EXCLUSIVE / ક્લિનિકલ રિસર્ચના નામે માત્ર 15 હજારમાં ગરીબો પર જીવલેણ અખતરા, બાપુનગરના દર્દીનું મોત

on the name of clinical research, poor people is ready of experiment for 15,000, ahmedabad patient dies

  • ઔષધિ સંશોધનના આકરા કાયદાની ઐસી-તૈસી
  • એજન્ટો ગરીબો-મજૂરોને વીણી-વીણીને રિસર્ચ સેન્ટર સુધી પહોંચાડે છે
  • પ્રતિ ટેસ્ટ સબ્જેક્ટને 5-15 હજારનું પેમેન્ટ,એજન્ટો-રિસર્ચ સેન્ટરોનો ધીકતો ધંધો
  • પત્નીએ પતિના મૃત્યુ બદલ લેમ્બડા થેરાપ્યુટિકને નોટિસ મોકલી
     

Divyabhaskar.com

Jul 05, 2019, 11:53 AM IST

ચેતન પૂરોહિત, અમદાવાદઃ કરોડો-અબજો રૂપિયાના ફાર્મા ઉદ્યોગમાં સંશોધનની છેલ્લી પ્રક્રિયા હોય છે હ્યુમન ટેસ્ટ એટલે કે માનવ શરીર પરીક્ષણ. આ માટેના અલગ કાયદાઓ બનેલા છે અને આંતરરાષ્ટ્રીય માપદંડો તેમજ નિયમોનું અનુસરણ ફરજિયાત છે. હંમેશા કોઈ પણ રોગની નવી ઔષધિના પ્રાણીઓ પર પરીક્ષણ સફળ રહે અને કોઈ ઘાતક આડઅસર ન નોંધાય તે પછી માનવ શરીર પર પરીક્ષણ કરાય છે. આ માટે એવા જ સબ્જેક્ટ એટલે કે જેની પર પરીક્ષણ કરવાનું છે તે માણસ જે-તે ઔષધિ જે રોગ માટે બની રહી છે તેનો દર્દી હોવો ફરજિયાત છે. પરંતુ દરવખતે આવા સબ્જેક્ટ મળવાનું શક્ય ન હોવાથી ફાર્મા કંપનીઓ હવે ગરીબ, મજૂર અને બેરોજગાર લોકોને રૂપિયાની લાલચ આપીને મેડિકલ ટેસ્ટ કરાવે છે. આ માટે ફાર્મા કંપનીઓએ એજન્ટો પણ રોકે છે, જેને દરેક સબ્જેક્ટ લાવવા મુજબ કમિશન ચૂકવાય છે.

અમદાવાદના બાપુનગરના મજૂરનું લેમ્બડા થેરાપ્યુટિકમાં પરીક્ષણ બાદ મોત
બાપુનગરના ગાયત્રી મંદિર સામે આવેલા છાપરામાં સુરેશ રાઠોડ અને તેમની પત્ની મધુબેન અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. પરંતુ ડિપ્રેશનની દવાના પરીક્ષણ માટે સુરેશભાઈ લેમ્બડાના ગોતા સ્થિત રિસર્ચ સેન્ટરમાં જતા થયા તે બાદ તેમનું મોત થયું હતું. સુરેશભાઇ થોડા દિવસ પહેલા લેમ્બડામાં એક સ્ટડી માટે ગયા હતા. તેઓ રિસર્ચ પરથી પરત ફર્યાના એક સપ્તાહ બાદ તેમનું મોત થયું હતું. પરિવારને તેમના મોત પાછળ પહેલા કોઇ કારણ દેખાયું નહીં કારણ કે તેમને સુરેશભાઈના લેમ્બડામાં જવા વિશે કોઇ જાણ ન હતી. થોડા દિવસ બાદ મધુબેનને ઘરમાં કેટલાક કાગળો મળ્યા જેમાં તેઓ મેડિકલ સ્ટડીમાં ગયા હોવાની જાણ થઇ હતી. આનાથી તેમને શંકા ગઇ કે તેમના મોત પાછળ આ ક્લિનિકલ પરીક્ષણ અને તેની દવા જવાબદાર છે. મધુબેને તેમના પતિના મોત માટે લેમ્બડાને જવાબદાર ઠેરવતી નોટિસ વકીલ મારફતે લેમડા રિસર્ચ કંપનીને મોકલી હતી.

એજન્ટો માણસો શોધે છે, બે-ત્રણ-પાંચ દિવસના મેડિકલ સ્ટડી માટે 5થી 15 હજારનું પેમેન્ટ
મોટાભાગની ફાર્મા કંપનીઓ માનવ શરીર પર ઔષધિના પરીક્ષણ માટે અમદાવાદ, ગોવા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતની ક્લિનિકલ લેબને સાધે છે. આ લેબના પોતાના એજન્ટો હોય છે જેઓ કમિશન પર બેરોજગાર અને મજબૂર લોકોને બેથી પાંચ દિવસના ઔષધ પરીક્ષણમાં ભાગ લેવા માટે કુલ રૂ. 5થી 15 હજારનું પેમેન્ટ કરવાની લાલચે લઈ આવે છે. જ્યારે આ એજન્ટો અને ફાર્મા કંપનીઓ તેમજ ક્લિનિકલ સ્ટડીની લેબ ધરાવનારાઓ લાખો રૂપિયા કમાય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા આવા એક એજન્ટે કેવી રીતે ક્લિનિકલ સ્ટડીમાં લોકોને ફોસલાવી લઈ જવાય છે અને પછી ત્યાં તેમને કેવી સ્થિતિમાં રખાય છે તે જણાવ્યું હતું. ગાંધીનગર અને એસજી હાઇવે પર કેટલાક સ્થળોએ પણ આ એજન્ટોની ટુકડીઓ સક્રિય હોય છે.

અમદાવાદના પૂર્વમાં લોકો પૈસા માટે ગમેતેવા ટેસ્ટ કરાવવા તૈયાર થઈ જાય છે
પોતાની સાથે આવા 500 લોકો જોડાયેલા હોવાનો દાવો કરતા એક એજન્ટે DivyaBhaskarને જણાવ્યું હતું કે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેટલાય લોકો રૂપિયા માટે ક્લિનિકલ સ્ટડીના નામે ગમે તેવી દવાનો ટેસ્ટ પોતાના શરીર પર કરાવવા તૈયાર થઇ જાય છે. આ એજન્ટે ઉમેર્યું હતું કે, હું 10 વર્ષથી ક્લિનિકલ સ્ટડી માટે આવા સબ્જેક્ટ શોધી લાવવાનો ધંધો કરું છું. અમારી સાથે 500 લોકોનું નેટવર્ક છે. એકથી પાંચ દિવસના સ્ટડી માટે અમે કોઇને મોકલીએ તો પ્રતિ સબ્જેક્ટ અમને રૂ. 500 મળે છે. અમદાવાદના એસજી હાઇવે પરના સેન્ટરમાં અમારે સબ્જેક્ટ મોકલવાના હોય છે. ત્યારબાદ સબ્જેક્ટ એટલે જેની પર પરીક્ષણ થવાનું છે તેનું ઓળખપત્ર ત્યાં જમા કરાવવું પડે છે. ત્યાં તેમના લોહી અને પેશાબના પરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ સિલેક્ટ થાય ત્યારે તેમને ત્યાંનું ઓળખપત્ર આપવામાં આવે છે.

દવાના દરેક ડોઝ બાદ લોહી અને પેશાબના નમૂના લઈ તપાસ કરાય છે
ક્લિનિકલ સેન્ટરમાં ગયા બાદ સબ્જેક્ટને ત્યાંનો ડ્રેસ અપાય છે અને તેમનો ફોન લઇ લેવાય છે. ત્યારબાદ તેમના લોહી અને પેશાબના નમૂના લઈને તેની તપાસ કરવામાં આવે છે. ત્યાં તેમને એસી રૂમમાં રાખીને હોટલમાં મળતી હોય તેવી સુવિધા આપવામાં આવે છે. પછી તેમને પરીક્ષણ હેઠળની ઔષધિ આપવામાં આવે છે જેની સમયાંતરે લોહી અને પેશાબની તપાસની સાથે ઇસીજી અને ચેસ્ટ એક્સ-રે પણ કરવામાં આવે છે. સ્ટડી પૂરો થાય એટલે તુરંત તેમને રુપિયા ચૂકવી દેવામાં આવે છે. આવા મેડિકલ સ્ટડીમાં જતા પહેલાં સબ્જેક્ટ પાસે એક ફોર્મ ભરાવવામાં આવે છે જેમાં તેમની સહી લેવાય છે. બીજીતરફ કેટલાય લોકો ઘરમાં રુપિયાની જરૂરિયાત માટે આમાં જતા હોય છે અને પોતાની ઓળખ છુપાવી રાખતા હોવાથી આવા રેકેટ સીધા સામે આવતા નથી.

સુરેશભાઈના મૃત્યુ બાદ ઘરમાંથી કાગળ મળતા ખબર પડી કે તે ટેસ્ટમાં જોડાયા હતા
આવા જ એક ટેસ્ટ કરાવવા તૈયાર થયેલા સુરેશભાઈ રાઠોડ નામના શ્રમજીવીનું મૃત્યુ થતાં નવો વિવાદ થયો છે. બાપુનગરના ગાયત્રી મંદિર સામે છાપરામાં એક ઓરડીમાં સુરેશભાઇ, તેમની પત્ની મધુબેન અને ત્રણ બાળકો રહેતા હતા. અચાનક એક દિવસ સુરેશભાઈની તબિયત લથડી અને પરિવારના મોભીનું મૃત્યુ થયું. સુરેશભાઇ તેમના મૃત્યુના થોડા દિવસ પહેલા લેમ્બડા રિસર્ચના એક સ્ટડી માટે ગયા હતા. તેઓ રિસર્ચ પરથી પરત ફર્યાના એક સપ્તાહ બાદ તેમનું મોત થયું હતું. પરિવારને તેમના મોત પાછળ પહેલા કોઇ કારણ દેખાયું નહીં કારણ કે તેમને આ વિશે કોઇ જાણ ન હતી. થોડા દિવસ બાદ મધુબેનને ઘરમાં કેટલાક કાગળો મળ્યા જેમાં સુરેશભાઈ મેડિકલ સ્ટડીમાં ગયા હતા તેની જાણ થઇ હતી. તેમને શંકા ગઇ કે તેમના મોત પાછળ આ ક્લિનિકલ પરીક્ષણ જવાબદાર છે. મધુબેને આનાપગલે તેમના પતિના મોત માટે વકીલ મારફતે લેમ્બડા રિસર્ચ કંપનીને નોટિસ મોકલી છે.

