પરિપત્ર  / મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓને કલમ 370 દૂર કરવાના ફાયદા સમજાવવા સ્કૂલોને સૂચના

નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

  • જિલ્લા શિક્ષણાધિકારીનો પરિપત્ર, નિષ્ણાતો પાસે સ્પીચ તેમજ ક્વિઝ યોજવા કહેવાયું

Divyabhaskar.com

Sep 13, 2019, 02:14 AM IST

અમદાવાદ: જિલ્લા શિક્ષણાધિકારીએ અમદાવાદની દરેક સ્કૂલોને પરિપત્ર કરીને સૂચના આપી છે કે 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સ્કૂલની પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓને કલમ-370 અને 35-એ વિશે માહિતી આપવી. કાશ્મીરમાં કલમ- 370 અને 35-એની કલમ હટાવાયા પછી વિદ્યાર્થીઓ પણ આ કલમ વિશે જાગૃત થાય તે માટે પ્રાર્થના સભામાં વિષય નિષ્ણાતની સ્પીચ અથવા ક્વિઝ, નિબંધ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિનું આયોજન કરવા જણાવ્યું છે.

માહિતી વિદ્યાર્થીઓને અપાશે
કાશ્મીરમાંથી કલમ-370 અને 35 - એને હટાવ્યા બાદ ભારતના રાજ્યોની સંખ્યા અને કેન્દ્રશાસિત રાજ્યોની સંખ્યામાં પણ ફેરફાર થયો છે. જેની માહિતી પણ વિદ્યાર્થીઓને અપાશે. ઉપરાંત રદ કરાયેલી કલમથી રાજ્યને શું ફાયદો થશે અને કલમમાં કેવા પ્રકારના નિયમોનો સમાવેશ થતો હતો તેની માહિતી વિદ્યાર્થીઓને અપાશે.

સામાજિક વિજ્ઞાનના અભ્યાસને સ્પર્શતી શૈક્ષણિક બાબત
ડીઇઓ કરેલા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, ભારતીય સંસદ દ્વારા સરાહનીય અને લોકાભિમુખ પગલાને સમગ્ર દેશની જનતાનો અભૂતપૂર્વ આવકાર મળેલ છે. આ બાબત સામાજિક વિજ્ઞાનના અભ્યાસને સ્પર્શતી શૈક્ષણિક બાબત છે. 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના જન્મ દિવસે સામાજિક વિજ્ઞાન મંડળના અનુક્રમે શાળાની પ્રાર્થના સભામાં કલમ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવી.

સ્કૂલોએ કાર્યક્રમના ફોટા પાડી મોકલવા પડશે
સરકારના દરેક કાર્યક્રમોની માફક આ કાર્યક્રમની માહિતી પણ સ્કૂલો પાસેથી મંગાવી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દરેક સ્કૂલોએ 17 સપ્ટેમ્બરે કરેલા કાર્યક્રમનો અહેવાલ ફોટોગ્રાફ્સ સાથે ડીઇઓ કચેરીએ મંગાવ્યો છે. કાર્યક્રમના બીજા દિવસે રિપોર્ટ કરવાની સૂચના અાપી છે.

બાળકોને સાચી માહિતીનો હેતુ
ડીઇઓ ઓફિસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્કૂલોમાં સામાજિક વિજ્ઞાનની કમિટી દ્વારા આ માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાશે. સમગ્ર દેશમાં જ્યારે કલમ-370 અને 35-એની ચર્ચા થઇ રહી છે ત્યારે બાળકો પણ આ કલમ વિશે માહિતી મેળવે તે જરૂરી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના બાળકો 13 વર્ષથી વધુ ઉંમરના હોય છે. તેથી જો તેમના મનમાં કોઇ ખોટી માન્યતા હોય તો તે દૂર થાય તે પણ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે.

X
નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીરનરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી