ભાસ્કર રિપોર્ટ / ખાડા કે ખાયકી, અમદાવાદના ખખડધજ માર્ગોનો ‘એક્સ-રે’, 51 ફૂટ લાંબા, દોઢ ફૂટ ઉંડા, 22 ફૂટ પહોળા ખાડા

  • DivyaBhaskarએ મેજરમેન્ટ ટેપથી ખાડાની સાઈઝ માપી, આ ખાડાનું નહીં તંત્રનું મેજરમેન્ટ 
  • એસ.જી. હાઈવે,એસ.પી.રીંગ રોડ અને તેના સર્વિસ રોડ પર એક ફૂટથી વધુ ઉંડા ખાડા
  • શહેરીજનોનું જે થવું હોય તે થાય કોર્પોરેશન-ઔડાના મતે શહેરનું માત્ર ફુલ ગુલાબી ચિત્ર

Divyabhaskar.com

Sep 13, 2019, 03:49 PM IST

ચેતન પુરોહિત, દીપક ભાટી, અમદાવાદ: શહેરમાં સિઝનનો હજુ સામાન્ય વરસાદ જ પડ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના કનેક્ટિવિટી ગણાતા વિસ્તારો અને માર્ગો પર 10થી 20 ફૂટ જેટલા પહોળા ખાડા હોવાનો ઘટસ્ફોટ DivyaBhaskarના ગ્રાઉન્ડ રિપોર્ટમાં થયો છે. આ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન DivyaBhaskarએ મેજરમેન્ટ ટેપથી ખાડાની સાઈઝ માપી હતી.

આ ખાડાઓનું મેજરમેન્ટ કરતા તેની લંબાઈ અને ઉંડાઈ જાણીને તમે ચોંકી ઉઠશો. આ પ્રકારની હાલત એસ.જી.હાઇવે પર આવેલી પટેલ ટ્રાવેલ્સની સામેના સર્વિસ રોડ, ઇસ્કોન બ્રિજના છેડે રાજપથ ક્લબ પાસે તેમજ એસ.પી.રિંગ રોડ પર આવેલા વકીલ સાહેબ બ્રિજની નીચે જોવા મળી છે.આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં તમામ ખાડાઓનુ મેજરમેન્ટમાં ચોંકાવનારી વિગતો તંત્રના ધ્યાને લાવવા માટે છે.

ત્રણ મીટરની મેજરટેપનો બે વખત ઉપયોગ કરવો પડ્યો
DivyaBhaskarએ મકરબા ફાટકથી ખાડાઓની સ્થિતિ જાણવાની શરૂઆત કરવામાં આવી હતી. ખાડાની સાઇઝ માપતા ત્રણ મીટરની મેજરટેપનો બે વખત ઉપયોગ કરવો પડયો હતો. જેના પરથી અમદાવાદીઓને પડી રહેલી હાલાકી અને તંત્રની ઘોર બેદરકારીની ચાડી ખાય છે. આ ખાડામાંથી જ બસ કાર અને સ્કૂલ વાન પસાર થાય છે અને શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ શહેરીજનો ખખડધજ રસ્તાઓને કારણે હેરાન પરેશાન છે તો બીજી તરફ કહેવાતા લોકપ્રતિનિધિ અને સરકારી બાબુઓ એસી ચેમ્બરમાં સબ સલામતના દાવા કરીને આંખ આડા કાન કરી રહ્યા છે.

વરસાદમાં શહેરીજનોની હાલત વધુ બદતર બને છે
મકરબા ફાટક પાસે સાડા પાંચ ફૂટ પહોળો અને 10 ફૂટ લાંબો ખાડો જોવા મળ્યો હતો. તેનાથી 5 મીટરના અંતરે બીજા ખાડાની લંબાઈ સાડા પાંચ ફૂટ અને 8 ઇંચ ઉંડાઇ વાળો ખાડો જોવા મળ્યો હતો.વેજલપુર ફાટક ઔડાના મકાન પાસે-મકરબાથી વેજલપુર ફાટક તરફ આવતા ઔડાના મકાન પાસે સાડા ત્રણ ફૂટ પહોળો અને 6 ફૂટ લાંબો ખાડો અને સાત ઇંચ ઉંડો ખાડો જોવા મળ્યો હતો. જ્યારે મકરબાથી આનંદનગર રોડ પર-20 ફૂટ લાંબો ખાડો હતો જેને માપવા માટે મેજરમેન્ટ ટેપનો બે વખત ઉપયોગ કરવો પડ્યો હતો. માત્ર એટલું જ નહીં ચાલુ વરસાદે તો અહીંથી હાલત વધુ બદતર બની જાય છે.

કેટલાય ટુ વ્હિલર ચાલકો પડતા જોવા મળ્યા
એસ.જી.હાઇવે પર આવેલા પટેલ ટ્રાવેલ્સ પ્રહલાદનગર પાસેના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ખાડાની સ્થિતિ એવી છે કે કોઇ ગર્ભવતી મહિલા ટુ વ્હિલર લઇને જાય અને ખાડમાં પટકાય તો નિશ્ચિત મિસકેરેજ થઈ જાય. અહીં 22 ફૂટ પહોળો અને 50 ફૂટ લાંબો ખાડો છે,આ ખાડાની ઉંડાઈ 1 ફૂટ 3 ઈંચ છે. જેમાં કેટલાય ટુ વ્હિલર ચાલકો પડી જાય છે, જે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.

ઈસ્કોન બ્રિજ પાસે 10થી 12 ખાડા
ઈસ્કોન ઓવર બ્રિજ પાસે-સરખેજથી ગાંધીનગર તરફ જતા ઇસ્કોન બ્રિજ પાસે 10થી 12 ખાડા છે, જેની સરેરાશ લંબાઈ 3 ફૂટ અને ઉંડાઈ 6 ઇંચ જેટલી છે જેમાંથી ફુલ સ્પિડથી વાહનો પસાર થાય છે. જ્યારે કર્ણાવતી ક્લબ પાસેનો સર્વિસ રોડ પણ બિસ્માર હાલતમાં છે. ઈસ્કોન મોલ પાસે રાજપથ ક્લબ નજીક સર્વિસ રોડ અને એસ.જી. હાઇવે પર 7 ફુટ પહોળો ખાડો છે અને તેની લંબાઇ 4 ફૂટ છે અહિં સૌથી વધુ વાહન સ્લીપ થવાની સંભાવના રહેલી છે.

વકીલ સાહેબ બ્રિજની નીચે 30 ફૂટ લાંબો અને 14 ફૂટ પહોળો ખાડો
રાજપથ ક્લબની બહાર એસ.જી.હાઇવે-રાજપથ ક્લબની બહાર એસ.જી.હાઇવે પર 5 ફૂટ ચાર ઇંચનો ખાડો છે, જ્યાંથી લોકોને ના છુટકે પસાર થવુ પડે છે.બોપલ વકીલ સાહેબ બ્રિજની નીચે-બોપલ બ્રિજ નીચેથી રોજના સરેરાશ 3 હજાર વાહનો પસાર થાય છે. ઇસ્કોનથી બોપલ જતા વકીલ સાહેબ બ્રિજની નીચે 30 ફૂટ લાંબો અને 14 ફૂટ પહોળો ખાડો છે. જ્યાંની સ્થિતિ વરસાદમાં ખૂબ જ કપરી થઇ જાય છે. અહીંથી ઘણી વખત વીવીઆઇપીઓ પણ પસાર થાય છે, પરંતુ તેઓ પણ આ ખાડને નજર અંદાજ કરે છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી