાકભાજી કે અન્ય ચીજવસ્તુઓ લેવા તે બહાર જાય તો ક્યારેક એવું બને કે 10-20 રૂપિયા ખૂટે. પણ એ સ્થિતિમાં ઓ લોકો કહી દે કે અમે તમને ઓળખીએ છીએ, તમે ત્રિવેદી સાહેબનાં પત્ની છો ને? આવતા-જતાં આપી દેજો. અમારી ક્રેડિટ તો છે જ, કાર્ડની હવે ક્યાં જરૂર છે.
આંકડાઓમાં કિડની હોસ્પિટલની સિદ્ધિ

 • કિડની ટ્રાન્સપ્લાન્ટેશન-5618
 • લિવર ટ્રાન્સપ્લાન્ટેશન-318
 • રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન-453
 • વર્ષે સારવાર લેતા દર્દીઓ-24211
 • વર્ષે દાખલ લેતા દર્દીઓ-12462
 • દર વર્ષે થતા ડાયાલિસીસ-44193
 • હોસ્પિટલમાં કુલ પથારીઓ-433

કિડની સારવારનાં ભીષ્મ પિતામહ

 • 1932માં હળવદના ચરાડવા ગામે જન્મ
 • 1938માં પ્રા.શિક્ષણ વાંકાનેરના લુણસરમાં
 • 1962માં અમેરિકાનાં ક્લિવલેન્ડમાં અભ્યાસ
 • 1981માં કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના
 • 1984માં સિવિલ હોસ્પિટલમાં 20 પથારી
 • 1992માં કિડની ઇન્સ્ટિટ્યૂટ નવા મકાનમાં