અમદાવાદ / યુવાનના 100 ટુકડા કરનાર હત્યારાને સાથે રાખી પોલીસે કેનાલમાં શોધખોળ આદરી, કેટલાક ટુકડા મળ્યા

  • પોતાની સોપારી આપી હોવાની અને હિસાબ મામલે ભાગીદારે યુવાનની હત્યા કરી 100 ટુકડા કર્યા હતા
  • 100 ટુકડા કરીને બે થેલીમાં હાથ અને માથું સિવાયના અંગોને અસલાલી- હાથીજણ પાસે ફેંક્યા હતા

Divyabhaskar.com

Nov 10, 2019, 06:13 PM IST
અમદાવાદ: ગોમતીપુરના યુવાનની ભાગીદારે હત્યા કરી તેના શરીરના 100 ટુકડાઓ કરીને પ્લાસ્ટિકની થેલીમાં અસલાલી પાસે ફેંકી દીધા હતા. હત્યારાએ મૃતક યુવાનના માથા અને હાથ સહિતના અન્ય અંગો મણીનગર પાસે પસાર થતી કેનાલમાં ફેંક્યા હતા. જેમાંથી કેટલાક અંગો શોધવા પોલીસે આરોપીને સાથે રાખીને ન્યૂ મણીનગર પાસે કેનાલમાં શોધખોળ કરતા કેટલાક ટૂકડા હાથ લાગ્યા હતા.
હિસાબ અને સોપારી મામલે ભાગીદારે યુવાનની હત્યા કરી
અસલાલી- હાથીજણ રોડ પર બે પ્લાસ્ટિકની થેલીમાં માથા વગરની કટકા કરેલી લાશ મળવાના ગુનામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક યુવકની ગઈકાલે ધરપકડ કરી હતી. ગોમતીપુરના યુવક અને તેના ભાગીદાર વચ્ચે ધંધામાં ભાગીદારીના હિસાબ અને મૃતકે ભાગીદારની હત્યા માટે સોપારી આપી હોવાની શંકાને લઇ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યારાએ ત્રણ કલાક સુધી કાપડ કાપવાના કટરથી લાશના કટકા કરીને બે કોથળીમાં પેક ભરી દીધા હતા અને અસલાલી રિંગ રોડ પર ફેંકી દીધા હતા. પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
બે થેલીમાં લાશના ટૂકડા મળ્યા હતા
ગયા રવિવારે એસપી રિંગ રોડ પર હાથીજણ તરફ સર્વિસ રોડ પર ચાની કિટલી નજીક બે પ્લાસ્ટિકની થેલીમાં અત્યત દૂર્ગંધ મારતી હતી. ચાની કિટલી ધરાવતા વ્યકિતએ તરતજ પોલીસને જાણ કરી હતી. અસલાલી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે પ્લાસ્ટિકની થેલી ખોલીને તપાસ કરતા તેમાં માથા વગરની અને ટુકડા કરેલી લાશ મળી હતી. અત્યંત ક્રૂર હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા અસલાલી પોલીસ, એલસીબી, એસઓજીની ટીમોએ ઘટના સ્થળથી આસપાસના સીસીટીવી ફૂટેજ અને લાશની ઓળખ શરૂ કરી હતી.
અસલાલી પોલીસનો ગોમતીપુરના ગુમ યુવાનના પરિવારે સંપર્ક કર્યો
ગોમતીપુરનો સાકીર શેખ નામનો યુવક કેટલાક દિવસથી ગુમ થયો હોવાથી તેના પરિવારે અસલાલી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેમના DNA ટેસ્ટ માટે FSLમાં મોકલ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ નજીક શ્યામ આઇકોન બિલ્ડીંગના, રોડ પરના તેમજ આસપાસના સીસીટીવી ફુટેજ પોલીસે તપાસ કર્યા હતા. જેમાં એક શંકાસ્પદ એક્ટીવા અને રીક્ષા ઘટના સ્થળ નજીક દેખાયા હતા. અસલાલીથી ઇસનપુર સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા જેમાં ઇસનપુર સર્કલ પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજમાં રીક્ષાચાલક અને એક્ટિવા ચાલક જતો હોવાનું સામે આવ્યુ હતું.