મારા પતિના મેડીકલ સ્ટડીમાં ભાગ લેવાની જાણ તેમના મૃત્યુ બાદ થઇઃ મઘુબેન
હું મારા પતિ સુરેશભાઈ રાઠોડ અને ત્રણ બાળકો જેમ તેમ કરીને અમારું ગુજરાન ચલાવતા હતા. તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તેમના મૃત્યુ બાદ અમને તેમના કેટલાક કાગળો મળી આવ્યા હતા, જેનાથી અમને ખબર પડી કે તેઓ લેમ્બડા રિસર્ચમાં સ્ટડી માટે ગયા હતા. તેઓ ગયા ત્યારે એકદમ સ્વસ્થ હતા. તેમના સ્ટડીના કાગળોમાં પણ તેનો ઉલ્લેખ છે. પરંતુ તેમના આવ્યાના એક અઠવાડિયામાં તેમનું મોત થયું તે ઘણું ચોંકાવનારુ છે. મને લાગે છે કે તેમનું મોત આ દવાના પરીક્ષણના કારણે જ થયું છે. હું હાલ ભાડાનાં મકાનમાં રહું છું. મારી દિકરી રોજમદાર તરીકે કામ કરે છે જ્યારે હું રસોડા કરવા જાઉં છું. મારો એક દિકરો ભણે છે. અમારી પાસે મારા પતિના સહારા સિવાય કશું ન હતું અને ક્લિનિકલ રિસર્ચમાં તેમનું મોત થતાં અમે બેસહારા થઈ ગયા છીએ.

આ મામલે DivyaBhaskarએ લેમ્બડા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડૉ. કેતન મોદી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમને એક નોટિસ મળી હતી જેનો અમે લિગલ રિપ્લાય પણ કર્યો છે. મૃતક સુરેશભાઈ જ્યાં સુધી અમારે ત્યાં સબજેક્ટ તરીકે હતા, તે એકદમ સ્વસ્થ હતા. તેમનો લેબ રિપોર્ટ પણ અમારી પાસે છે જે નોર્મલ હતા, સબજેક્ટનુ મોત તેમના ઘરે થયું છે. અમારી સુવિધામાં કાંઇ થાય તો અમે તેમને હોસ્પિટલ લઇ જઇ સારવાર કરાવીએ છીએ. આ કેસમાં સબજેક્ટ અમારે ત્યાં હતા ત્યાં સુધી તેમને કોઇ તકલીફ ન હતી. સામાન્ય રીતે 48થી 50 સબ્જેક્ટ એટલે કે દર્દી સ્ટડીમાં હોય છે. આ સ્ટડી ડ્રગ કંટ્રોલર જનરલ ઇન્ડિયાના એપ્રૂવલમાં થાય છે. એવું નથી કે અહીં કોઇ બેદરકારી દાખવવામાં આવી હોય. અમે આ સંદર્ભે મળેલી લીગલ નોટીસનો રિપ્લાય પણ કર્યો છે. તેમને કદાચ ડિપ્રેશનની દવા આપવામાં આવી હતી.

લેમ્બડાનો જવાબ અયોગ્ય, અમે કાયદાકીય કાર્યવાહી કરીશુઃ રમેશભાઇ વકીલ
આ અંગે મધુબેનના વકીલ અને તેમના વતી લેમ્બડાને નોટિસ મોકલનારા એડવોકેટ રમેશભાઈએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, તેમના અસીલના પતિ સુરેશભાઇ લેમ્બડામાં પરિક્ષણમાં ગયા ત્યારે એકદમ સ્વસ્થ્ય હતા તેવી બાબતનો ઉલ્લેખ તેમની પાસેથી મળેલા કાગળોમાં છે. અમે આ સંદર્ભે લેમ્બડા રિસર્ચ કંપનીને નોટિસ મોકલી છે અને દવાના પરીક્ષણના કારણે તેમનુ મોત થયું હોવાની વાત આ નોટીસમાં કરી છે. પરંતુ અમને યોગ્ય જવાબ ન મળતા હવે અમે આગળની કાર્યવાહી કરવાના છીએ. ઉલ્લેખનીય છે કે, આ નોટીસમાં લેમ્બડા કંપની પાસેથી રૂ. 25 લાખના વળતરની માગણી કરવામાં આવી છે.

X
on the name of clinical research, poor people is ready of experiment for 15,000, ahmedabad patient dies
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી