ખાનદાની / વીજ કરંટથી હાથ-પગ ગુમાવનારી યુવતીની ખડેપગે સેવા કરતો મંગેતર, તેની સાથે જ લગ્ન કરી જીવનભર સાથ આપશે

youth give his support for life time his fiancee who lost hands and feet with electrical currents

  • જામનગર જિલ્લાના યુવક-યુવતીની અનોખી પ્રેમકહાણી, સપ્તપદીના વચનો પહેલાં પાળ્યા, ફેરા હવે ફરશે
  • હીરલના હાથ પર વીજ તાર પડતા દાઝી જતાં હાથ-પગ કાપવા પડ્યાં, છતાં યુવકનો પરિવાર સ્વીકારવા તૈયાર
  • લગ્નનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા ચિરાગે કહ્યું, 'શું લગ્ન પછી આવું થયું હોત તો હું હીરલને છોડી દેત?'

Divyabhaskar.com

Jun 14, 2019, 09:28 PM IST

અનિરુદ્ધસિંહ મકવાણા, અમદાવાદ: કહેવાય છે કે સપ્તપદીના ફેરા ફરે એટલે યુગલ સાત જન્મના બંધને બંધાઈ જાય છે. પછી જીવનમાં જે પણ તડકા-છાંયા, સુખ-દુઃખ આવે તેમાં એકબીજાનો સાથ આપવાનો કોલ પૂરો કરે છે. પરંતુ અહીં વાત જરાક અલગ છે અને કોઈ પણ સાંભળે તો એમ જ કહેશે કે આવું તો ફિલ્મોમાં બને, વાસ્તવિક જીવનમાં નહીં. રિલ લાઈફની ભલભલી ઈમોશનલ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી રિયલ લાઈફ સ્ટોરી તો જામનગરનો ચિરાગ અને હીરલ જીવવા જઈ રહ્યા છે. આ બંનેની કહાણીની ખૂબી જ એ છે કે, તેઓ જીવનના તડકા-છાંયાને પહેલા જીવી રહ્યા છે અને સપ્તપદીના ફેરા હવે ફરવા જઈ રહ્યા છે.

જામનગર જિલ્લાના ડબાસણ ગામમાં 18 વર્ષીય હીરલ તનસુખભાઈ વડગામા રહે છે. હીરલની સગાઈ ગત 28 માર્ચના રોજ જામનગરના ચિરાગ ભાડેશિયા (ગજ્જર) સાથે થઈ હતી. ઉનાળાના વેકેશનમાં લગ્ન લેવાનું નિર્ધારિત થયું હતું પરંતુ ભાગ્યને કાંઈ ઓર જ મંજૂર હતું. ગત 11 મેના રોજ બપોરે હીરલે પોતાના ઘરે કચરા-પોતું કર્યું હતું. ભીનું પોતું સૂકવવા હીરલ બારીમાં ગઈ અને સૂકવવા હાથ બહાર કાઢ્યો ત્યારે અચાનક જ મોટો હાઈટેન્શન વાયર તૂટી અને હીરલના હાથ પર પડ્યો હતો. અચાનક આવી પડેલી આ આફતમાં હીરલનો હાથ ત્યાંને ત્યાં જ બળી ગયો અને પગમાં પણ કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી હતી.

તાત્કાલિક સારવાર માટે ઘરના હીરલને જામનગર જી.જી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેની સારવાર તો શરૂ થઈ પરંતુ હીરલના પરિવારને લાગ્યું કે હોસ્પિટલવાળા તેમને અંધારામાં રાખી રહ્યા છે. જી જી હોસ્પિટલમાં કોઈપણ રિપોર્ટ કરાવતા હતા ત્યારે રિપોર્ટ સારો જ છે બધું સરસ થઈ જશે તેવું કહેતા હતા. પરંતુ ચારેક દિવસ બાદ હોસ્પિટલ તંત્રએ હાથ અદ્ધર કરી દીધા હતા અને હીરલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનું કહી દીધું હતુ. જેથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે એવું કહ્યું કે, હીરલનો જમણો હાથ અને બન્ને પગ ઢીંચણ સુધી કાપવા પડશે. તેને બનાવના 48 કલાકમાં જ અમદાવાદ લાવ્યા હોત તો આ સ્થિતિ ન આવી હોત, એમ હીરલના મંગેતર ચિરાગે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

હીરલને એક હાથ અને બે પગ ગુમાવવો પડ્યો તેમાં તેના માતા-પિતાના માથે તો જાણે આભ તૂટી પડ્યું. જવાનજોધ દીકરીની સગાઈ થઈ ગઈ અને હવે આવી આફત આવી પડી. આખી જિંદગી જેની સેવા-ચાકરી કરવી પડે તેવી છોકરી સાથે તેનો ભાવિ ભરથાર સંસારમાં ડગ માંડશે કે કેમ તે પ્રશ્ન થઈ ગયો હતો. પરંતુ આ આખી દુર્ઘટનામાં ખરી ખાનદાની કોઈએ દાખવી હોય તો તે હીરલનો મંગેતર ચિરાગ અને તેના માતા-પિતા હતા. ચિરાગે અહીં આવી હીરલની આ સ્થિતિ જોયા પછી એક પળનોય વિચાર કર્યા વિના કહી દીધું કે, હું જ હીરલનો આજીવન સાથ આપીશ. હીરલના માતા-પિતાએ તેની સ્થિતિ વર્ણવી તો તેણે કહ્યું કે, અમારા લગ્ન થઈ ગયા હોત અને મારા ઘરે જ આ ઘટના બની હોત તો શું હું હીરલને તરછોડી દેવાનો હતો? મારી જવાબદારી ત્યારે હોય તો અત્યારે પણ બને જ છે. હું તેનો આખી જિંદગી સાથ આપીશ.

હીરલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને ત્રણ કે ચાર દિવસ સુધી કઈ ભાન જ ન હતું. ભાનમાં આવ્યા બાદ અને હાથ પગ કાપવા અંગેની વાતચીત બાદ પણ ચિરાગે મને જિંદગીભર સાથ આપવા કહ્યું છે. અહીં આવ્યા બાદ ચિરાગ મારાથી એક પળ માટે પણ દૂર નથી થયો. છેલ્લા એકાદ મહિનાથી હોસ્પિટલની સામે જ રૂમ ભાડે રાખી ચિરાગ રહે છે અને સતત મારું ધ્યાન રાખે છે. ચિરાગના માતા-પિતા પણ આ સ્થિતિમાં મારો સ્વીકાર કરવા તૈયાર છે. અને તમામ પરિવાર છેલ્લા એક મહિનાથી હીરલની ખડેપગે સેવા કરી રહ્યો છે.

હિરલ સાથે બનેલી ઘટના અંગે સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. જેમાં અમદાવાદમાં રહેતા વિરલ ગજ્જરના ધ્યાને આ ઘટના આવતા તેઓ પોતાના મોટાભાઈ સાથે સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને હીરલ તેમજ ચિરાગને દરેક રીતની મદદ કરી હતી. હિરલ અને ચિરાગની આ કહાણી આજે સોશિયલ મીડિયામાં પણ છવાઈ ગઈ છે. વોટ્સએપ હોય, ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ દરેક જગ્યાએ ચિરાગ અને હીરલની રિયલ લાઈફમાં બનેલી કહાણીને 'વિવાહ' ફિલ્મની રિલ લાઈફની કહાની સાથે જોડી ચિરાગ અને તેના પરિવારના આ ઉત્તમ પગલાંને બિરદાવી રહ્યા છે.

X
youth give his support for life time his fiancee who lost hands and feet with electrical currents

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી