હાલાકી / નવા ટ્રાફિક નિયમે નોટબંધીની યાદ અપાવી, 2016માં બેન્કોની બહાર 2019માં PUC સેન્ટરે લોકો લાઈનમાં ઉભા રહ્યાં

New traffic rules reminded demonetization , vehicle owner stay in row at PUC Centers

  • નોટબંધી વખતે બેંકો બહાર સ્થિતી હતી એવી હાલ PUC સેન્ટરો બહારઃ મહેસાણાના રહેવાસી
  • PUC કઢાવવાની ટકાવારી 40થી 50%વધી

Divyabhaskar.com

Sep 13, 2019, 01:55 PM IST

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં નવા ટ્રાફિક નિયમો જાહેર કર્યા છે. જેનું કડકપણે અમલ કરવામાં આવી રહ્યું છે. નવા નિયમ પ્રમાણે આરસી બુક, ડ્રાઈવિંગ લાયસન્સ અને PUC સહિતના ડોક્યુમેન્ટ સાથે રાખવા ફરજિયાત છે, જો આમાંથી એકપણ ડોક્યુમેન્ટ નહીં હોય તો નિયમ તોડવા બદલ ભારે ભરખમ દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સરકારે તેમાંથી રાહત તો આપી છે પરંતુ નવી દંડની રકમ પણ સામાન્ય જનતાના ખિસ્સાને ભારે પડી શકે તેવી છે. જેને લઇને રાજ્યભરમાં એચએસઆરપી નંબર પ્લેટથી લઇને હેલમેટ અને પીએયુસી સેન્ટર પાસે ચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. 2019માં નવા ટ્રાફિક નિયમોના કારણે લોકોમાં જે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે, તે 2016માં મોદી સરકારે જાહેર કરેલી નોટબંધીની યાદ અપાવે છે. એ સમયે પણ 500 અને 1000ની નોટો બંધ કરવામાં આવતા બેન્કમાં લાંબી કતારો જોવા મળી હતી.

PUCએ લોકોને લાઇનમાં ઉભા રાખ્યા
ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર કચ્છમાં નાના શહેરોથી લઇને મેગા સિટીમાં પણ PUC સેન્ટરો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. એક તરફ જ્યાં PUC મેળવવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે અનેક સ્થળો પર 20 રૂપિયાની PUCના 50 રૂપિયા સુધીના ભાવો લેવામાં આવી રહ્યાં છે.

મહેસાણા જિલ્લામાં PUC સેન્ટરો પર લાંબી લાઈનો લાગી
જિલ્લામાં મહેસાણા,નાગલપુરમાં પાંચ, કડી, ઊંઝા અને વિસનગરમાં બે-બે, વિજાપુર, જોટાણા, ગોઝારીયા અને સતલાસાણામાં એક - એક મળી કુલ 16 જગ્યાએ વાહનને PUC કાઢી આપવાના માન્ય સેન્ટર છે. વાહનને PUC કરાવવા માટે સેન્ટરોમાં સવારે 8 વાગ્યાથી લાઈનો લાગવા માંડી છે. લાંબી લાઈનોને લઇને વાહન ચાલકોનું કહેવું છેકે આટલા સેન્ટરો ન ચાલે, લોકોની સુવિધા માટે સેન્ટરોમાં વધારો કરવામાં આવવો જોઇએ. સરસ્વતી સોસાયટીના નરેશભાઇ પટેલે કહ્યુ કે નોટબંધી વખતે બેંકો બહાર સ્થિતી હતી એવી હાલ PUC સેન્ટરોમાં હોઇ લોકોની સુવિધા માટે વધુ ખોલવા જોઇએ.

અમદાવાદમાં અગાઉ રોજ 50થી 80 જેટલાં PUC નીકળતા જે રાતોરાત વધીને 700 થયાં
જે વાહનોને એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે તેમણે PUC કઢાવવું ફરજિયાત છે તેમ છતાં શહેરમાં મોટાભાગના લોકો PUC કઢાવતા ન હતા. હાલ ટ્રાફિકના કડક નિયમો લાગુ પડતાં PUC સેન્ટરોમાં વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. 400 સેન્ટર પર બમણો ધસારો જોવા મળ્યો હતો. શ્યામલ ચાર રસ્તા પર PUC સેન્ટર ચલાવતાં અયુબ ખાને જણાવ્યું કે, છેલ્લાં થોડા દિવસથી PUC કઢાવવા માટે ધસારો ખૂબ જ વધી ગયો છે. ટૂ વ્હીલર માટે જેમણે ક્યારેય PUC સર્ટિફિકેટ મેળવવાની દરકાર નહોતી કરી, એવા વાહન માલિકો પણ હવે લાઈનમાં ઊભાં રહેતાં થઈ ગયા છે. અગાઉના સમયમાં રોજેરોજ 50થી 80 જેટલાં PUC સટફિકેટ નીકળતાં હતાં, આ સંખ્યા રાતોરાત વધીને 700 જેટલી થઇ ગઇ છે. રસ્તા પર ટ્રાફિક ન થાય તે માટે વાહન ચાલકોને ટોકન આપવામાં આવ્યા છે. કેટલાક લોકો તો લાઇનમાં ઊભા રહ્યા હતા અને સેન્ટર બંધ થતાં તેમને પરત જવું પડ્યું હતું.

સાણંદમાં PUC મેળવવા વાહનચાલકોનો ધસારો
સાણંદમાં ગુરુવારે સવારથી જ વાહન ચાલકો PUC કાઢવવા નીકળી પડ્યા હતા અને દંડની રમકથી બચવા નિયમોનું અમલીકરણ શરૂ કરી દીધું હતું. સરકાર દ્વારા કાયદામાં મોટર વાહન એક્ટની દંડ બાબતે જે નવી જોગવાઈઓ અમલમાં આવી રહી છે ત્યારે અમદાવાદના ભાગોળે આવેલા સાણંદમાં PUC સેન્ટર પર વાહન ચાલકોનો મોટો ઘસારો જોવા મળ્યો હતો. પહેલા સરેરાશ 20-30 PUC નીકળતી હતી, હાલમાં 50-60થી વધુ PUC નીકળે છે.

રાજકોટમાં PUC સેન્ટરો પર લાંબી લાઈનો જોવા મળી
નવું મોટર વ્હિકલ સુધારણા બિલ જાહેર થયા બાદ જાણે લોકો નિયમ મુજબ ડોક્યુમેન્ટ કઢાવી લેવા, વાહનના દસ્તાવેજ કરાવી લેવા સહિતના મુદ્દે ગંભીરતા કેળવી હોય એમ રાજકોટની આરટીઓ કચેરીમાં લાઇસન્સ રિન્યૂ કરવા, નવા લાઇસન્સ કઢાવવા, HSRP ફિટ કરાવવા, ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા અરજદારોની લાંબી લાઈનો લાગી છે. આ ઉપરાંત શહેરમાં જુદા જુદા PUC સેન્ટરોમાં અને હેલ્મેટની દુકાનોમાં અને ફૂટપાથ પર ગ્રાહકોની લાંબી લાઈનો લાગી છે. RTOમાં એક દિવસમાં લાઇસન્સ રિન્યૂ કરાવવા 600, HSRP ફિટ કરાવવા 450 અને ડ્રાઈવિંગ ટેસ્ટ માટે 350 અરજદારો ઊમટી પડે છે. એક PUC સેન્ટર પર પહેલા 50 ચાલકો આવતા હતા, જ્યારે એ આંકડો 250 કરતા પણ વધી ગયો છે.

જૂનાગઢમાં PUC સેન્ટરે લાંબી લાઇન
સામાન્ય રીતે માત્ર 20 રૂપિયામાં ટુવ્હિલ માટે નિકળતા પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC)સર્ટિફિેકટ પણ કઢાવવાની અનેક વાહન ચાલકોએ દરકાર લીધી ન હતી. જોકે આકરા દંડનો ફટકો પડવાની દહેશત લાગતા હવે આવા વાહન ચાલકો દોડધામ કરવા લાગ્યા છે. જૂનાગઢમાં અનેક સ્થળે PUC સર્ટિફિકેટ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે તેમ છતાં અનેક વાહન ચાલકોએ માત્ર મામુલી રકમમાં મળતા પોલ્યુશન અન્ડર કન્ટ્રોલના સર્ટિફિકેટ મેળવ્યા ન હતા. દરમિયાન ગુરૂવારે આવા PUC સેન્ટર પર વાહન ચાલકોએ લાઇનો લગાવી હતી. શહેરના કોઇ પણ PUC સેન્ટર પર જાઓ વાહન ચાલકોની ભીડ જોવા મળી હતી.

પોરબંદરમાં PUC કઢાવવા વાહનોની લાંબી કતારો લાગી
ટ્રાફિકના નવા નિયમોની અમલવારીને માત્ર 3 દિવસ બાકી હોય ત્યારે પોરબંદરમાં PUC કઢાવવા માટે વાહનોની લાંબી કતારો લાગી છે. વરસતા વરસાદમાં પણ લોકો પોતાના વાહનો લઇને વારામાં ઉભા જોવા મળ્યા હતા. પોરબંદર શહેરમાં PUC કાઢતી કચેરીઓમાં ભારે ઘસારો જોવા મળી રહયો છે. એજન્ટે એવુ જણાવ્યુ હતુ કે ટ્રાફિકના નવા નિયમને પગલે PUC કઢાવવા માટે દરરોજના 100 જેટલા વાહન ચાલકો આવે છે.

ગોધરામાં PUC કઢાવવાની ટકાવારી 40થી 50%વધી
ટ્રાફિકના નવા નિયમો જાહેર થતા ગોધરામા PUC સર્ટિફીકેટ કઢાવવામાં વાહનચાલકો લાગી ગયા છે. જેને લઈને શહેરના વિવિધ PUC સેન્ટર પર વાહનોની લાંબી કતારો લાગી છે. PUCનો દંડ રૂ. 100ને બદલે 500 કરી દેતા સવારથી જ વાહનચાલકો PUC કઢાવવા નીકળી પડ્યા હતા. ગોધરાના સેન્ટર પર બમણો ધસારો જોવા મળ્યો હતો. અગાઉના સમયમાં રોજેરોજ 10થી 30 જેટલાં PUC સટફિકેટ નીકળતાં હતાં, આ સંખ્યા રાતોરાત વધીને 200 જેટલી થઇ ગઇ છે.

લોકોનો ધસારો જોઇ PUCના બમણા ભાવ લેવાય છે
મહેસાણાના સરસ્વતી સોસાયટીના નરેશભાઇ પટેલે કહ્યુ કે, PUCમાં રૂ. 20 ફી છે તેની જગ્યાએ રૂ. 50 લેવાય છે. મહેસાણા જિલ્લામાં મોટાભાગના PUC સેન્ટરોમાં ટુવ્હીલરચાલકો રૂ.25ના બદલે રૂ. 40 કે 50માં અને ફોરવ્હીલરમાં રૂ.50ના બદલે રૂ. 60 થી 80માં ખંખેરાઇ રહ્યા છે. ડીઝલ વાહનમાં રૂ.100 ફી છે.

રાજકોટમાં હેલ્મેટના બમણા ભાવ
હેલ્મેટ સહિતના ટ્રાફિકના કાયદાનું આગામી 16મી સપ્ટેમ્બરથી ચુસ્ત પણે પાલન કરાવવા પોલીસ મક્કમ છે ત્યારે રાજકોટમાં અગાઉ જ્યાં 800 રૂપિયામાં હેલ્મેટ મળતા હતા તેના રાતોરાત ભાવ ઊંચકાઈને 1400 રૂપિયા થઈ ગયા હતા. કાળા બજાર થતાં લોકોએ વિરોધ પણ કર્યો હતો. આ બાબતે સંબંધિત તંત્રએ હેલ્મેટ વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ કરવું જરૂરી છે.

X
New traffic rules reminded demonetization , vehicle owner stay in row at PUC Centers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી