- સામૂહિક દુષ્કર્મનો વીડિયો સર્ચ કરાનારા આ 80 લાખ લોકો માણસ તો નથી જ
- વીડિયો જોવાવાળામાં માત્ર ભારત જ નહીં પાકિસ્તાનના હેવાન પણ સામેલ
- પોર્ન વેબસાઈટ પર આવો વીડિયો જ નથી છતાં ટોપ ટ્રેન્ડિંગમાં
Divyabhaskar.com
Dec 04, 2019, 01:31 AM ISTદુષ્કર્મની પળોનો વીડિયો જોવા માટે છેલ્લા 48 કલાકમાં લોકો પોર્ન સાઇટ પર સર્ચ કરી રહ્યા છે
હૈદરાબાદમાં મહિલા વેટરનરી ડૉક્ટર સાથે પાશવી દુષ્કર્મ વિરુદ્ધ દેશભરમાં ઉકળાટ ફેલાયો છે. સડકથી લઈને સંસદ સુધી હોબાળો મચ્યો છે. આરોપીઓને સજા આપવા માટે દેશના જુદા-જુદા પ્રદેશોમાં આંદોલન થઈ રહ્યા છે. બીજી તરફ વિકૃત માનસિકતા ધરાવતા કેટલાક લોકો વિશે જાણીને આપણું માથુ શરમથી ઝૂકી જશે. જે મહિલા વેટરનરી ડૉક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ થયું, તેને બાદમાં સળગાવી દેવામાં આવી હતી. જે ક્ષણોમાં એ તડપી હશે, રડી હશે, ચીસો પાડી હશે અને અંતિમ શ્વાસ લીધા હશે એ દુષ્કર્મની પળોનો વીડિયો જોવા માટે છેલ્લા 48 કલાકમાં લોકો પોર્ન સાઇટ પર સર્ચ કરી રહ્યા છે. આવા નિર્લજ્જ લોકોની સંખ્યા એક-બે નહીં પણ અધધ 80 લાખ છે. વિશ્વની ટોચની 100 પોર્ન સાઇટમાં સામેલ વેબસાઇટનો આ ડેટા છે. આ સાઇટના ટોપ ટ્રેન્ડના સેક્શનમાં હૈદરાબાદની મહિલા વેટરનરી ડૉક્ટરનું નામ સામેલ છે. માત્ર ભારત જ નહીં પણ પાકિસ્તાનમાં પણ હૈદરાબાદની હતભાગી યુવતીનું નામ મોટી સંખ્યામાં સર્ચ કરવામાં આવ્યું હતું. ટ્વિટર પર સીએ મોહમ્મદ સલમાન અન્સારી નામના યૂઝરે પોર્ન સાઇટ પર ટોપ ટ્રેન્ડીગ ટોપિક દર્શાવતો સ્ક્રીન શૉટ શૅર કર્યો હતો, જેમાં ભારત અને પાકિસ્તાનના ટોપ ટ્રેન્ડમાં હૈદરાબાદની વેટરનરી ડૉક્ટરનું નામ પણ સામેલ હતું. ટ્વિટર સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં લોકોએ પોર્ન સાઇટ પર દુષ્કર્મ પીડિત યુવતીનો વીડિયો જોવા માટે સર્ચ કરનારાઓની ટીકા કરી હતી.
યુવતીનું નામ કેવી રીતે જાહેર થયું?
હૈદરાબાદની વેટરનરી ડૉક્ટર યુવતીનો મૃતદેહ સળગેલી હાલતમાં 28 નવેમ્બરના રોજ મળી આવ્યો હતો. બાદમાં યુવતી પર સામુહિક દુષ્કર્મ થયું હોવાનું કન્ફર્મ થયું હતું. જો કે એ પહેલા યુવતી ગુમ થઈ હોવાના અહેવાલો પ્રસારિત થતા તેનું નામ તથા તેની તસવીર માધ્યમોમાં ફરતી થઈ હતી. હૈદરાબાદ પોલીસે યુવતીનું સાચું નામ જાહેર નહીં કરવાની વિનંતી કરતા તેને ‘દિશા’ નામે ઓળખવાની અપીલ કરી હતી.
દુષ્કર્મનું કારણ આવા માનસિક રેપિસ્ટ જ છે
કાલે જ્યારે એક મહિલા સાંસદે દુષ્કર્મીઓના મોબ લિન્ચિંગની તરફેણ કરી તો કેટલાક બુદ્ધિજીવીઓએ કહ્યું કે સભ્ય સમાજમાં આવું ન થવું જોઇએ. કેમ ન થવું જોઇએ? સભ્ય સમાજની ચિંતા કરતા-કરતા આજે શું સ્થિતિ થઇ ગઇ છે એ તો જુઓ. એક મહિલા, જેની સાથે દુષ્કર્મ થયું, જેને સળગાવી દેવાઇ તેના દુષ્કર્મનો વીડિયો લોકો પોર્ન વેબસાઇટ પર શોધી રહ્યા છે, તેઓ ક્યાંથી આવ્યા છે? તેઓ પણ આ સમાજના જ છે. સમાજના આવા કીડાઓને ઓળખવા પડશે. કોઇ બાળકી, મહિલા સાથે ખોટું થાય ત્યારે તમાશો જોનારા આવા માનસિક રેપિસ્ટ જ હોય છે. તેઓ પણ દુષ્કર્મ કરવાવાળા જેટલા જ કસૂરવાર છે. જો આપણે બાળકીઓ, મહિલાઓને સુરક્ષિત કરવી હોય, તેમના મનમાં સુરક્ષાની આશા જગાવવી હોય તો આવા માનસિક દુષ્કર્મીઓને ઠેકાણે પાડવા પડશે. આવા કીટાણુઓને ખતમ કર્યા વિના આપણે દુષ્કર્મ સામેની લડાઇ નહીં જીતી શકીએ.