હત્યા બાદ આરોપી યુપી ગયો અમદાવાદ આવતા પોલીસે દબોચ્યો
પોલીસે રીક્ષા નંબરના આધારે પોલીસે રીક્ષાચાલકની અટકાયત કરી હતી. પુછપરછ કરતા ગોમતીપુરના મોહંમદ મતબુલ શેખ નામના યુવકે 300 રૂપિયા આપી બે પ્લાસ્ટિકની થેલી અસલાલી સુધી લાવવા આપ્યા હતા. પોલીસે આરોપીની કડી મળી જતા તેને ઝડપવા ઘરે પહોંચી હતી પરંતુ ઘરે મળી આવ્યો ન હતો.મતબુલ ઉતરપ્રદેશ જતો રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મતબુલને પકડવા માટે એક ટીમ યુપી રવાના કરી હતી. ઉત્તરપ્રદેશ પહોંચેલી અસલાલી પોલીસને જાણ થઇ કે મતબુલ પ્લેન મારફતે અમદાવાદ આવી રહ્યો છે. મતબુલ અમદાવાદ આવ્યો ત્યારે અસલાલી પોલીસે તેની ધરપકડ કરીને આકરી પુછપરછ કરી હતી જ્યાં તેણે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
મૃતક અને હત્યારો બંને ઉત્તર પ્રદેશના
ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી. કામરિયાએ જણાવ્યું હતું કે, આરોપી મોહંમદ મતબુલ અને સાકીર બન્ને મૂળ ઉત્તરપ્રદેશના છે અને 7 વર્ષથી ગોમતીપુરમાં રહે છે અને કાપડનો ધંધો જોડે ભાગીદારીમાં કરતા હતા.મતબુલે 10 લાખ ધંધામાં રોક્યા હતા પરંતુ સાકીરે તેનો ધંધો પડાવી લીધો હતો. કોઈ હિસાબ સાકીર આપતો ન હતો. મતબુલના એક મિત્રએ તેને જણાવ્યું હતું કે, સાકીર તારી હત્યા કરવાની સોપારી આપવા માટે ફરી રહ્યો છે અને તારો ફોટોગ્રાફ્સ એક વ્યકિત પાસે પણ જોયો છે. દરમિયાનમાં મતબૂલના ઘરે કોઈ ન હોવાથી 2 નવેમ્બરે રાતે સાકીરને તે ઘરે લઇ ગયો હતો. નજીકની કિટલી પર ચા લેવા મતબુલ ગયો ત્યારે સાકીરના મોબાઇલ પર ફોન વાત કરી રહ્યો હતો. મતબુલ ચા લઇ દરવાજે પહોંચ્યો ત્યારે સાકીરના મોંઢે તેને સાંભળ્યું હતું કે તે હજુ કેમ જીવે છે. મતબુલને વિશ્વાસ આવી ગયો હતો કે મારી હત્યા માટે સાકીરે સોપારી આપી છે. ત્યાં જ મતબુલે તેજ સમયે સાકીરની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.
રાતના 8થી 11 વાગ્યા સુધી કટકા કર્યા
મતબુલે રાત્રે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી કાપડ કાપવાના કટરથી સાકીરના કટકા કર્યા હતા અને તેને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધી હતી. જમીન પર પડેલા લોહીના ડાધને સાફ કરવા માટે ફિનાઇલથી આખું ઘર ધોઇ નાંખ્યુ હતું. રાત્રે આઠ વાગે સાકીરની હત્યા થઇ અને ત્યારબાદ રાત્રે ત્રણ વાગ્યા મતબુલ તેને ફેંકવા માટે અસલાલી ગયો હતો. માથું અને હાથના ભાગ કેનાલમાં ફેંકી દીધી હતી. કેનાલમાં ફેંકાયેલા અવશેષો પોલીસ શોધી રહી છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી